કોરોનાની બીજી લહેરમાં મસ્કાની એન્કરવાલા જનરલ હોસ્પિટલ આશીર્વાદરૂપ

૮૦૦થી વધારે દર્દીઓ સારવાર લઈ કોરોનામુક્ત થયા

ભુજ : છેલ્લા ૧૦ મહિનાથી દાતા દામજીભાઈ એન્કરવાલા અને જાદવજીભાઈ એન્કરવાલાના આર્થિક સહયોગથી અને સહકારના સહકારથી માંડવી તાલુકાના મસ્કા મુકામે સર્વ સેવા સંઘ (કચ્છ) ભુજ સંચાલીત એન્કરવાલા જનરલ હોસ્પિટલ ખાતે કોરોનાગ્રસ્ત ૮૦૦થી વધુ દર્દીઓ કોરોનાની વિનામૂલ્યે સારવાર લઈ કોરોના મુકત થયા હોવાનું જણાવતા સંસ્થાના અધ્યક્ષ તારાચંદભાઈ છેડાએ જણાવ્યું હતું કે, ૧૦ એકરના વિશાળ કુદરતી વાતાવરણ વચ્ચે એન્કરવાલા કોવીડ હોસ્પિટલ દર્દીઓને આર્શીવાદરૂપ થઈ રહી છે.ગામના યુવા સરપંચ કીર્તીભાઈ ગોર અને તેમની ટીમ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓ અને તેમના પરિવારજનોની જે સેવા કરવામાં આવે છે તે અભિનંદનને પાત્ર છે

એન્કરવાલા જનરલ હોસ્પિટલ ખાતે છેલ્લા ૧૦ મહિનાથી શરૂ થયેલ કોવીડ વિભાગમાં સારવાર મેળવી સાજા થયેલ દર્દીઓ દ્વારા પણ સેવાકીય પ્રવૃત્તિમાં હોસ્પિટલને ખુટતી વસ્તુ અને સાધનોની ભેટ આપીને સેવામાં સુગંધ ભેળવી છે. ફોકીયા સંસ્થા દ્વારા હોસ્પિટલને પાંચ નંગ ઓકિસજન કોન્સન્ટ્રેટર મશીન, બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા પાંચ નંગ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન, માંડવી તાલુકાના રામપર વેકરા નિવાસી દાતા સ્વ. દેવુબેન લાલજીભાઈ હાલાઈ પરિવાર અને મસ્કા ગામના શિવનગર નિવાસી દાતા મનજીભાઈ ધનજીભાઈ રાબડીયા પરિવાર દ્વારા, મદનપુરા લક્ષ્મીનારાયણ કડવા પાટીદાર સમાજ દ્વારા એમ કુલ ૩૩ નંગ ઓકિસજન કોન્સન્ટ્રેટર મશીન, રોટરી કલબ ઓફ ભુજ દ્વારા બે નંગ ઓક્સિજન બાયપેપ મશીન હોસ્પિટલને ભેટ આપવામાં આવ્યા હોવાનું અને દરરોજ વિવિધ દાતાઓ દ્વારા દર્દીઓને વિવિધ ફ્રુટનું પણ દાન આપવામાં આવતું હોવાનું હોસ્પિટલના મેડીકલ ઓફિસર ડૉ.મૃગેશભાઈ બારડે જણાવ્યું હતું.

સંસ્થાના મેડીકલ કન્વીર જનરલ સર્જન ડૉ.કૌશિક શાહના માર્ગદર્શન ડૉ. સન્ની, ડૉ. દીપ, ડૉ. કનકસિંહ મોરી, ડૉ. હેન્સીબેન અને ૨૪થી વધુ નર્સિંગ સ્ટાફ કોરોનાગ્રસ્ત દર્દીઓને ઉત્તમ સારવાર આપી રહ્યા હોવાનું સંસ્થાના ટ્રસ્ટી જીગરભાઈ છેડાએ જણાવ્યું હતું.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલમાં ૫૦થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યેે સારવાર લઈ રહ્યાા છે જયારે રોજ ૧૦૦થી વધુ આઉટડોર દર્દીઓ આ વિનામૂલ્યે સેવાનો લાભ લઈ રહયા છે. કોરોના બિમારીની બીજી લહેરમાં અત્યાર સુધી ૮૦૦થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓ કોરાના મુકત થઈ હસતા મુખે પોતાના ઘરે પરત ગયા છે.