કોરોનાની સારવારમાં જ્યારે ખાનગી હોસ્પિટલની મર્યાદા આવીત્યારે સરકારી દવાખાનાની હૂંફ અને સારવારથી મળ્યું નવજીવન

અંજારની સબ-ડિવિઝનલ હોસ્પિટલમાં ૨૪ વર્ષીય હીનાબેન ગુદરાસણીયા સઘન સારવાર અને સહકાર થકી સ્વસ્થ બન્યા

અંજાર ખાતે પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા ૨૪ વર્ષીય હીનાબેન સંજયભાઈ ગુદરાસણીયાની હાલત ગંભીર બનતા તેમને સારવાર માટે અંજાર સબ-ડિવિઝનલ હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા જ્યાં તેમની સઘન સારવાર તેમજ  સાર-સંભાળને પગલે તેઓ  સંપૂર્ણ સ્વસ્થ બની ઘેર પાછા ફર્યા છે. કહેવાય છે ને કે જેનું કોઈ નથી હોતું તેનો ભગવાન હોય છે.આજે કોરોના મહામારીના સમયમાં એ ભગવાનના દર્શન સફેદ વસ્ત્રમાં લોકોની સેવા કરતા ડોક્ટર્સ અને નર્સ તેમજ આરોગ્યતંત્રમાં થઈ રહ્યા છે. આરોગ્ય તંત્ર રાત-દિવસ એક કરીને કોરોના મહામારીમાં લોકોની સારવાર માટે સતત મથી રહ્યું છે. અત્યારે જ્યારે ખાનગી હોસ્પિટલની પણ મર્યાદા આવી જાય ત્યારે સરકારી આરોગ્ય તંત્ર હૂંફ નો સહારો અને સારવારનો સાથ આપે છે લોકોની સાથે દીવાલ બનીને ઉભું છે.

આવો જ એક કિસ્સો છે અંજારનાચાર માસના બાળકની ૨૪ વર્ષીય હિનાબેન ગુદરાસણીયાનો. હીનાબેનને શરૂઆતમાં કોરોનાના લક્ષણો જણાતા રિપોર્ટ કરાવ્યા બાદ સ્થિતિ થોડી ગંભીર હોવાના કારણે  ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ઓક્સિજન લેવલ સતત નીચુ જઇ રહ્યું હોવાથી ખાનગી હોસ્પિટલના ડૉક્ટર દ્વારા અન્ય વેન્ટિલેટર સુવિધા વાળી હોસ્પિટલમાં દાખલ કરવાની ભલામણ કરી. બીજી લહેરની અત્યંત નાજુક સ્થિતિમાં, જ્યારે સર્વત્ર બેડ અને વેન્ટિલેટરની અછત હતી ત્યારે આવી પરિસ્થિતિમાં હીનાબેન ગુદરાસણીયાને અંજાર સબ-ડિવિઝનલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. અત્યંત નાજુક સ્થિતિમાં ખાનગી હોસ્પિટલમાંથી સરકારી હોસ્પિટલમાં સીફ્ટ થતાંની સાથે જ અંજારની સરકારી હોસ્પિટલના સ્ટાફે ચાર માસના બાળકની માતાને બચાવવા માટે શક્ય એટલા તમામ પ્રયાસો કર્યા અને જીત મળી. હોસ્પિટલમાં સઘન સારવાર બાદ થોડા જ સમયમાં તેમની હાલત સામાન્ય બની ગઈ. અહીંની હોસ્પિટલના ડો. વશિષ્ઠ તેમજ તેમના માર્ગદર્શન હેઠળ ડૉ.નેહલ અને અન્ય નર્સિંગ સ્ટાફે તેમની સારવાર સઘન સારવાર કરી જેથી તેઓ હેમખેમ ઘેર પાછા ફર્યા છે. આ અંગે હિના ગુદરાસણીયા જણાવે છે કે હોસ્પિટલનો સ્ટાફ નિરંતર દર્દીઓની સારવારમાં હાજર જ હોય છે મારી પણ ખૂબ સંભાળ રાખી. મને હિંમત આપીને મારું મનોબળ પણ નબળું પડવા ન દીધું.તેમની આ આત્મીયતા થકી જ હું આજ સંપુર્ણ સ્વસ્થ બની શકી છું. સરકારી હોસ્પિટલમાં મળેલ સારવાર અંગે હિનાબેનના પતિ સંજયભાઇ ગુદરાસણીયા જણાવે છે કે, કોરોના જ્યારે એક સમયે તેની ઊંચાઇ પર હતો ત્યારે અત્યંત ગંભીર વાતાવરણ વચ્ચે ખાનગી હોસ્પિટલમાંથી મારી પત્ની હિનાને અહીં સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. મારી પત્ની હિના ફક્ત ચાર મહિનાના બાળકની માતા છે તે જાણીને તો અહીંના સ્ટાફે ખૂબ જ મહેનત કરીને કોરોનાની સારવાર કરી. રેમડેસિવિર ઇન્જેક્શન પણ સરળતાથી મળ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઇ હોસ્પિટલના સ્ટાફે માનસીક રીતે પણ ખૂબ જ સાથ-સહકાર આપ્યો હતો.