કોરોનાથી પ્રભાવિત લોકોના ખાતામાં દર મહિને જમા કરાવવામાં આવે ૬ હજાર

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ પીએમ મોદીને પત્ર લખીને કોરોના મહામારીથી પ્રભાવિત લોકોના ખાતામાં દર મહિને ૬ હજાર રૂપિયાની રકમ જમા કરાવવાની અપીલ કરી છે. વળી, કોંગ્રેસ પાર્ટીએ ૧૭ એપ્રિલે દેશમાં કોવિડ-૧૯ની સ્થિતિ પર ચર્ચા કરવા માટે પોતાની કાર્યસમિતિની બેઠક બોલાવી છે. આ પહેલી વાર છે જ્યારે પાર્ટીના મોટા કાર્યકારી એકમે કોરોનાની સ્થિતિ પર ચર્ચા માટે વિશેષ બેઠક બોલાવી છે. તમને જણાવી દઈએ કે હાલમાં દેશ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે અને આનાથી અત્યાર સુધી ૧૩.૭ લાખ લોકો પ્રભાવિત થઈ ચૂક્યા છે કે જે વૈશ્વિક સ્તરે કોરોનાના કેસોના ૧૦ ટકા છે.કોરોનાના વધતા કેસો પર ચિંતા વ્યક્ત કરીને કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ સોનિયા ગાંધી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે જેમાં આ મહામારી સામે લડવા માટે સંભવિત ઉપાયો સૂચવવામાં આવ્યા છે. પત્રમાં સોનિયા ગાંધીએ ઘરેલુ વેક્સીન ઉમેદવારોના ઈમરજન્સી ઉપયોગની સ્વીકૃતિ માંગી છે. વળી, રાહુલ ગાંધીએ દેશમાં વેક્સીનની માંગને જોઈને સરકાર પાસે વેક્સીનની નિકાસ બંધ કરવાની અપીલ કરી છે. કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે આ અંગેની માહિતી આપીને કહ્યુ, ’દેશમાં કોરોનાની બીજી લહેર પર ચર્ચા માટે સીડબ્લ્યુસીની વીડિયો કૉન્ફરન્સ દ્વારા શનિવારે બેઠક થશે.’
સોમવારે સોનિયા ગાંધીએ પીએમ મોદીને પત્ર લખીને એ બધી વેક્સીનોના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપવા માટે કહ્યુ જેને હજુ સુધી મંજૂરી મળી નથી. તેમણે પત્રમાં લખ્યુ કે જે સ્થળોએ લૉકડાઉન લગાવ્યુ છે ત્યાં જે વ્યક્તિને વેક્સીનની જરૂર છે તેને વેક્સીન આપવામાં આવે અને તેમના ખાતામાં દર મહિને ૬ હજાર રૂપિયાની રકમ જમા કરાવવામાં આવે.વળી, રાહુલ ગાંધીએ પત્રમાં લખ્યુ કે અત્યાર સુધી દેશમાં માત્ર ૧ ટકા લોકોનુ રસીકરણ થયુ છે. રસીકરણની આટલી ધીમી ગતિના ગંભીર પરિણામ હોઈ શકે છે. તેમણે પીએમ મોદીને કહ્યુ કે તે માત્ર ફોટો પડાવવા અને ઈવેન્ટબાજી કરવા સુધી સીમિત ન રહે.