કોરોનાની ત્રીજી લહેરને ખાળવા જનપ્રતિનિધિઓ આવે આગળ : કચ્છના આરોગ્ય કેન્દ્રો યુદ્ધના ધોરણે કરો અપગ્રેડ

(બ્યુરો દ્વારા)

ભુજ : હાલ કચ્છ સહિત રાજયમાં કોરોના મહામારી ઉપરાંત મ્યુકરમાઈકોસીસ મહામારી કાળો કેર વર્તાઈ રહી છે તે વચ્ચે હજુ પણ ત્રીજી લહેરની સંભાવના છે. એક સમય માણસો વિકાસ કામોને ઘણુ મહત્વ આપતા પરંતુ આજની સ્થિતિએ લોકોને વિકાસ કરતા આરોગ્ય સેવા ઘણી વ્હાલી છે. દેશના તમામ નાગરીકો ઈચ્છે છે કે, સરકારી આરોગ્ય કેન્દ્રોમાં સારી સગવડ હોવી જાેઈએ. બીજી લહેરમાં કચ્છના તંત્રની નબળી કામગીરીથી લોકોને દરબદર ભટકવાની નોબત આવી હતી. આવી સ્થિતિમાં ગામડાઓથી વરેલા કચ્છ જિલ્લામાં સ્થાનીકે જ લોકોને સારવાર મળે તે માટે સરકારી આરોગ્ય કેન્દ્રો અપગ્રેડ કરવા જરૂરી છે. આ અંગેની વિગતો મુજબ કચ્છમાં શરૂઆતથી આરોગ્ય સેવા ખાડે રહી છે. કારણ કે છેવાડાના અબડાસા, લખપત, નખત્રાણામાં કોઈ અકસ્માત થાય કે હિંસક ધીંગાણું. સ્થાનીકે સારવાર ન મળવાથી નાછૂટકે લોકોને ભુજ સુધી ધક્કો ખાવો પડે છે. પ્રેગનેન્સીના કિસ્સામાં પણ સ્થાનિકે સારવાર ન મળવાથી મહિલાઓને ભુજ આવવું પડે છે. જયાં લાંબા અંતરના કારણે ઘણી વખત ગર્ભમાં જ બાળકનું મોત અથવા સ્થિતિ અતિ ગંભીર બને તેવા બનાવો બની ચુકયા છે. ગાંધીધામ, અંજાર, ભચાઉમાં હજારો ફેકટરીઓ તેમજ મોટા નેશનલ હાઈવેના કારણે દરરોજ અકસ્માતો થાય છે પણ આ વિસ્તારમાં અકસ્માતની ઘટનામાં અસરગ્રસ્તોને સરકારી દવાખાનામાં માત્ર પ્રાથમિક સારવારના નામે પાટા પીંડી કરી દેવાય છે. બાદમાં ભુજ કે મોરબી, પાટણ મોકલી દેવાય છે. આ તો સામાન્ય દિવસોની વાત થઈ.. પણ કોરોના મહામારીમાં પણ આવું જ છે. દરેક તાલુકામાં આરોગ્ય સેવાના નામે જે કોવિડ કેર સેન્ટરો ચાલુ છે તેમાં માત્ર દર્દીની સંભાળ લેવાય છે. દર્દી ક્રિટીકલ બને તો ભુજનો ધક્કો પડે છે. બીજી લહેરમાં આવા દ્રશ્યો નજરે જાેવા મળ્યા હતા. જયારે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની પણ લાઈનો લાગતી હતી. રપ લાખની વસ્તી ધરાવતા કચ્છ જિલ્લામાં દસ તાલુકા, સાત નગરપાલિકા, ૬૩ર ગ્રામ પંચાયત હોવા છતાં આરોગ્ય સેવાના નામે એક માત્ર ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ છે. અંજાર, માંડવી અને ગાંધીધામમાં સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ છે. પણ જરૂરી સાધનો નથી. અથવા તબીબો હાજર હોતા નથી. પરિણામે નાછૂટકે ભુજ આવવું જ પડે છે. જિલ્લામાં દસેય તાલુકામાં આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પેટા આરોગ્ય કેન્દ્રમાં સુવિધાના નામે ચાર દિવાલ અને બે – ચાર સાધનો જ છે. દરેક આરોગ્ય કેન્દ્રમાં નિષ્ણાંત તબીબ જેમ કે, મેડિકલ ઓફિસર, આયુષ ઓફિસર, પેરા મેડિકલ સ્ટાફ, સ્ટાફ નર્સ સહિતનો માનવબળ હોવો જાેઈએ. તેમજ ભૌતિક સગવડોમાં અલાયદો વોર્ડ, ઓક્સિજનની પાઈપો, વેન્ટીલેટર, ઈન્જેક્શન, પુરતી દવાઓનો સ્ટોક, કોલ્ડ સ્ટોરેજ, જનરેટર, એમ્બ્યુલન્સ સહિતની વસ્તુઓ હોવી જાેઈએ. તો જ આ ગંભીર મહામારી સામે સ્થાનીકે લોકોને સારવાર મળી રહેશે.  હવે લોકોને હાલના તબક્કે વિકાસમાં નહીં પણ સારી આરોગ્ય સેવામાં રસ છે ત્યારે દિલ્હી લેવલે કચ્છનું પ્રતિનિધિત્વ કરતા સાંસદે કેન્દ્રમાંથી કચ્છમાં આરોગ્ય સેવા સુધારવા ગ્રાન્ટ મંજૂર કરાવવી જાેઈએ. પીએમ મોદી કચ્છને પોતાનો સવાયો જિલ્લો માને છે ત્યારે સાંસદે પીએમ સમક્ષ ધારદાર રજુઆત કરી સરહદી અને અંતરિયાળ કચ્છમાં દિલ્હીની એઈમ્સ જેવી આરોગ્ય સેવા ઉભી કરાવવી જાેઈએ. ગુજરાતમાં રૂપાણી સરકાર છેલ્લા દોઢ વર્ષથી કોરોના સામે લડી રહી છે. સરકારે કોરોનાને ડામવા પોતાનાથી બનતા તમામ પ્રયાસો કરે છે ત્યારે કચ્છના છ ધારાસભ્યો પોતાને મળવાપાત્ર ગ્રાન્ટ અન્ય કામોમાં વાપરવાને બદલે પોતાના મત વિસ્તારમાં આરોગ્ય સેવા ઉભી કરવા ઉપયોગ કરે તે જરૂરી છે, આ તેમની નૈતિક ફરજ છે. તો જિલ્લા પંચાયતના ૪૦ જેટલા ચૂંટાયેલા સદસ્યો, દસ તાલુકા પંચાયતના અંદાજે ૧૯૬ જેટલા સભ્યો પોતાને મળવાપાત્ર ગ્રાન્ટ બીજા કામના બદલે પોતાના વિસ્તારમાં આવેલ સરકારી દવાખાનાઓમાં સવલતો વધારવા ઉપયોગ કરે તે જરૂરી છે. સરકારી ગ્રાન્ટ પર આત્મનિર્ભર બનતા સદસ્યોએ પોતાના ઘરના રૂપિયા પણ વાપરી પોતાના મત વિસ્તારનું ઋણ ચુકવવું જાેઈએ.

 

હેડ કવાર્ટરમાં રહેવાનો આદેશ પણ આમાં રહેવું કેમ..?

ભુજ : આપત્તિના સમયે જિલ્લા પ્રશાસન દ્વારા રાજ્યસ્તરેથી આવતા હુકમો કેરી ફોરવર્ડ કરી તબીબો સહિત આરોગ્ય સ્ટાફને હેડ કવાર્ટર પર રહેવા સુચના અપાય છે પણ કચ્છના અમુક વિસ્તારોમાં સરકારી દવાખાનાના ઠેકાણા નથી, એવામાં હેડ કવાર્ટરમાં શું અપેક્ષા રાખવી. મોટા ભાગના હેડ કવાર્ટરમાં સુવિધાના નામે પતરાના શેડ અને ચારેય બાજુ બાવડીયા છે. આમાં આરોગ્ય સ્ટાફ આપતિના સમયે લોકો માટે ખડેપગે રહી સેવા બજાવે કે, પોતાની સુરક્ષા કરે. ઘણા સ્થળોએ લાઈટ, પાણી જેવી પાયાની સવલતો પણ નથી. એસી ચેમ્બરમાં બેસતા અધિકારીઓ એક જાટકે આદેશ કરી દે છે કે, જિલ્લાના તમામ સ્ટાફને હેડ કવાર્ટર પર ફરજ બજાવવાની છે. પણ ગ્રાઉન્ડ લેવલ પર આરોગ્યનો કર્મચારી પોતે સુરક્ષિત રહેશે કે નહીં તેની જરા સહેજે પણ માહિતી મેળવાતી નથી.

 

આ તો સમય સમયની બલિહારી છે….

ભુજ : આ તો સમય સમયની બલિહારી છે. કારણ કે, એક સમય સરકારી દવાખાનાઓથી દૂર ભાગતા લોકો આજે રસી લેવા માટે સરકારી કેન્દ્રોમાં દોડી રહ્યા છે. ખાસ વાત એ છે કે, અમુક લોકો ગામડાઓમાં સરકારી દવાખાનાના દરવાજા નહોતા જાેયા તેવાઓ આજે શહેરના રસીકરણ કેન્દ્ર ઉપર દિવસો સુધી રાહ જાેયા બાદ પણ વારો ન આવતા રસી લગાવવા ગામડાઓમાં દોટ મુકી રહ્યા છે. સારી સુવિધાઓની અપેક્ષા રાખતા ધનિકો સરકારી દવાખાનાથી મોઢુું ફેરવવાના બદલે સરકારી સેવાનો વધુને વધુ સુદ્રઢ બને તેમાં સહભાગી બને તે જરૂરી છે.