કોમામાંથી બહાર આવેલ અંજારનો યુવક બિદડા સર્વોદય ટ્રસ્ટમાં સારવાર મેળવી થયો સ્વસ્થ

ટ્રસ્ટના જયા રિહેબિલિટેશન ઈન્સ્ટિટ્યુટ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા ત્રણ મહિનાની અપાઈ હતી થેરાપી સારવાર

માંડવી : બિદડા સર્વોદય ટ્રસ્ટ સતત ૪૨ વર્ષથી કચ્છના તેમજ તેમની આસપાસના ગામડાઓના ગરીબ તેમજ મધ્યમ વર્ગને મેડિકલ અને સર્જીકલ સેવાઓ આપવામાં કાર્યરત છે. બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત જયા રિહેબિલિટેશન ઈન્સ્ટિટ્યુટ અને રિસર્ચ સેન્ટર ૨૦૦૧માં ભૂકંપગ્રસ્તોને પુનઃવસસન માટે શરૂ કરાયું હતું. અંજારના ર૦ વર્ષના અનુપકુમાર ઓજા વડોદરાની કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હતા. તારીખ ૫ જુલાઈ ૨૦૨૦ના તેમનો રોડ અકસ્માત થતા કોમામાં જતા રહ્યા હતા. ત્રણ મહિના બાદ કોમામાંથી બહાર આવ્યા હતા. માથામાં ગંભીર ઈજાની સાથે સાથે તેઓને જમણા પગમાં ફ્રેક્ચર થયું હતું , જેના પરિણામે તેઓ જાતે બેસી, ઉભા કે ચાલી શકતા ન હતા. ત્યારબાદ તેઓ બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત જયા રિહેબિલિટેશન ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટરમાં સારવાર માટે આવ્યા હતા. ડાયરેક્ટર મુકેશ દોશી તથા આસિસ્ટન્ટ ડાયરેક્ટર વીરેન્દ્ર શાંડિલ્યના માર્ગદશન હેઠળ ડો. લોગનાથન દ્વારા તાપસ કરી અને જરૂરી સારવાર માટે સલાહ આપવામાં આવી હતી. ડો .અશોક ત્રિવેદી તથા ડો. યશસ્વી પટેલ દ્વારા અનુપકુમારને જરૂરી કસરત અને થેરાપી પુરી પાડવામાં આવી હતી. ત્રણ મહિના થેરાપીથી અનુપકુમાર આજે આપમેળે બેસતા, ઉભા રહેતા, ચાલતા, લખતા અને બોલતા થઇ ગયા છે. તે સાથે સાથે તેઓ હવે બધું યાદ રાખી શકે છે. અનુપકુમાર તથા તેઓના પરિવારે બિદડા સર્વોદય ટ્રસ્ટ, ચેરમેન વિજયભાઈ છેડા તથા સ્ટાફનો આભાર માન્યો હતોે.