કોરોનામાં પણ કચ્છી કોયલને રૂપિયા કમાવાની લાલશા ?

ભુજના વડઝર બાદ જુનાગઢમાં યોજાયેલા લોકડાયરમાં હજારોની જનમેદની ઉમટી : કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં ધકેલાતા ગુજરાતમાં હજારોની જનમેદની સાથે યોજાતા લોકડાયરા કોરોનાનો વ્યાપ વધારશે ?

ભુજ : એકતરફ રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. સાથે મોતના કિસ્સાઓ પણ વધી રહ્યા છે, પરંતુ નેતાઓ અને પ્રચલીત લોકોને કોરોનાના નિયમો લાગુ પડતા નથી તેવું સ્પષ્ટ જણાઈ આવે છે. કારણ કે મહામારીની ગંભીર પરિસ્થિતિ વચ્ચે જુનાગઢના માણાવદરના ભાલેચડા ગામે તાજેતરમાં કચ્છી કોયલ ગીતા રબારી તેમજ અર્જુન આહિર, દેવરાજ ગઢવી સહિતના કલાકારો દ્વારા લોકડાયરો યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં એક્ત્ર થયા હતા.
અને કોરોના ગાઈડલાઈનનો સરેઆમ ઉલાળિયો થયો હતો. સામાન્ય નાગરીકો સામે કાર્યવાહી કરતું તંત્ર કલાકારો સામે પગલાં લેવામાં શરમ અનુભવે છે. આ પૂર્વે ભુજ તાલુકાના વડઝર ગામે લોકગાયીકાનો ડાયરો યોજાયો હતો, જેમાં ભીડ ભેગી થતાં વિવાદ થયો હતો. જો કે હળવી કાર્યવાહી બાદ મામલો સંકેલી લેવાયો હતો. તેમ હવે જુનાગઢનો લોકડાયરો પણ વિવાદમાં આવ્યો છે, જો કે કલાકારો અને કાર્યક્રમમાં હાજર રહેલા રાજકીય આગેવાનો સામે કાર્યવાહી થશે કે કેમ તેની સામે પ્રશ્નાર્થ છે. અમરેલીમાં માસ્ક મુદ્દે એએસપીએ ભાજપના નેતા સામે પગલાં ભરતાં બદલી કરી ગાંધીનગર મુકી દેવાયા હતા, ત્યારે આ કેસમાં કાર્યવાહી થશે કે કેમ તેનો સવાલ લોકો ઉઠાવી રહ્યા છે. સરકાર પાસે કોરોનામાં લોકોને જાગૃત કરવા માટે કરોડો રૂપિયા લેતા કલાકારો આવા આયોજનમાં ભાગ લઈ કોરોનાને ફેલાવવામાં નિમિત બને છે. તેવું લોકો ટકોર સાથે કહી રહ્યા છે. આ બાબતમાં ગીતાબેનનો સંપર્ક કરવાની કોશીશ કરતા તેમનો સંપર્ક થઈ શકયો નહીં પરંતુ તેમના પતિ પૃથ્વીભાઈ રબારીએ જણાવ્યું હતું કે આયોજકોએ મંજુરી લેવાની હોય છે, કલાકારોને નહીં. તે બાબતે મંજુરીઓ કલાકારો ચેક પણ નથી કરતા. તે બધું આયોજકોએ જ કરવાનું હોય છે. અમે તો કલાકાર છીએં.