કોરોના ફ્રન્ટલાઇન વોરિયર્સ ૨૦૨૧ હા મને ગર્વ છે કે હું એક નર્સ છું : ગીતાબેન છાંગા

“ હું એક રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ફિમેલ હેલ્થ વર્કર નર્સ છું. હા, મને ગર્વ છે કે હું એક નર્સ છું. શરૂઆતમાં રેપીડ અને પછી RTPCR  એમ અને હવે રસીકરણ પણ એમ રાતદિવસ ખાવાપીવાની ચિંતા વગર લોકોની સેવા કરતા અમે પેરા મેડિકલ સ્ટાફ અમને ગર્વ છે કે અમે લોકોના જીવન બચાવવા પ્રયત્ન કરીએ છીએ” આ શબ્દો છે કચ્છ જિલ્લાના વડામથક ભુજ ખાતે સુખપર કોડકી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અને હાલ તાલુકા આરોગ્ય મથક ભુજમાં કોરોના ફ્રન્ટલાઇન વોરિયર્સ તરીકે આરોગ્ય સેવા આપતા ૨૩ વર્ષીય નર્સ ગીતાબેન છાંગાના !! છેલ્લા ચાર વર્ષથી નર્સ તરીકે ફરજ બજાવતા ગીતાબેન જણાવે છે કે, છેલ્લા વરસથી ભુજમાં અમે નર્સો ૧લી જાન્યુઆરી ૨૦૨૦થી કોવીડ-૧૯ની કામગીરી સાથે આજ દિવસ સુધી નર્સ, ફાર્માસીસ્ટ, પેરા મેડિકલ સ્ટાફ એવા અમે સૌ કોરોનાની પરીક્ષા આપી રહયા છીએ. કેમ કોરોના પરીક્ષા આપી રહયા છો ? આ પ્રશ્નના જવાબમાં તેઓ જણાવે છે, ” સામાન્ય દિવસો હોય, કરફર્યુ હોય કે લોકડાઉન ધોમધખતો તાપ હોય કે જરૂર પડે રાત હોય…. ફોન કોલ આવે એટલે અમે અમારા વાહન પર પણ સારવાર માટે પહોંચી જઇએ છીએ. જયાં જઇએ ત્યાં બધે બધા સરખા નથી મળતા. ઘણીવાર તો રડી જવાય પણ થાય કે શરીરથી કંટાળેલા અમારા પર જ ગુસ્સે થાય ને અને અમે તો નર્સ છીએ અને એમને નહીં સાંભળીએ તો તે જશે કયાં ? અને ફરી પાછું હકારાત્મક અને ઉર્જાવાન થઇ જવાય છે. કયારેક કોઇ એક જ પરિવારમાં જયારે કોવીડ-૧૯ની સારવાર કે તપાસમાં જઇએ ત્યારે હડધૂત પણ થવાય ને તે પરિવારમાંથી જ આંખો વડે વિનંતી જોવા મળે એટલે અપમાનનો ઘુંટડો પી જવાય છે તે વિનંતી કરનારની કરૂણા એમની આંખોથી જાણે અમારા થાકને, અપમાનને દુર કરી દે છે અને અમે અમારી કરવાની કામગીરી હસતા મોઢે કરવા લાગીએ છીએ.” થાક કે નિરાશા હાવી થાય ત્યારે શું કરો તમે ? આ પ્રશ્નના ઉત્તરમાં તેમના ઉપરી ડો.ખુશ્બુબેન ભાનુશાળી સાથે આંખ મિલાવીને બંને હસીને કહે છે, “બસ આ સમય જ સાચવવાનો છે. ઘણા લોકો ફોન પર સંપર્ક બાદ જઇએ ત્યારે અમારી સાથે કેટલાક ખારા અનુભવ પણ થાય છે પણ એવું કયારેક જ બને. મન ખરાબ થઇ જાય પણ હવે પરિસ્થિતિઓ બદલાઇ છે લોકોને મહામારી કોરોનાની વાસ્તવિકતા અને પરિણામ સમજાવવા લાગ્યા છે. અમનેય થાક લાગે પણ અમે કોરોના વોરિયર્સ છીએ. રજા પાડયા વગર દસેક કલાક કામ કરવામાં જતા હોય છે. અમે ઘેર પહોંચીએ એટલે પહેલા નાહી ધોઇને કપડાં સૂકવીને જ જમવાનું હવે તો અમારો ક્રમ બની ગયો છે. શરૂમાં મજા ન હોતી લાગતી હવે તો આદત બની ગઇ છે. તમે માનશો થાક અને કંટાળા વચ્ચે જયારે ઘણીવાર આર્શીવાદ-સ્મિત મળે છે ત્યારે જાત માટે ખુબજ માન અને પ્રેમ ઉપજે છે. અમારે આવા કપરાં સમયમાં આનાથી વધુ મોટું બોનસ શું હોય અને એટલે જ મને ગર્વ છે કે હું એક નર્સ છું.”