કોરોનાના કેસો ઘટતાં ટેલિફોન પર આરોગ્યલક્ષી સલાહ લેનારા દર્દીઓની સંખ્યા ઘટી

ભુજમાં જિલ્લા પંચાયત દ્વારા શરૂ કરાયેલ ઈ-સંજીવની ટેલીકન્સલ્ટેશન હબનો ર૭ દિવસમાં ર૦૦થી વધુ લોકોએ લીધો લાભ

ભુજ : કોરોનાની બીજી લહેરમાં કચ્છ જિલ્લામાં કુદકે અને ભૂસકે કેસો વધ્યા હતા. દૈનિક ૧૦૦થી વધુ કેસો, હોસ્પિટલો હાઉસ ફુલ, ઓક્સિજન, રેમડેસીવર, વેન્ટીલેટરથી ઘટથી લોકોમાં ભયનો માહોલ પ્રવર્તિ ગયો હતો. બિમારીના માહોલમાં કોઈ પણ વ્યક્તિને સામાન્ય લક્ષણો જણાઈ આવે તો પણ હોસ્પિટલમાં જતા લોકો ડરતા હતા. કારણ કે હોસ્પિટલોમાં કયાંય જગ્યા નહીં તેમજ ચેપ લાગવાની શકયતા વધી જતાં જિલ્લા પંચાયત દ્વારા પ્રથમ વખત ડિઝીટલી દવાખાનું એટલે કે ઈ-સંજીવની ટેલીકન્સલ્ટેશના હબ શરૂ કરવામાં આવ્યું હતું. જાે કે આનંદની વાત એ છે કે જિલ્લામાં કેસો ઘટતાં આ કેન્દ્રમાં ફોન કરી આરોગ્યલક્ષી સલાહ મેળવનારા દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થતાં આરોગ્ય વિભાગે રાહત અનુભવી છે.  જિલ્લા પંચાયત ખાતે શરૂ કરાયેલા આ ટેલીકન્સલ્ટેશન હબમાં ફરજ બજાવતા આયુષ તબીબ ડો. આશુતોષ આનંદવાર જણાવે છે કે, ગત ૭મી મેથી જિલ્લા પંચાયતમાં આ કેન્દ્ર શરૂ કરાયું છે, જેમાં અત્યાર સુધી ર૦૦થી વધુ ફોન કોલ કોવિડ સંદર્ભે આવ્યા છે. સામાન્ય લક્ષણો કે હોમ આઈસોલેટ વ્યક્તિ કેન્દ્રમાં ફોન કરી પોતાને થતી તકલીફ ફોનમાં જણાવે છે, જેથી બિમારીનું નિદાન કરી સારવાર અપાય છે. વોટસેએપ, વીડિયો કોલ જેવા માધ્યમોથી કન્સલ્ટેશન કરી પ્રીસ્ક્રીપ્સન આપવામાં આવે છે. જે લોકો વોટસેએપનો કે વીડિયો કોલનો ઉપયોગ નથી કરતા તેવા લોકોને એસએમએસ મારફતે દવાઓ તેમજ નિદાન અંગે માહિતી પહોંચી કરાય છે. હાલમાં કેસો ઓછા થયા છે, જેથી ફોન કરી આરોગ્ય લક્ષી માહિતી મેળવનારા વ્યક્તિઓની સંખ્યા પણ ઘટી છે.