કોરોનાને કારણે હજારો લગ્ન અટક્યા, ૨૦૦ કરોડનું નૂકસાન, ૩૦ હજાર લોકો

(જી.એન.એસ)ગાંધીનગર,કોરોના સંક્રમણે હાહાકાર મચાવતાં લગ્નસરાને પણ ગ્રહણ લાગ્યું છે. સુરત જિલ્લામાં માજા મૂકતા ૯ હજાર લગ્ન સ્થગિત કરાયા છે. જેથી મેનેજમેન્ટ એજન્સીઓને અંદાજે ૨૦૦ કરોડનું નૂકસાન થયું છે. જો નવેમ્બર સુધી આવી જ સ્થિતિ રહી તો નૂકસાન ૫૦૦ કરોડનું થઈ શકે તેમ છે. લગ્નના મૂહૂર્ત સ્થગિત થતાં ૩૦ હજાર લોકો બેરોજગાર થયા છે.દક્ષિણ ગુજરાતમાં ઈવેન્ટ ઈન્ડસ્ટ્રી દ્વારા આયોજીત થનારા ૨૦ હજાર લગ્ન સ્થગિત થયા છે. જેથી ઈવેન્ટ મેનેજમેન્ટ એજન્સીઓને ૬૫૦ કરોડ રૂપિયાનું નૂકસાન થયું છે. કોરોનાના કારણે લોકો જૂન સુધી લગ્ન સ્થગિત કરી રહ્યાં છે. ઈવેન્ટ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા ૩૦ હજાર લોકો બેરોજગાર થયા છે.જેમાં ઈવેન્ટ મેનેજર, કેટરિંગ, બેંડ તથા લગ્ન સાથે સંકળાયેલી અન્ય સેવાઓ સાથે જોડાયેલા લોકોને સમાવેશ થાય છે.ગૌરવ જરીવાળાએ કહ્યું કે, ગત વર્ષે ઈવેન્ટ ઈન્ડસ્ટ્રીઝને ૬૫૦ કરોડનું નૂકસાન થયું હતું. જૂનથી ઘણા એક્ઝિબિશન શરૂ થતા હોય છે. જો કોરોનાના કારણે આ જ સ્થિતિ રહી તો નવેમ્બર સુધીમાં ૫૦૦ કરોડનું નૂકસાન થવાની આશંકા છે.ગૌરવ જરીવાળાએ કહ્યું કે, ઈવેન્ટ ઈન્ડસ્ટ્રીઝ જોવામાં નાની લાગે છે. પરંતુ આમાં મોટી સંખ્યામાં લોકો જોડાયેલાછે. આ તમામ લોકો પાસે અલગ અલગ કામ હોય છે. કોરોના અને રાત્રિ કર્ફ્યૂના કારણે આ ઈન્ડસ્ટ્રીઝની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે. આ ઈન્ડસ્ટ્રીઝ પર જોઈએ તેવું કોઈ ધ્યાન આપતું નથી. સરકાર આ ઈન્ડ્‌સટ્રીઝ વિષે સમયસર વિચાર નહી કરે તો આ ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા લોકોની હાલત કફોડી થઈ જશે. અગાઉ અલગ અલગ ઈવેન્ટના ૧૦ કોલ આવતા હવે માંડ ગણીને બે કોલ આવે છે.સાઉથ ગુજરાત ઈવેન્ટ મેનેજમેન્ટ એસો.ના સેક્રેટરી પ્રકાશ હાથીએ કહ્યું કે, હાલ ઘણું નૂકસાન સહન કરવાનો વારો આવ્યો છે. મોટા લગ્ન સમારંભ કેન્સલ થયા છે. નાના મોટા લગ્નમાં ખર્ચ કાઢવા પણ મુશ્કેલ છે. એડવાન્સ લીધા છે તેનું શું કરવું તે બાબતે અસંમજસ છે. ગત લોકડાઉન બાદ ગાડી પાટે ચડી હતી.ત્યાં ફરી એ જ સ્થિતિ આવી ગઈ છે. ઘણા લોકો તો આ ધંધો છોડીને સેનિટાઈઝર અને ચા નાસ્તાની દુકાન શરૂ કરીને બેસી ગયા છે.