કોરોનાથી કંડલા-મુંદરા એક્ઝીમ ટ્રેડને મોટો આર્થિક ધુમ્બો..!

  • કન્ટેઈનરની અછત-વેશલ્સ ચાર્જમાં ૪ ગણો વધારો : યુજર્સ તાણમાં

કચ્છના યુવા સાંસદ આ બાબતે કેન્દ્રીય શીપીંગ મંત્રી મનસુખભાઈ માંડવીયાને શા માટે નથી કરતાઅસરકારક-ધારદાર રજુઆત ? : કંડલા-મુન્દ્રા એક્ઝીમ ટ્રેડના અભ્યાસુ વેપારીઓને સાથે રાખી વેળાસર આ અંગે ઉકેલ લાવવો જરૂરી : નહીંતો શીપીંગ જગતને માટે સર્જાશે મોટા ચીંતાના વમળ

ર૦૦ ડોલરની જગ્યાએ ૬૦૦ ડોલર ચુકવ્યા છતાં એક જ દિવસમાં મળતું કન્ટેઈનર હવે છેક ૧૦ દિવસે મળે છે : સરકાર એકઝીમ પોલિસી માટે પગલા ભરે તો ખોરવાયેલી સાયકલ ફરી પાટે ચડે : સરકાર મોરેટોરીયમ તથા લોન ઋણ રાહત સહિતના વિષયો પર વેળાસર વિચાર કરે તે અતિ જરૂરી : પોર્ટ યુઝર્સની માંગ

મંદ પડેલા અર્થતંત્રમાં પાછી ગતિ લાવવા માટે મહત્વનું યોગદાન ધરાવતા આયાત – નિકાસના ઉદ્યોગોને કોરોનાકાળમાં મોટી નુકશાની : રોડટેપના અનિશ્ચિત દર, જીએસટી ગૂંચ, એમઈઆઈએસમાં ફસાયેલા રૂપિયા બાદ વધુ એક મુશ્કેલી :
ખાલી કન્ટેરનરની સાયકલ ન ફરતી હોવાથી નિકાસકારોને મોટું નુકશાન

ગાંધીધામ : કચ્છ જિલ્લામાં બે મોટા બંદરો કંડલા અને મુંદરા પરથી દૈનિક લાખો ટન ચીજવસ્તુઓની આયાત – નિકાસ થઈ રહી છે. હાલ કોરોનાની સાઈડ ઈફેકટથી આ પોર્ટ સહિત આયાતકારો – નિકાસકારોને મોટો નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. હાલ ખાલી કન્ટેનરની સાયકલ ફરતી ન હોવાથી ભારે અછત વર્તાઈ રહી છે. કન્ટેનરોના પાંચથી સાત ગણા રૂપિયા ચુકવ્યા બાદ પણ જે કન્ટેરનર એક જ દિવસમાં મળતો હતો તે હવે માંડ દસ દિવસે મળે છે, જેના લીધે નિકાસને મોટી અસર પડી છે.આ અંગેની વિગતો મુજબ કચ્છના પોર્ટ પરથી નિકાસ ઉધોગમાં કોરોનાની સાઇડ ઇફેકટથી કન્ટેઇનરની કારમી તંગી સર્જાતા નિકાસકારોના કરોડો રૂપિયાના બીઝનેસની સાયકલ ખોરવાઈ ગઈ છે અને મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે. કન્ટેઇનરની અછતનો અવરોધ દૂર નહીં થાય તો ઇન્ડસ્ટ્રીઝ ઉપરાંત દેશ માટે ચિંતાનો વિષય છે. આ માટે નિકાસકારોએ શિપિંગ મંત્રી સમક્ષ રજૂઆત પણ કરી છે. જો ભારત કન્ટેઇનરમાં આત્મનિર્ભર બને તો નિકાસ ઉધોગમાં વિકાસના દરવાજા ખુલે તેમ છે. કન્ટેનરની અછત પછવાડે પણ ડ્રેગનની ચાલ કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે. ભારતમાં વર્ષ ૨૦૧૯ -૨૦ નો વિદેશ વ્યાપાર ૮૩૮ બિલિયન ડોલર સુધી વધ્યો છે, જેમાં કચ્છના મેજર પોર્ટ દીનદયાલ પોર્ટનું મહત્વનું ફાળો હતો, એવી જ રીતે ખાનગી બંદરમાં મુંદરાના અદાણી પોર્ટે પોતાનો દબદબો પણ વધારી દીધો છે. દેશભરના નિકાસ ઉધોગમાં સૌથી મોટું વિધ્ન અત્યારે કન્ટેનરની અછત અને બમણો ભાવવધારો સામે આવ્યો છે. આ સળગતો પ્રશ્ન દૂર કરવા માટે નિકાસકારોએ પણ કમર કસી છે. કોરોના પહેલા એક દિવસમાં મળી રહેતા કન્ટેનર અત્યારે દસ દિવસે મળે છે અને જરૂરિયાતના આ સંજોગોમાં સો ટકા સુધીનો વધારો ઉધોગકારોએ ચૂકવવો પડે છે. કોરોનાના લીધે આયાત અને નિકાસની સાયકલ ખોરવાઈ ગઈ છે, વિશ્વકક્ષાએ નિર્માણ પામતા કન્ટેનરના ૯૦% કન્ટેનર ચીનમાં ઉત્પાદિત થાય છે. દેશના આર્થિક વિકાસ માટે જરૂરી વેગવંતા નિકાસ ક્ષેત્રની તાતી જરૂરીયાત કન્ટેનરની છે. આ વિશે એકસપોર્ટરો એ તેમની આ વેદના ઠાલવી હતી. હાલમાં નિકાસકારો પોતાનો ગ્રુપ બનાવી મોંઘા થયેલા કન્ટેનરનો ઓછો ઉપયોગ કરતા થઈ ગયા છે. હાલમાં નિકાસકારો આખું વ્યસલ (જહાજ) પાંચ કે છ જણા વચ્ચે બુક કરાવી નવી ટેકનોલોજી સાથે એકસપોર્ટની પદ્ધતિ અપનાવી રહ્યા છે.

કન્ટેઈનર મુદ્દે આત્મનિર્ભર બનવુ પડશે ભારતને..!

ગાંધીધામ : વિશ્વમાં કન્ટેનર બનાવવાની કંપનીઓ ચીન હસ્તક હોઈ ૯૦ ટકા જેટલો ઉત્પાદન માત્ર એકલો ડ્રેગન જ કરી રહ્યો છે. કેન્દ્રની મોદી સરકારે આત્મ નિર્ભરની યોજના અમલી બનાવી છે ત્યારે ભારતે પણ કન્ટેનરની અછત દૂર કરવા વહેલી તકે આગળ આવવું પડશે. કન્ટેઇનરની અછતને ધ્યાને રાખીને કેન્દ્ર સરકારના પોર્ટસ અને શિપિંગ મંત્રાલય દ્વારા કચ્છ અને ભાવનગર ખાતે કન્ટેઇનરના ઉત્પાદન માટેની પ્રક્રિયા ચાલી રહી છે. ટ્રાન્સવર્લ્ડ નામની દુબઈની કંપનીએ ભારતની સાગરમાલા ડેવલોપમેન્ટ કંપની સાથે માર્ચ ૨૦૨૦ માં રૂપિયા ૨૦૦ કરોડના રોકાણ સાથે કરાર કરેલ છે. આ કંપની કંડલા, ભાવનગર અને હજીરા ખાતે કન્ટેનર ઉત્પાદનના એકમો સ્થાપવા માટે જમીનની તપાસમાં છે. જયારે માલરા શિપિંગ પ્રાઇવેટ લિમિટેડ નામની અન્ય એક કંપની પણ કચ્છમાં કન્ટેનરનું ઉત્પાદન માટે વિચાર કરી રહી છે. ભારતે પણ આ દિશામાં એક કદમ આગળ વધાયુ છે હવે માત્ર આ કામગીરીને ઝડપ આપી જેટગતિ એ પૂંરૂ કરવાની જરિયાત છે.

નિકાસ સાઈકલ ખોરવાઈ :અસાધારણ ભાડા તફાવત ટાળો

ગાંધીધામ : છેલ્લા એક વરસ દરમ્યાન કન્ટેઇનરના ભાડા માં ૩ થી ૭ ગણો વધારો જોવા મળ્યો છે. આયાત નિકાસ માટે જરૂરી એવા કન્ટેઇનરની તીવ્ર અછતના પગલે નિકાસ પ્રક્રિયાને નુકસાન પહોંચ્યું છે. એક દિવસમાં મળી રહેતા આ કન્ટેનર અત્યારે દસ દિવસે મળે છે અને ઘણા કિસ્સામાં બસો ટકા સુધીનો ભાડા વધારો ચૂકવવો પડે છે જેને લઇને નિકાસકારોને પારાવાર નુકસાની ભોગવવી પડે છે. પરિવહન ખર્ચમાં બિનજરૂરી વધારાની નિવારવા માટે આયાત કરાયેલા કન્ટેનરના નિકાસ માટે ઉપયોગ કરવામાં આવે છે જેની અછત તથા વેસલની પ્રક્રિયા અને ઉંચા ભાડાના કારણે શિપમેન્ટ વિલંબને લીધે ઓર્ડરો ઘટયા છે. સૌથી મહત્વનું કારણ એ છે કે આયાત અને નિકાસ વચ્ચેનું બેલેન્સ ખોરવાઈ ગયું છે. આથી અસાધારણ તફાવતના કારણે તીવ્ર તંગી સર્જાઈ છે. મોટા ભાગના નિકાસકારો ગ્રુપ બનાવી જહાજ (વેસલ)બુક કરાવી નિકાસમાં ઓછા ખર્ચે નવી નીતિ અપનાવી રહ્યા છે.

ડબલ ભાડું ચુકવવા છતાં પણ નુકશાની વેઠવાનો આવે છે વારો

ગાંધીધામ : છેલ્લા ત્રણ મહિનાથી કન્ટેનરની વધુ અછત સર્જાય છે આ કારમી તંગી ને પગલે નિકાસ કરવાનો ડિલિવરી શેડુલ વેરવિખેર થઈ ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છના બંદરો પરથી દુબઈ,આફ્રિકા, ઓમાન, સાઉદી અરેબિયા, ઇરાક, કતાર, યમન સહિતના દેશોમાં સૌથી વધુ નિકાસ થાય છે. કચ્છના બંદરો પરથી ઘઉં, ચોખા, ફ્રુટની નિકાસ કરતા વેપારી જણાવે છે કે, દર મહિને ત્રણ થી ચાર કન્ટેનર તેમની કંપની દ્વારા નિકાસ થતા હતા પરંતુ હાલના સંજોગોમાં અછતના લીધે બમણું ભાડું ચૂકવીને પણ નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. કારણકે કન્ટેઇનરની મુદતમાં વિલબં થતા રૂપિયા પણ જલ્દી છૂટા થતા નથી. ખાદ્યપદાર્થો પણ વેળાસર એકસપોર્ટ ન થવાથી ખરાબ થવાના કારણે નિકાસકારોને બેવડો ફટકો સહન કરવો પડે છે.

ભાડા વધતા નિકાસ ઓર્ડરમાં પણ ધરખમ ઘટાડો

ગાંધીધામ : પહેલા ચીનની સાથે સંબંધો વણસ્યા તેનાથી આયાત-નિકાસના વેપારને અસર થવા પામી તો તે બાદ કોરોના વ્યાપક બની ત્રાટકતા પડ્યા પર પાટુ સમાન સ્થીત સર્જાઈ હતી. અહીં કન્ટેનરની અછતના લીધે વેપારીઓ સીધા વેસલ્સમાં આંતરીક સંકલન કરીને ચીજ વસ્તુઓની આયાત-નિકાસ કરવાની ગોઠવણીઓ કરીને જે સાઈકલ ખોરવાયેલી છે તેને સરભર કરવા પ્રયત્નશીલ બન્યા તો બીજી તરફ વેસલ્સ વારાઓએ કપરી સ્થીતીને કેશમાં તબદીલ કરી હોય તેમ વેસલ્સના ભાડાઓ અતીશય વધારી દીધા છે. વધતા ભાડાના કારણે નિકાસ ઓર્ડરમાં પણ ધરખમ ઘટાડો આવ્યો છે. શિપિંગમાંનું ભાડું વધી જતા અનેક ઓર્ડર કેન્સલ થઈ રહ્યા છે. કોરોના બાદ સર્જાયેલી કન્ટેનરની અછતના લીધે નિકાસકારોને હવે પ્રોફિટ કરતા ભાડું વધુ ચૂકવવું પડે છે. લાંબા સમય સુધી કન્ટેઇનરની રાહ જોવાના લીધે નિકાસ કરવાનો સ્ટોક ગોડાઉનમાં ભરાઈ રહ્યો છે.