કોરોના કાળમાં જીવન જરૂરી દવાઓના ભાવમાં અસહ્ય વધારો

આવી મોંઘવારી અને ધંધા-રોજગાર બંધ હોય ત્યારે દવાના ભાવ વધારાની મંજૂરી સરકાર કેવી રીતે આપી શકે ? : દર્દીઓને દવા લેવા વધુ રૂપિયા ખર્ચવા પડે છે

ભુજ : કોરોનાના વિકટ સમયમાં લોકોની હાલત દયનીય બની છે. લોકો સારવાર માટે ફાંફા મારી રહ્યા છે. લોકો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે ત્યારે દવાના રો-મટીરિયલમાં અસહ્ય ભાવ વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે દર્દીઓએ દવા માટે વધુ રૂપિયા ખર્ચ કરવા પડશે.

કોવિડ-૧૯ મહામારીમાં જ્યારે લોકોને દવાની વધુ જરૂરિયાત છે તેવા સમયમાં નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રોઈસિંગ ઓથોરિટીએ જુદી-જુદી ૪ર દવાઓના ભાવ સીલિંગના નામે વધારો કરી આપ્યો છે. કુલ ૪ર દવાઓની કિંમતમાં સીલિંગ કરી આપી છે, પરંતુ તેના કારણે અંતે તો દવાના ભાવમાં વધારો જ આવ્યો છે. લો-હાઈ બ્લડ પ્રેસર, હૃદયરોગ, બ્રેઈનસ્ટ્રોક, તાવ, શરદી, ઉધરસ, પેન્સિલીન, એન્ટિબાયોટિક દવાઓ, કોગળા કરવાના લિક્વિડના ભાવમાં એમએલ દીઠ ભાવ વધારી આપ્યા છે. તાવ, ઉધરસ અને શરદી માટેની પેરાસિટામોલમાં ૧રર ટકા જેટલો ભાવ વધારો થયો છે. દસ ટેબ્લેટની સ્ટ્રીપ માટે રૂા.૩૮.ર૦ ભાવ થયો છે. જેના પર જીએસટીનો ટેક્સ ઉમેરાશે. તેવી જ રીતે એજિપ્રોમાઈસીન પણ રૂા.૭૩૦૦ પ્રતિકિલોથી વધીને રૂા.૧૦,૦૦૦ પ્રતિકિલો સુધી ભાવ વધારો કરાયો છે. જ્યારે કોરોનાના દર્દીની સારવાર માટે ઉપયોગી દવા આઈવરમેક્ટિનના ભાવમાં ૧૮૮ ટકાનો વધારો કરી પ્રતિકિલો રૂા.પર,૦૦૦ના ભાવે વેચાઈ રહી છે.

દર વર્ષે દવાઓમાં ૧૦ ટકા જેટલો ભાવ વધારો થાય છે. પેરાસિટામોલના રો-મટિરીયલમાં ૧૭ માસમાં ૧રર ટકાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. ઓક્ટોબર – ડિસેમ્બર ર૦૧૯માં રૂા.રપ૦ – ર૭૦, મે-જૂન ર૦ર૦માં રૂા.૩૬૦ થી ૩૯૦, ડિસેમ્બર ર૦ર૦માં રૂા.૪પ૦ થી ૪૮૦, એપ્રિલ ર૦ર૧માં રૂા.પ૦૦ થી ૬૦૦ પ્રતિકિલો ભાવ વધારો જાેઈ શકાય છે. તેવી જ રીતે એજિપ્રોમાઈસીનના રો-મટિરીયલમાં ૩પ ટકાનો ભાવ વધારો થયો છે. ડિસેમ્બર ર૦૧૯માં રૂા.૭૩૦૦ થી ૭૭૦૦, ડિસેમ્બર ર૦ર૦માં રૂા.૯પ૦૦ થી ૧૦,ર૦૦, એપ્રિલ ર૦ર૧માં રૂા.૯૯૦૦ થી ૧૦,૪૦૦ જેટલો પ્રતિકિલો ભાવ વધારો થયો છે.