કોરોનાના કેસોમાં ઉછાળો આવતા માસ્ક ચેકીંગ માટે તંત્ર હરકતમાં

જિલ્લા મથક ભુજમાં મામલતદાર અને નગરપાલિકાની ટીમ દ્વારા કરાયું ચેકીંગ

ભુજ : કચ્છમાં કોરોનાના કેસોમાં એકાએક ઉછાળો આવતા વહીવટી અને પોલીસ તંત્ર હરકતમાં આવ્યા છે. જિલ્લા મથક ભુજ અને ગાંધીધામમાં નાઈટ કર્ફ્યુ લાગ્યા બાદ કોરોના ગાઈડલાઈનની પણ કડક અમલવારી થાય તે માટે તંત્રની ટીમો મેદાને ઉતરી છે. જેમાં ભુજ મામલતદાર અને નગરપાલિકાની ટીમો દ્વારા ભુજની લેકવ્યુ હોટલ નજીક માસ્ક ચેકીંગ કરવામાં આવ્યું હતું.

આ અંગેની વિગતો મુજબ ભુજમાં નાઈટ કર્ફ્યુ તો અમલી બન્યું છે, પરંતુ તેની સાથે માસ્ક, સેનિટાઈઝર, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન થાય તે માટે તંત્ર હરકતમાં આવ્યું છે. ભુજ મામલતદાર તેમજ નગરપાલિકાની ટીમ દ્વારા શહેરના હમીરસર કાંઠે લેકવ્યુ હોટલ નજીક માસ્ક ચેકીંગ કરવામાં આવ્યું હતું. મામલતદાર વી.એચ. બારહટ, નાયબ મામલતદાર ચેતનાબેન પુરાણી, રેવન્યૂ તલાટી ગૌરવ પરીખ સહિતની ટીમ દ્વારા રાહદારીઓ અને વાહન ચાલકોએ માસ્ક પહેરેલા છે કે કેમ તેની ચકાસણી કરી હતી. લોકોમાં જાગૃતિ ફેલાવાની સાથે માસ્ક નહીં પહેરનાર લોકોને નિયમ પ્રમાણે રૂપિયા 1 હજારનો દંડ ફટકારવાની કાર્યવાહી કરાઈ હતી.