કોરોના કહેરમાં કચ્છમાં કાળાબજારી કરતા તત્ત્વો ‘મહામારીના ગીધ’ સમાન

  • લૂંટારૂઓને લોકોની લાચારી ન દેખાઈ, પણ કમાણીનો રસ્તો બનાવી લીધો..!
    સંક્રમણથી બચવા માસ્ક, સેનીટાઈઝર, ઓક્સિમીટરની ખરીદીથી લઈ રેમડેસિવીર ઈન્જેક્શન, ઓક્સિજન, રીફલીંગ, હોસ્પિટલમાં દાખલ થવા સુધીની પ્રક્રિયામાં ખંખેરાય છે મજબુરીના નાણા, હદ તો ત્યાં થઈ મૃતકનો મલાજો પણ ન જાળવી અંતિમ શ્વાસથી લઈ અંતિમ સંસ્કાર સુધી બધે જ કાળાબજારી

મહામારીમાં વધુ રૂપિયા ખંખેરતા તકવાદીઓ ધ્યાનથી સાંભળે.! વારા ફરતી વારો આજે બીજાનો તો કાલે તમારો પણ વારો આવશે : અહીંના કર્યા અહીં જ ભોગવવાના છે, જેથી હવે તો શરમ કરો અને સહેજ તો માનવતાવાદી વલણ દાખવો

(બ્યુરો દ્વારા)ભુજ : ના બીવી ના બચ્ચા, ના બાપ, બડા ના ભૈયા, સબસે બડા રૂપૈયા…કોરોના કાળમાં દવાઓ, ઓક્સિજન અને સારવાર માટે એક તરફ દર્દથી કણસતા દર્દીઓ અને તેમના સ્વજનો પારાવાર મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યાં છે ત્યાં બીજી તરફ કાળાબજારીઓ અને પૈસા પડાવતા તકવાદીઓના કારણે કચ્છભરમાં આ ગીતની પંક્તિઓ સાર્થક સાબિત થઈ રહી છે. કારણ કે, મહામારીની આ સ્થિતિમાં લૂંટારૂઓને લોકોની લાચારી ન દેખાઈ, પણ કમાણીનો રસ્તો બનાવી લીધો છે. પરિણામે કોરોના કહેરમાં કચ્છમાં કાળાબજારી કરતા તત્ત્વો ‘મહામારીના ગીધ’ સમાન બન્યા છે.
આ અંગેની વિગતો મુજબ કોરોનાની બીજી લહેરે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. જેની કચ્છમાં પણ ખુબ મોટી અસર જોવા મળી છે. સંક્રમણથી બચવા લોકો માસ્ક, સેનીટાઈઝર, ઓક્સિમીટર, દવાઓ સહિતની આવશ્યક વસ્તુઓની ખરીદી કરે છે. જો કે, તેમાં દર્દીની ગરજના આધારે ભાવ વસુલાય છે. આ તો ઠીક સંજીવની સમાન રેમડેસિવીર ઈન્જેક્શન, ઓક્સિજન, રીફીલીંગ અને હોસ્પિટલમાં દાખલ થવા સુધીની પ્રક્રિયામાં પણ મજબુરીના નાણા વસુલવામાં આવે છે. હોસ્પિટલમાં ઓક્સિજનનો બેડ જોઈતો હોય કે વેન્ટીલેટર ખપતું હોય ત્યારે ભલામણો, આજીજી સાથે નોટ ધરવી પડે, ખાનગી હોસ્પિટલોમાં નાણાની કોથળી ખુલ્લી રાખવી પડે. પોતાના સ્વજનને બચાવવા માટે દર-દાગીના વેચવા પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. હદ તો ત્યાં થઈ કે મૃતકનો મલાજો પણ ન જાળવી અંતિમ શ્વાસથી લઈ અંતિમ સંસ્કાર સુધી બધે જ કાળાબજારી જોવા મળી રહી છે.એક વાત સત્ય છે કે, તમે આ ભવમાં જે પાપ કરશો તે અહીંયા જ ભોગવીને સંસાર ત્યાગવો પડશે. આપણી આસપાસ આવા ઘણા કિસ્સાઓ નજરો નજર જોવા મળે છે, ત્યારે ભવિષ્યનું વિચારી વર્તમાનમાં કોઈની મજબુરીનો લાભ ન ઉઠાવો.લોકો મહામારીથી બચવા લાચાર બની ગયા છે, પરંતુ આવા કપરા કાળમાં પણ કેટલાક કાળાબજારીઓ પોતાનો ધીકતો ધંધો પુરજોશમાં ચાલુ રાખ્યો છે અને લોકોના ખીસ્સા ખાલી પણ કર્યા છે.લોકો લાચાર છે, લૂંટાય છે, પરંતુ નિર્દય બનેલા ભ્રષ્ટાચારીઓને બસ પોતાનો ફાયદો જ દેખાઈ રહ્યો છે. લોકોની મજબુરીનો ફાયદો ઉઠાવી કાળાબજારીયો પોતાના ખીસ્સા ભરી રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત આમ તો વિવિધતામાં એકતાનું પ્રતિક માનવામાં આવે છે, પરંતુ તમામ ધર્મોથી મોટો ધર્મ માનવામાં આવે તે માનવ ધર્મ. પરંતુ આ મહામારીમાં માનવ ધર્મ ભુલાતો જોવા મળ્યો છે. મહામારીમાં વધુ રૂપિયા ખંખેરતા તકવાદીઓ એક વાત ધ્યાનથી સાંભળે કે વારા ફરતી વારો આજે બીજાનો તો કાલે તમારો પણ વારો આવશે. અહીંના કર્યા અહીં જ ભોગવવાના છે, જેથી હવે તો શરમ કરો અને સહેજ તો માનવતાવાદી વલણ દાખવો.

દવા અને ઈન્જેક્શન બાદ ઓક્સિજનની કાળાબજારીથી સ્મશાનમાં ભીડ

ભુજ : કોરોનાથી કણસતા દર્દીઓ માટે હાલ ઓક્સિજનની માગ વધી છે. જેથી કાળા બજારી કરનારાઓએ ઓક્સિજનનું પણ બ્લેકમાં વેચાણ શરૂ કર્યું છે. કચ્છમાં સરકારે તમામ સંચાલન પોતા હસ્તક સંભાળી લેતા હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓને ઓક્સિજન આપવા માટે કપરા ચઢાણ પસાર કરવા પડે છે. ઘણા કિસ્સામાં બ્લેકમાં વધુ રૂપિયા ચુકવી ઓક્સિજન ખરીદવો પડે તેવી પણ નોબત આવે છે. દવાઓથી માંડી ઈન્જેક્શનમાં રૂપિયા ખર્ચ્યા બાદ પ્રાણવાયુ માટે પણ પ્રાણ હંફાવી દે એટલી દોડાદોડ કરવી પડે છે. પરિણામે સમયસર ઓક્સિજન ન મળવાથી મોતના કિસ્સાઓ પણ વધ્યા છે. હાલમાં તો રેમડેસિવીરનું સુચારૂ વિતરણ શરૂ થયું છે. જો કે મહિના પૂર્વે પરિસ્થિતિ એવી હતી કે, લોકો ઈન્જેકશનની એક વાયલ માટે માંગો એટલા રૂપિયા આપવા તૈયાર હતા. ઘણા લોકોએ સંગ્રહખોરી કરી બ્લેકમાં આ ઈન્જેકશનનું માર્કેટીંગ કર્યું હતું. સરકારી ચોપડે ભલે દરરોજના બે – ચાર મૃત્યુ દર્શાવાતા હોય પણ સ્મશાનમાં ધગધગતીઓ ચીમનીઓ શાંત નથી તે દ્રશ્યો પણ હૃદયને કંપાવનારા છે.

સરકારે કોવિડ હોસ્પિટલોમાં સારવારના દર નક્કી કર્યા હોવા છતાં લૂંટાલૂંટ કેમ?

ખાનગી હોસ્પિટલો મુદ્દે કોર્ટ પણ કડક રૂખ અખત્યાર કર્યો હતો

ભુજ : રાજ્ય સરકારે પ્રાઈવેટ હોસ્પિટલોમાં કોવિડની સારવાર માટે દર નક્કી કર્યા છે. કચ્છની ખાનગી કોવિડ હોસ્પિટલો દર્દીની આર્થિક સધ્ધરતા જોઈ મરજી મુજબના મસમોટા બીલ બનાવે છે. ઘણા કિસ્સામાં સ્વજન પોતાના દર્દીનું જીવ બચાવવા વ્યાજે પણ રૂપિયા લે છે. અનેક ફરિયાદો છતા હજુ સુધી કોઈ કામગીરી થઈ નથી. મહાનગરમાં બેફામ રૂપિયા વસુલાતા સ્થાનિક પ્રશાસને હોસ્પિટલોમાં કંટ્રોલ કરી ભાવો નિયત કરી નાખ્યા છે. કચ્છમાં દરેક હોસ્પિટલમાં અલગ અલગ ચાર્જ જોવા મળે છે. જેના કારણે દર્દીઓ લૂંટાઈ રહ્યા છે. ફરવાના સ્થળ હોય તેમ તબીબો હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવા માટે પેકેજ પણ જાહેર કરે છે. ખરેખર તો તંત્રએ કઈ સેવા માટે કેટલો શુલ્ક લેવો તેના દર નક્કી કરી જાહેર સ્થળોએ પોસ્ટર સ્વરૂપે ચોટાડવા જોઈએ જેથી ગરીબ દર્દીઓ લૂંટાય નહીં અને આવા તકસાધુઓને મોકળું મેદાન ન મળે.