કોરોનાની રસી સલામત અને અસરકારક છે જેથી તમામે તબકકાવાર તેમનો વારો આવે ત્યારે રસી અવશ્ય લેવી- રાજાબાવા યોગેન્દ્રસિંહજી

માતાનામઢ જાગીરના રાજાબાવા યોગેન્દ્રસિંહે લોકોને કોરોનાથી બચવા માટે વેકિસન લઇને સુરક્ષિત અને સલામત બનવા નમ્ર અપીલ કરી છે.

રાજાબાવા જણાવે છે કે, મેં ખુદ પણ માતાનામઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસી લીધી છે અને ખુદના અનુભવ પરથી જ કહું છું કે સમગ્ર દેશમાં જે રસીકરણનું અભિયાન ચાલી રહયું છે તે ભારતની સ્વદેશી રસી ખુબજ અસરકારક અને સલામત છે. તાવ કે સુસ્તી જેવા લક્ષણો સામાન્ય છે જેનાથી ગભરાવવાની કોઇ જ જરૂર નથી.

વધુમાં તેઓ જણાવે છે કે, રસી લેવામાં ખચકાટ અનુભવવાને અવકાશ જ નથી કારણ કે વેકિસન આપણા અને આપણા પરિવારના ભલા માટે છે. જેથી સમયસર અને તબકકાવાર જયારે પણ વારો આવે ત્યારે વેકિસન અવશ્ય લેવી જ જોઇએ. ઉપરાંત કોરોના ગાઇડલાઇન અંગે વાત કરતાં તેઓ જણાવે છે કે, વેકિસન ઉપરાંત સાવચેતી પણ એટલી જ અનિવાર્ય છે. માસ્ક અને સામાજિક અંતર જાળવવું ખુબજ જરૂરી છે. માતાનામઢ ધામે આવતા યાત્રાળુઓને પણ તેમણે અપીલ કરી હતી કે મંદિરમાં દર્શનાર્થે આવો કે બજારમાં ફરતા હોય ત્યારે અવશ્ય માસ્ક પહેરો જેથી કોરોનાની મહામારીને ફરીથી વધતી અટકાવી શકાય.