કોરોનાની સારવારના નામે લુંટફાટ : સરકારની નીતિ સામે અણિયારા સવાલ

ટેસ્ટથી લઈ હોસ્પિટલમાં સારવાર સુધીની પ્રક્રિયા દરમિયાન ભાવો પર નિયંત્રણ જરૂરી : વિકાસશીલ કહેવાતા ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીએ સારવારના વધુ દર ખુદ સરકારે નક્કી કર્યા

ભુજ : કચ્છ સહિત ગુજરાત અને દેશમાં કોરોના કેસો દિન – પ્રતિદિન વધી રહ્યા છે. તે વચ્ચે કોરોના સારવારમાં વપરાતી દવાઓ, ઈન્જેકશનો, મેડિકલ, ઓક્સિજન, વિવિધ સાધનો, એસસરીજ, સ્પેશીયલ ડોકટર વિઝિટ ચાર્જ, રૂમ, જુદા – જુદા ટેસ્ટ, એમ્બ્યુલન્સ, વેન્ટિલેટર, નર્સિસ ચાર્જ વિગેરેની સર્વિસના નામે તબીબો લૂંટ ચલાવે છે, ત્યારે સરકારની નીતિ સામે સવાલો ઉઠાવી દર્દીઓ પાસે હોસ્પિટલની સેવાના ચાર્જ નિયત કરવામાં આવે તેવી માંગણી કરાઈ છે.હાલે કોરોના મહામારી ફેલાઈ રહી છે તેનો ગેરલાભ કેટલાક ખાનગી હોસ્પિટલો, વેપારીઓ, લેબોરેટરીઓથી લઈ કોરોનાના દર્દીઓ પાસેથી વસૂલાતા ચાર્જ બાબતે હજુ કોઈ પરિણામલક્ષી હુકમો ન કરેલ હોવાથી વધુ ભાવથી અને નબળી સેવાઓ આપી રહ્યા હોવાની પ્રજામાંથી ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે સરકાર દ્વારા આ બાબતે યોગ્ય હુકમો કરવા માંગણી કરવામાં આવી છે.આરટીપીસીઆર ચાર્જ ખાનગી લેબોરેટરી માટે ૪૦૦ કરાય કેમ કે હવે આ ટેસ્ટની કીટનો ભાવ રૂા. ૪૬ થઈ ગયો છે. ઓડીસામાં રૂા. ૪૦૦, રાજસ્થાનમાં ૩પ૦ રૂપિયા છે. સ્પેશિયલ ડોકટર વિઝિટ ચાર્જ રૂા. ૮૦૦ કરાય રેમડેસીવીર ઈન્જેકશન ચાર્જ રૂા. ૬પ૦ કરાય (આમાં પણ કંપનીઓને ઘણો નફો છે.). ખાનગી હોસ્પિટલમાં બેડ ચાર્જ કેટેગરી વગર ડીલક્ષ, સ્પેશિયલ, સેમી સ્પેશિયલ વિગેરે એક સમાન રૂા. ૭પ૦થી ૧ હજાર નક્કી કરાય, દર્દીઓના બીજા ટેસ્ટ ખાનગી લેબોરેટરીમાંથી આવી સેમ્પલ લેવાના ઘણા ચાર્જ લેવાય છે તે પદ્ધતિ બંધ કરાવાય, ફક્ત વિઝિટની વ્યાજબી રકમ લેવાય, વેન્ટિલેટર ચાર્જ પેટે પ્રતિદિન ઘણી મોટી રકમો દર્દીઓ પાસેથી લેવાય છે તે ફિક્સ કરાયા, દવા અને ઓક્સિજનની વ્યવસ્થા હોસ્પિટલોએ કરવાનો હુકમ કરેલ છે, ત્યારે તેની કિંમત વ્યાજબી નક્કી કરાય, એમ્બ્યુલન્સનો ચાર્જ ૧પ કિ.મી. માટે રૂા. ૭પ૦થી ૧ હજાર નક્કી કરવામાં આવે ત્યારબાદ પ્રતિ કિ.મી. ચાર્જ વ્યાજબી ફિક્સ કરાયા, હાલે કચ્છના શહેરો અને ગામડાઓમાં જે જે જગ્યાએ કોરોના કેસો વધુ છે અને સંક્રમણ વધુ હોય ત્યાં ઘરે ઘરે જઈ, સોસાયટી, મહોલ્લામાં જઈ કોરોના વેક્સિન નાગરિકોને અપાય, જેથી હર્ડ ઈમ્યુનિટી ડેવલપ થાય અને આ કોરોના સંક્રમણ કાબૂમાં આવે તેવી માંગ કરાઈ છે.ગુજરાતમાં સરકારે સીટી સ્કેન કરાવવાનો ચાર્જ ૩૦૦૦ હજાર નક્કી કર્યો છે, જે ઘણો છે. બીજેપી શાસીત કર્ણાટકમાં સિટી સ્કેન ચાર્જીસ ૧પ૦૦ નક્કી કર્યા છે, જે સાબિત કરે છે કે ખાનગી લેબોરેટરીઓ સરકારના સાથથી અને અનૈતિક ગોઠવણથી પ્રજાને આ મહામારીમાં પણ લૂંટી રહ્યા છે.
આંધ્રપ્રદેશ, તામિલનાડુ રાજ્યોમાં કોરોના રોગની સારવાર ખાનગી હોસ્પિટલોમાં વિનામૂલ્યે આપવાનું ઠરાવેલ છે એટલે કે ખાનગી હોસ્પિટલોમાં દાખલ થઈ સારવાર કરાવનારાઓનો તમામ ખર્ચ રાજ્ય સરકાર આપશે, તેવો હુકમ ગુજરાતના કોરોના દર્દીઓ માટે ગુજરાત સરકાર કરી અને તેનો પ્રજાનાહિતમાં માંગણી છે. રાજ્ય સરકાર કોરોના રોગ સારવારનો તમામ ખર્ચ કોઈ લિમિટ વગર ભોગવે. રાજ્યમાં કોરોના સારવાર કરતી બધી ખાનગી હોસ્પિટલોમાં સરકાર સ્કીમ, કાર્ડથી આ સારવાર વિનામુલ્યે થતી નથી. ગુજરાતની પ્રજા સરકારને અબજો રૂપિયા ટેક્ષથી આપે છે ત્યારે થોડાક રૂપિયા આ મુશ્કેલ સમયમાં પ્રજાહિતમાં વાપરવા માંગ ઉઠી છે આ સંદર્ભે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા એજન્સીના જસવંતસિંહ વાઘેલા સરકારમાં રજૂઆત કરી છે.