કોરોના કપરા સમયમાં પણ વધુ ફી ઉઘરાવતી શાળાઓ સામે થશે કાર્યવાહી

ફી કમિટીની મંજૂરી મળી નથી અને શાળાઓએ માત્ર દરખાસ્તો કરી વધુ ફી ઉઘરાવી : ફી કમિટી મંજૂરી આપશે તેવી ધારણા સાથે શાળા વધુ ફી લઈ શકશે નહીં : ફી કમિટી દ્વારા મંજૂર કરાયા બાદ જ તેટલી ફી શાળાએ વસુલવાની રહેશે : રાજકોટની શાળા સામે તંત્રએ કરેલ કામગીરીમાંથી કચ્છનું તંત્ર બોધપાઠ લેશે ?

(બ્યુરો દ્વારા)ભુજ : કોરોનાના કપરા કાળમાં પણ સેવાકીય નીતિના બદલે વેપાર સમજીને ચલાવતી ખાનગી શાળાઓ ઉપર તંત્રે કડક કાર્યવાહીનો રૂખ અપનાવ્યો છે, જેથી શાળાઓ વાલીઓ પાસેથી વધુ ફી લીધી હશે તો તેની પર બ્રેક લાગશે. ધંધા – રોજગારમાં મંદીનો માહોલ છે ત્યારે શાળા સંચાલકો વાલીઓને વધુ ફી લઈને ખંખેરી રહ્યા છે, તેવી ફરિયાદો રાજયસ્તરે પહોંચતા તંત્રએ કમર કસી છે.આ અંગેની વિગતો મુજબ ખાનગી શાળાઓમાં વધુ ફી લેવાતી હોવાની બૂમરાડો ઉઠ્યા બાદ તેના પડઘા પડતા અમુક જિલ્લાઓમાં શિક્ષણ અધિકારીએ ખાસ પરિપત્ર બહાર પાડી ફી કમિટીએ મંજૂર કરેલી ફી જ લેવાના આદેશ કર્યો છે. જે શાળાઓએ ફી વધારાની માંગ કમિટી સમક્ષ મુકી છે તે મંજૂર ન થાય ત્યાં સુધી તે ફી લઈ શકાશે નહીં તેવું સ્પષ્ટ શબ્દોમાં શિક્ષણાધિકારીએ ખાનગી શાળાઓને પરિપત્ર દ્વારા જણાવ્યું છે. અમુક શાળાઓ ફી વધારા કમિટીને ફી વધારાનું લેટર લખીને વાલીઓ પાસેથી વધુ ફીના ઉઘરાણા શરૂ કરી દીધા છે, તેવી ફરિયાદો તંત્ર પાસે પહોંચતા આ પરિપત્ર બહાર પાડી ખાનગી શાળાઓને તાકીદ કરાઈ છે. જોવાનું તો એ છે કે, ગુજરાતના જામનગર જિલ્લાના શિક્ષણાધિકારીએ તો ખાનગી શાળાઓને પત્ર દ્વારા આ પરિપત્રનો અમલી કરાયો છે. જે કચ્છ સહિતના અન્ય જિલ્લા માટે પ્રેરણારૂપ છે. તો જામનગર જિલ્લા શિક્ષણાધિકારીના પગલા બાદ અમદાવાદમાં પણ આ મુદ્દે અવાજ ઉઠ્યો છે. કચ્છના અમુક વાલીઓ બંધ મોઢે અંદરોઅંદર અવાજ કરી રહ્યા છે, જેની તંત્ર પાસે પણ ફરિયાદો પહોંચી છે. હવે જોવાનું એ છે કે, કચ્છનું શિક્ષણ તંત્ર આવી શાળાઓ પર કયારે પગલાં ભરશે ?
પ્રાપ્ત વિગતો અનુસાર હાલમાં કોરોના મહામારીના લીધે વાલીઓની નોકરી, ધંધા, રોજગાર બંધ છે. મધ્યમ વર્ગના લોકો પૈકી અનેકની નોકરીઓ પણ જતી રહી છે. જેથી વાલીઓ પાસે ફી ભરવા માટે હાલમાં રૂપિયા પણ નથી. જેથી જુનિયર કે.જી. થી ધોરણ ૩ સુધી ઓનલાઈન શિક્ષણ બંધ કરી આવા વિદ્યાર્થીઓને હાલ ફી બંધ કરવામાં આવે તેવો આદેશ બહાર પાડવા માટે વાલી મંડળના પ્રમુખ નરેશ શાહ દ્વારા અમદાવાદ શહેર ડીઈઓને પત્ર લખી રજૂઆત કરી છે. તમામ શાળાએ ફી કમિટી દ્વારા ફી નક્કી કરવામાં આવ્યા બાદ જ ફી અને તે પણ એક જ સત્રની ઉઘરાવવામાં આવે તે માટે પરિપત્ર કરવા માટે તાકીદ કરી છે. જામનગર ડીઈઓ દ્વારા આ અંગે પરિપત્ર કર્યો હોવાથી તેની કોપી પણ ડીઈઓને મોકલવામાં આવી છે. ઉપરાંત શાળાએ હાલમાં માત્ર સત્ર ફી જ ઉઘરાવવાની રહેશે. અન્ય કોઈ ફી ઉઘરાવવાની રહેશે નહીં. જો શાળા અન્ય ઉઘરાવતી હશે તેવું જણાશે તો તેમની સામે કાર્યવાહી કરાશે. બીજીતરફ રાજયમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧રના બાળકોને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિદ્યાર્થીઓની પરીક્ષા ફી અંદાજે રૂા. ૪પ કરોડ જેટલી થતી હોવાનું વાલીમંડળ દ્વારા જણાવાયું છે. જેથી હવે પરીક્ષા યોજાવવાની નથી ત્યારે વિદ્યાર્થીઓને પરીક્ષા ફીની રકમ તાત્કાલિક પરત કરવામાં આવે તે માટે ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા બોર્ડના નિયામકને પત્ર લખી રજુઆત કરી છે. મંદીમાં સપડાયેલા વાલીઓમાં ચર્ચાતી વિગતો મુજબ તેમજ તાજેતરમાં ખાનગી શાળાઓમાંથી વિદ્યાર્થીઓના નામ કમી થઈ રહ્યા છે, તેવા કિસ્સાઓ પણ હાલ વધી રહ્યા છે. મોંઘવારીના મારના કારણે ખાનગી શાળાઓમાંથી કમી થયેલા બાળકો સરકારી શાળા તરફ ઢળી રહ્યા છે. હાલ ઓનલાઈન શિક્ષણ જ ચાલી રહ્યું છે અને ધો. ૧૦ અને ૧રમાં પણ માસ પ્રમોશન આપીને વિદ્યાર્થીઓને ઉપલા વર્ગમાં ઉત્તિર્ણ કરાયા છે. ફી મુદ્દે અનેક રકઝકો ઉભી થઈ રહી છે ત્યારે વાલીઓ પણ જો પોતાનું ખર્ચ ઘટાડવા માંગતા હોય અથવા તો ખાનગી શાળામાં પોતાના બાળકને ભણાવી શકતા ન હોય તેઓએ પણ પોતાના બાળકને સરકારી શાળામાં એડમીશન અપાવવું જોઈએ. અમુક ખાનગી શાળાનું ઢાચું સારો હોય છે પણ તે શાળામાં શિક્ષણ આપતા શિક્ષકોના ભણતરનું સ્તર સરકારી શાળાના શિક્ષકો જેટલું ઉચું નથી હોતું. દિલ્હીમાં કેજરીવાલ સરકારે શાળાઓ અને આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ સર્જી છે, તેવી જ ક્રાંતિ ગુજરાતમાં સર્જાય તો આ મહામારીની આપતિમાં તુટી ગયેલા ગરીબ અને મધ્યમ વર્ગને રાહત થાય તેમ છે.