કોરાનાને હરાવવા આપણી ફરજ નિભાવીએ – સરપંચ : સલામતી અને લોકભાગીદારીથી કોરાનાને મ્હાત આપવા ધાણેટી કટિબધ્ધ

ભુજ તાલુકાના ધાણેટી ગામે હાલે ૪ દર્દી હોમ આઈસોલેટ

ભુજ તાલુકાનું ભુજ-ભચાઉ હાઈવે પર આવેલું ગામ ધાણેટી એ ઔધોગિક કંપનીઓ અને ચાઈનાકલેના ધમધમાટથી આધુનિક ગામ ગણાય….. ૩૩ ગામોની પી.એચ.સી.નું મથક ધાણેટી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર. જેના કારણે કોરોના કોવીડ-૧૯ની બીજી લહેરના પગલે ૩૦૦ જેટલા કેસ કોરોના ૧૬૭ રેપીડ ટેસ્ટ અને ૧૩૦ આર.ટી.પી.સી.આર. કરવામાં આવ્યા જેમાં ૩૯ કોરોના પોઝીટીવ ધાણેટી ગામના હતા. ૩૯ કેસનો આંકડો આવતાં જ ગામ સચેત થઇ ગયું અને ગ્રામ ગ્રુપના મેસેજથી કોરોનાની સાવચેતી અને સલામતીના પગલાં આરંભાયા. ગામમાં કોઇપણ કામગીરી કે અમલવારી હોય ૩ ઓનલાઇન ગ્રુપ સક્રિય થઇ કામગીરી કરે જ પૈકી તમામ દર્દીને હોમ આઇસોલેશન અને સ્વૈચ્છિક લોકડાઉન માટે સૌ સહમત થઇ ગયા. કુલ ત્રણવાર આ ગામને સેનેટટાઇઝ કરાયું છે. કોરોનાના એકટીવ કેસના પગલે ઘરે ઘરે વ્યકિતદીઠ ઉકાળા, માસ્ક અને ૬૫૦૦ કપુર અજમાની પોટલીનું વિતરણ બેથી વધુ વાર કરવામાં આવ્યું હતું. ગામના સરપંચ વાઘજીભાઇ રામજીભાઇ આહિર શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં વ્યકિતગત રસ દાખવે આથી સ્વખર્ચે બે વાર ગામ સેનેટરાઈઝ કરાવ્યું. સ્વખર્ચે પંચાયત દ્વારા ૪ હજાર માસ્ક વિતરણ કરાવી. ગ્રામ પંચાયત અને રાષ્ટ્રીય સ્વયંસેવકના સહયોગથી ડોર ટુ ડોર ગરમ ઉકાળાનું ત્રણ દિવસ વિતરણ કરવામાં આવ્યું હતું. ધાણેટી ગ્રામ પંચાયતે ૩૦૦, રાણભાઇ રવાભાઇ ડાંગર ગ્રામદાતાએ ૨૦૦ તેમજ અન્ય દાતાઓએ ૨૦૦ રેપીડ કોરોના ટેસ્ટ કીટ આપી હતી. તેમજ કોર્પોરેટ સોશિયલ રીસ્પોન્સીબીલીટી સી.આર.સી હેઠળ બી.કે.ટી (બાલક્રિષ્ન ટાયર ઈન્ડસ્ટ્રીઝે) ૫૦૦ રેપીડ ટેસ્ટકીટ ધાણેટી ગ્રામજનો માટે આપી હતી. તાજેતરમાં જ બી.કે.ટી. કંપનીએ ધાણેટી પી.એચ.સી.ને અંદાજે રૂ.બે લાખના પ લિટરના થઇ બે ઓકિસજન કન્સ્ટ્રેટર રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર અને સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાના હસ્તે લોકાર્પણ કર્યા હતા. ૩૩ ગામોના પ્રાથમિક  આરોગ્ય કેન્દ્રમાં આવનાર દર્દીઓની સુવિધા અને સાવચેતી અને સલામતીના ભાગરૂપે ધાણેટી કુમાર છાત્રાલય ખાતે ૩૦ બેડનો આઇસોલેટ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. સવારે ૮ થી ૧૨ ગામ ખુલ્લું રખાય છે બાદમાં સ્વૈચ્છિક લોકડાઉનથી આજે હવે આ ગામમાં ફકત ૪ કોરોનાના કેસ છે. ધાણેટી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો.હેમાંગિની બેન ચૌધરી કહે છે કે, હાલે ગામમાં ૪ કોરોનાના એકટીવ કેસ છે અને તેઓ હોમ આઈસોલેશન છે. ગામમાં ૩૯ કેસ હતા પણ તે બધા જ હોમઆઈસોલેશનથી સ્વસ્થ થયા છે. ગામના સરપંચશ્રી વાઘજીભાઇ આહિર કહે છે કે, ભગવાનની કૃપાથી અમારા ગામમાં એકપણ મૃત્યુ કોરોનાથી થયું નથી. આટલા દર્દી હતા પણ બધાજ સ્વસ્થ થઇ રહયા છે હોમઆઈસોલેશનથી. હું દરેકને કહું છું ગામમાં ફરીને કેન્દ્ર અને રાજય સરકારની ગાઇડલાઇન મુજબ અનુસરવા જણાવું છું. આપણે આપણું જીવન બચાવશું તો બધું થશે. જો આપણું જીવન પરિવાર હશે તો બધું જ છે. આ મહામારીમાં કેમના બચીએ તેનો પ્રત્યન દરેકે કરવો જોઇએ. ગરીબોએ, એમાં ઘણું આર્થિક દુખ વેઠયું છે. કોવીડમાં પ્રિકોશનના પગલે સૌએ લેવાના છે. તો જ કોરાનાને હરાવવામાં આપણા સહયોગથી સરકાર સફળ થશે. તંત્ર આપણને દવા, મેડીકલ સારવાર, માસ્ક કે સેનિટરાઈઝ આપે ….સાવચેતી અને સલામતી તો આપણે પોતે જ રાખવાની છે. આ મહામારીથી બચવા માસ્ક પહેરવું. સલામત અંતર રાખવું અને સેનિટાઈઝ કરવા હું તમામને કહું છું કે, જેના પગલે મારું ગામ કોરોનાને જરૂર મ્હાત આપશે. ગામના યુવાન કાનજીભાઇ આહિર જણાવે છે કે, મારું ગામ કોરોના ગામ મુકત હેઠળ મેં બપોર પછી સ્વૈચ્છિક લોકડાઉન કર્યુ છે. ગ્રામજનોએ કોરાનાની સાવચેતીના પગલાં લીધા છે.     કંડિયાલાથી બી.કે.ટી કંપની સુધીના ભુજ-ભચાઉ હાઈવે અકસ્માત ઝોનમાં સરપંચશ્રીની અકસ્માત એમ્યુલન્સ ચાલે છે જેનો કોવીડ દર્દીઓ માટે પણ ઉપયોગ કરીએ છીએ. ગામના નાના મોટા પ્રસંગોમાં ગ્રામજનોએ સ્વૈચ્છિક નિયમ પાલન કર્યુ છે અને આગવો સહયોગ આપ્યો છે. જો ગામના લોકો ધારે તો બધું જ કરી શકે. સરકારને સહયોગ કરીને જ કોરાનાને ઝડપથી પરાસ્ત કરાવી શકાશે એમ ગામના અગ્રણીઓ પણ હામી ભરે છે.