કોરોનાના કહેર વચ્ચે વડાપ્રધાન મોદીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી

દેશમાં કોરોનાના કહેર વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ઉચ્ચ પોઝિટિવિટી રેટવાળા વિસ્તારોમાં ટેસ્ટિંગ વધારવું જોઈએ. તેમણે ગામડાઓમાં કોરોનાના વધતા જતા કેસો પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ગામડાઓમાં ડોર ટુ ડોર ટેસ્ટિંગ અને સર્વેલન્સની વ્યવસ્થા કરવી જોઈએ. આ સિવાય તેમણે વેન્ટિલેટરનો ઉપયોગ ન કરવા અંગે પણ નારાજગી વ્યક્ત કરી છે.બેઠક દરમિયાન કહેવામાં આવ્યું હતું કે માર્ચના પ્રારંભિક સપ્તાહમાં આશરે ૫૦ લાખ ટેસ્ટ કરવામાં આવી રહ્યા હતા, જે એપ્રિલમાં વધીને દર અઠવાડિયે ૧.૩ કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ દરમિયાન, ગ્રામીણ વિસ્તારોમાં ઓક્સિજનની યોગ્ય સપ્લાયની વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે આરોગ્ય કર્મચારીઓને વેન્ટિલેટર અને અન્ય સાધનો ચલાવવા માટે તાલીમ આપવી જોઈએ.બેઠકમાં દેશની કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન દેશમાં વેક્સિનેશનની ગતિ વિશે પણ ચર્ચા થઈ હતી. બેઠકમાં સરકારની તૈયારીઓ વિશે વડાપ્રધાનને જણાવાયું હતું. આ બેઠકમાં આરોગ્ય મંત્રાલય, ગૃહ મંત્રાલય અને નીતિ આયોગ સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.આની પહેલાં વડાપ્રધાન મોદીએ શુક્રવારના રોજ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગતની એક બેઠકમાં પણ કોરોના મહામારી પર પોતાની ચિંતા પ્રગટ કરી હતી. મોદીએ કહ્યું હતું કે આપણે એક અજ્ઞાત શત્રુ સામે લડત આપી રહ્યા છીએ. અત્યારે ગ્રામીણ ક્ષેત્રોમાં પણ કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેથી વડાપ્રધાન મોદીએ દરેક ગ્રામજનને માસ્ક અને અન્ય કોવિડની ગાઈડલાઈન્સને અનુસરવાની સલાહ આપી હતી.