કોરોના ઈફેકટ : કચ્છમાં ૧૦મી એપ્રીલે યોજાનારી રાષ્ટ્રીય લોક અદાલત રદ્દ

હવે પછી આ નેશનલ લોક અદાલત ૮ મેના યોજાશે

(બ્યુરો દ્વારા)ભુજ : અદાલતોમાં કેસોનું ભારણ ઘટે અને સમાધાન યોગ્ય મેટરોનો ઝડપી નિકાલ આવે તે માટે સમયાંતરે રાષ્ટ્રીય લોક અદાલતો યોજવામાં આવતી હોય છે. આ અદાલતોમાં એક જ દિવસમાં એકી સાથે હજારો કેસોનો નિકાલ થઈ જતો હોય છે. ગત વર્ષે લાગુ થયેલ લોકડાઉન બાદથી લોક અદાલતો પણ યોજાઈ ન હતી. ત્યારે કોર્ટોમાં કામગીરી ચાલુ થઈ ગઈ હોઈ આગામી ૧૦મી એપ્રીલ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ કોવિડ – ૧૯ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આ લોક અદાલત રદ્‌ કરવામાં આવી છે. આ અંગેની વિગતો મુજબ ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળના આદેશ અનુસાર રાજયના અન્ય જિલ્લાઓની સાથોસાથ કચ્છમાં પણ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા જિલ્લા તેમજ તાલુકા અદાલતોમાં આગામી ૧૦મી એપ્રીલે નેશનલ લોક અદાલત યોજાનારી હતી. જો કે, કોરોનાના વધી રહેલા કેસોને પગલે આ લોક અદાલત રદ્‌ કરવામાં આવી છે. નેશનલ લોક અદાલતમાં પક્ષકારો, સંસ્થાઓના મોટર અકસ્માત, વળતર, દિવાની, સમાધાન લાયક ફોજદારી, ફેમીલી કોર્ટ, લગ્ન વિષયક, બેંક, પીજીવીસીએલ, ફાઈનાન્સ કંપની, પ્રિલીટીગેશન સહિતના કેસો મુકવામાં આવતા હોય છે. આગામી ૧૦મી એપ્રીલે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું હતું. જો કે કોરોનાની પરિસ્થિતિને ધ્યાને રાખી તે રદ્‌ કરાયું છે. આગામી ૮ મે ના રોજ હવે પછી આ નેશનલ લોક અદાલત યોજવામાં આવશે.