કોરોનાની આપત્તિ સામે લડવા કચ્છની સંસ્થાઓ એકજુથ બની

ભુજ : કચ્છ પર જ્યારે પણ કુદરતી આપત્તિઓ આવી છે ત્યારે સ્વૈચ્છિક સંસ્થાઓએ આગળ આવીને આપત્તિ નિવારણનું બીડું ઝડપ્યું છે અને સરકાર, નાગરિકો, દાતાઓ વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવી છે. વર્તમાન સમયમાં બેકાબુ રીતે ફેલાઈ રહેલી કોરોના મહામારીને પણ એક કુદરતી આપત્તિ તરીકે કેન્દ્રમાં રાખીને કચ્છની અનુભવ સિદ્ધ સંસ્થાઓ કચ્છ નવનિર્માણ અભિયાન, કચ્છ મહિલા વિકાસ સંગઠન, સેતુ અભિયાન, હુન્નરશાળા, કસબ, ખમીર, શિશુકુંજ સહિતે એકજુથ બનીને નાગરિકોને સંક્રમણના ભરડામાંથી મુક્ત કરાવવાની પહેલ કરી છે. હસ્તકળા અને કારીગરો માટે કાર્યરત કચ્છ ક્રાફટ કલેકટીવ પણ સક્રિય રીતે આ યોજનામાં જાેડાઈ છે. વિશ્વભરમાં કોરોનાની મહામારીએ એક વર્ષ બાદ થોડા અંશે શાંત થયા બાદ અચાનક નવેસરથી ભરડો લીધો છે. કોરોનાના પહેલા પડાવ બાદનો આ બીજાે પડાવ વધારે ઘાતક અને જીવલેણ બન્યો છે. શિક્ષણ અને જાગૃતિ તેમજ આર્થિક પરિસ્થિતિને કારણે દરેક પ્રકારે વંચિત રહી જતા સમુદાયો વિશે વિચારતા કચ્છની અનુભવી સંસ્થાઓના આગેવાનોએ એકજુથ બની એક મહિના પહેલા કચ્છ કરૂણા અભિયાનને કાયાર્ન્વિત બનાવ્યું. સરકારી તંત્રો, આરોગ્ય વિભાગ, કોરોનાગ્રસ્તો માટે જરૂરી ઓક્સિજન, વેન્ટીલેટર, કવોરન્ટાઈન સેન્ટર જેવી આરોગ્ય સેવાઓ તેમજ નિઃશુલ્ક ટીફિન સેવાઓ પુરી પાડનાર સંગઠનો સાથે સંકલન ઉભું કરવામાં આવ્યું. પ્રારંભિક તબક્કે ભુજ શહેરના સ્લમ વિસ્તારો ધરાવતા વોર્ડ નં. ૧, ર અને ૩ના રહેવાસીઓને કોરોના સામે રક્ષણ આપવાના આશય સાથે કરૂણા અભિયાન અંતર્ગત ટેલિમેડિસીન કોલ સેન્ટરની સુવિધા ઉભી કરવામાં આવી. આ વિસ્તારના લોકો ઘરે બેસીને ડોકટર સાથે વાત કરી. દવાઓનું પ્રિસ્કિપ્શન મેળવી શકે એ માટે ત્રણ હેલ્પ લાઈન નંબરો, વિવિધ વિસ્તારોમાં બેનર, પોસ્ટર, પેમ્ફલેટ, રીક્ષા દ્વારા જાહેરાતોના માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવ્યા. સેતુ અભિયાન અને કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા સો જેટલા સ્વયં સેવકોની ટીમને થર્મલગન અને ઓક્ઝીમીટર વગેરેની તાલીમ આપી વિવિધ વિસ્તારોમાં લોકોને મદદરૂપ થવા માટે મુકવામાં આવ્યા. સાથે સાથે વોર્ડના કાઉન્સીલર્સ પણ સક્રિય રીતે સહયોગ આપી રહ્યા છે. તદુપરાંત આ વિસ્તારના લોકો માટે તેમના વિસ્તારમાં જ રસીકરણનો કેમ્પ કરવામાં આવે એવા પ્રયાસો થઈ રહ્યા છે. કે-લીન્કની ટેકનિકલ ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલા સોફટવેર દ્વારા ર૪ કલાક સેવા આપનાર ફિઝીશીયન એસોસીએશનના ડો. મનન ઠક્કર દર્દીઓની પરોક્ષ સારવાર કરી રહ્યા છે. તેમજ ઈન્ડિયન મેડિકલ એસોશીએશનના સહયોગથી અન્ય તબીબોને પણ પેનલ તરીકે જાેડાયા છે જેમને જરૂરી કેસ રીફર કરવામાં આવે છે. કોરોના સિવાયના દર્દીઓને યોગ્ય સલાહ આપીને રીફર પણ કરવામાં આવે છે. આ સેન્ટરના અનુભવને કામે લગાડી કચ્છના દરેક તાલુકાઓના ૯૦ ગામડાઓને પણ આ હેલ્પલાઈનમાં જાેડવામાં આવ્યા છે. ગ્રામ પંચાયતો દ્વારા સંચાલિત કોવિડ કેર સેન્ટર પણ ઉભા કરાયા છે. જેમાં ભુજ, અંજાર, લખપત અને ભચાઉ તાલુકાના કુલ ૧૬ ગામોમાં કોવિડ કેર સેન્ટરમાં સેનેટાઈઝર, માસ્ક, ગ્લોવ્ઝ, રેપીડ ટેસ્ટ કીટ, પીપીઈ કીટ અને બેડિંગની સુવિધા પૂરી પાડવામાં આવી  છે.