કોરોનામાં કચ્છીજનો સંયમ-સંપ જાળવે : તંત્રને આપે સહકાર

image description

  • જિલ્લા ભાજપ પ્રમુખનો સંવેદનાસભર અનુરોધ
    છેલ્લા ૧ વર્ષથી વધુના સમયથી અધિકારીઓ તેમજ ડોક્ટરો, મેડિકલ સ્ટાફ કરી રહ્યા છે મહેનત : ખોટી આક્ષેપ બાજી કરી મોરલ ડાઉન ન કરો

ગાંધીધામ : કોરોના મહામારીની સાથે આપણે પનારો પડયો છે. હજુ થોડો સમય જાગૃતી સાથે આ મહામારી સામે લડવાની છે. આપણી જાતને આપણે મહામારીથી સાવચેતી રાખીને બચાવવાની છે. જો આમ કરીએ છીએ તો આપણે ખુદને અને પરીવારજનોને તો બચાવીએ જ છીએ સાથોસાથ જ રાત-દિવસ જોયા વિના કોરોનાના દર્દીઓની સેવામાં લાગેલા કોરોનાના ફ્રન્ટલાઈન વોરિયર્સ, તબીબો-મેડીકલ-પેરામેકડીલ સ્ટાફ, સરકારી અધિકારીગણ સહિતનાઓના પરિશ્રમને પણ ઘટાડી અને તેમને પણ મદદરૂપ જ થઈ રહ્યા છીએ તેમ માનીએ. જરા સહેજ પણ ડરવાની જરૂર નથી, ઈશ્વર પર શ્રદ્ધા રાખીએ, પરિસ્થિતી પરિવર્તન શીલ હોય છે, મહામારી પણ અચુક ભાગશે, સ્થીતી સુધરશે, હકારાત્મક વિચારો રાખીએ તેવી અપીલ કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે કરી છે. એટલુ માત્ર જ નહી પરંતુ પાટીદાર પુત્ર કેશુભાઈ પટેલે આ તબક્કે પાણીદાર સંદેશો પણ આપતા પ્રજાજનોને અનુરોધ કરતા જણાવ્યુ છે કે, વર્તમાન સમયે મહામારી ખુબ વકરી છે ત્યારે તંત્ર અને સરકાર ખુબજ – અથાગ મહેનત કરી રહ્યા છે, તેમાં સૌ કોઈ શ્રદ્ધા રાખીએ અને અધિકારીઓ, હોસ્પિટલો, તબીબો, પેરામેડીકલ સ્ટાફ, એમ્યુલન્સવાળા, સ્મશાનગૃહમાં કોઈની પણ સાથે કોઈ સામાન્ય વ્યકિતએ અણછાજતુ વર્તન કરવુ કે અપમાનિત કરવાનો અભિગમ ન અપનાવો જોઈએ. માત્ર અને માત્ર આક્ષેપબાજીથી પણ સૌ કોઈ પરે રહે તેવી ટકોર કેશુબાપાએ આ તબક્કે કરેલી છે. તેઓએ કહ્યુ છે કે, તંત્ર-સરકારને હાલના સમયે આપણે મદદરૂપ ન થઈ શકીએ તો કદાચ વાંધો નહી પડે પણ થઈ રહેલા કામમાં બાધારૂપ બનવુ અથવા તો માત્ર અને માત્ર આક્ષેપો જ કરતા રહેવુ ઉચિત ન ગણાય. સરહદી કચ્છ જિલ્લામાં કોરોના વાયરસના કેસો માથું ઉંચકી રહ્યા છે. એક સાથે ભયાવહ પરિસ્થિતિ સર્જાઈ જતા લોકો દોષનો ટોપલો વહીવટી તંત્ર પર ઢોળી રહ્યા છે. આવા સમયે જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે લોકોને અપીલ કરતા જણાવ્યુ છે કે, જો તમે કંઈ ન કરી શકો તો ખોટી ખાક્ષેપ બાજી કરી તંત્રને બદનામ પણ ન કરો. આ સમયે લોકોની મદદ કરવાની છે. ખોટી આક્ષેપ બાજીમાં સમય ન બગાડો. કેશુભાઈએ કહ્યું કે, આ સમયે લોકો સાથે ચાલીને સંયમથી કામ કરે, માનવતા દાખવે, પોતાનાથી બનતી તમામ મદદ કોવિડ પોઝિટિવ વ્યક્તિ કે તેના સગાને કરે, સૌ કોઈ મહામારીમાંથી પસાર થઈ રહ્યા છે. એકબીજા પર દોષનો ટોપલો ઢોળવાથી કાંઈ નહીં મળે તેના બદલે આપણે માનવતા મહેકાવી લોકોની મદદ માટે આગળ આવીએ. ખોટી રીતે અધિકારીઓને
દબાવવા પણ યોગ્ય નથી. છેલ્લા ૧ વર્ષથી વધુના સમયથી તંત્રના અધિકારીઓ,ડોક્ટરો, પોલીસ મેડિકલ સ્ટાફ મહેનત કરી રહ્યા છે. તેઓ આપણા સ્વાસ્થય માટે જ મહેનત કરે છે જો તમે કંઈ કરી શકતા નથી તો તંત્રને સહકાર
આપો, ખોટી આક્ષેપ બાજી કરી અધિકારીઓનું મોરલ ડાઉન ન કરો, તમેશું કર્યું તેમ નહીં હું શું કરી શકું તેવી ભાવના
જગાવીને આપણે સૌ માનવતા મહેકાવીએ.

મદદ ન કરી શકીએ, તો વાંધો નહીં પણ, માછલા તો ન જ ધોવાય

ગાંધીધામ : કોરોનાની મહામારીને પહોંચી વળવા માટે કચ્છમાં મેડીકલ અને પેરામેડકીલ સ્ટાફ સહિત સરકારી-વહીવટીતંત્ર રાત-દિવસ એક કરી અને યથાયોગ્ય મહેનત કરી રહ્યા છે તે દરમ્યાન કયાંક ને કયાંક તેઓની સામે અણછાજતા વર્તન થતા હોવાની કે પછી આક્રોશ લોકશાહીની મર્યાદાઓ ઓળંગીને ઠલવાતો હોવાની ઘટનાઓ બની રહી છે તેને અટકાવવા, સંયમ અને સંપ રાખવા માટે કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ અને પાટીદાર પુત્ર કેશુબાપાએ પાણીદાર સંદેશ પાઠવ્યો છે.