કોરોનાકાળમાં અસ્થમાનાં દર્દીઓએ વધુ સાવધ રહેવું

વિશ્વ અસ્થમા દિન નિમિત્તે અદાણી મેડી. કોલેજના પ્રાધ્યાપકોએ આપ્યું માર્ગદર્શન

ભુજ : જેમ કોરોનાની સીધી અસર મનુષ્યના શ્વસનતંત્ર ઉપર થાય છે અને ફેફસાને અસર કરે છે. એવી પરિસ્થિતિમાં જેમને અસ્થમા (દમ)હોય તો કોરોના વધુ પ્રહાર કરે છે. ત્યારે આજે વિશ્વ અસ્થમા દિને અદાણી મેડીકલ કોલેજના પ્રોફેસરે દમ સામે રક્ષણ, નિદાન, ઉપાય અને સાવચેતીઉપર પ્રકાશ પાડ્યો છે, મેડીકલ કોલેજની કોમ્યુનીટી મેડીસીન વિભાગના એસો. પ્રો. ડો. વાસુદેવ રોકડેએ કહ્યું કે, દર વર્ષે ૫મીમે અને૬ મેનાં રોજ ડબ્લ્યુએચઓ દ્વારા અસ્થમા દિન અને માસ દરમિયાન ઉજવણી કરવામાં આવે છે. દુનિયાના ૩૩ કરોડ લોકો દમથી પીડાય છે. જ્યારે ભારતમાં ૩ કરોડ દર્દીઓ છે. તેમના જણાવ્યા અનુસાર દમ આનુવાંશિક રોગ છે. દમમાં શ્વસનતંત્રની કેશીકાઓ અસરગ્રસ્ત થાય છે. પરિણામે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તેમાય આવા દર્દીઓ ધૂળ, ધુમાડો, ધુમ્રપાન અને હવામાં થતા પરિવર્તન અને સીઝન ફેરને કારણે સંક્રમણ વધુ થાય છે. ઈલાજ અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઇન્હેલર ચિકિત્સા મહત્વની છે. દર્દીઓને ઉધરસ આવવી, શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દબાણ તથા ગળામાં સિસોટી જેવો અવાજ આવવો એ તેના લક્ષણો છે. દમના રોગનું નિદાન થયા પછી દર્દીઓએ સાવધાની રાખવી પડે છે. વર્તમાન કોરોનાં કાળમાં તો સવિશેષ કેમ કે, આવા દર્દીઓને કોરોના જલ્દી સંક્રમિત કરે છે. કારણકે, અસ્થમા પણ શ્વસનતંત્રની બીમારી છે. એટલે આવા દર્દીઓએ તો કોરોના સંક્રમણના નિયમોનું ચુસ્ત પાલન કરવું જરૂરી છે. દમના દર્દીઓએ સીઝન બદલે તો સાવધાની રાખવી. શરદી, ઝુકામ, ગળાનીખારાશ જણાય તો ચેતવું તથા થોડો સમય ધૂપમાં રહેવું. ઠંડી સામે જાતનું રક્ષણ કરવું, પાલતુ જાનવર ઘરમાંન રાખવા, કૃત્રિમ છોડ પણ ઘરમાં નરાખવા. આ ઉપરાંત સચોટ ધ્યાનમાં રાખવા જેવી બાબત અંગે પ્રાધ્યાપકોએ કહ્યું કે, અસ્થમાની દવા સાથે રાખવી, શ્વાસ લેવામાં તકલીફ પડે તો તુરંત ડોકટરની સલાહ લેવી વગેરે મહત્વની છે. અસ્થમા નાબુદ નથી થતો, પરંતુ સંભાળથી હળવો કરી શકાય છે. વિશ્વમાં ઈ.સ. ૧૯૯૩થી આ દિવસ અને માસ ઉજવાય છે.