કોંગ્રેસે ભચાઉ-રાપર તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા અને ઉપનેતા તેમજ દંડકની કરી વરણી

સ્વચ્છ પ્રતિભા ધરાવતા નેતૃત્વથી કોંગ્રેસ પક્ષ આમ પ્રજાના અવાજને વધુ બુલંદ કરશે : યજુવેન્દ્રસિંહ જાડેજા

ભુજ : સ્થાનિક રાજ્યની ચૂંટણીઓ બાદ તાલુકા પંચાયતોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રજાકીય પ્રશ્નોને વાચા આપવા, ભ્રષ્ટાચાર સામે લડત આપવા કચ્છ જિલ્લાના ભચાઉ અને રાપર તાલુકાઓમાં તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષના વિપક્ષી નેતા, ઉપનેતા અને દંડકની વરણી કરાઈ છે, જેમાં ભચાઉ તાલુકા પંચાયતના વિપક્ષી નેતા તરીકે હમીરાભાઈ મહાદેવા ઢીલા, ઉપનેતા ગીતાબા અનિરૂદ્ધસિંહ જાડેજા અને દંડક તરીકે રામજી જગા ભુટકની વરણી કરાઈ છે. જ્યારે રાપર તાલુકા પંચાયતના વિપક્ષી નેતા તરીકે અજીતસિંહ ધર્મેન્દ્રસિંહ પરમાર, ઉપનેતા તારાબેન રમજુભાઈ રાઉમા અને દંડક તરીકે રૈયાબેન ખેંગારભાઈ આહિરની વરણી કરાઈ છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રુખ અમિતભાઈ ચાવડા દ્વારા આ વરણીઓ કરવામાં આવી છે, જે નિમણૂંક અંગેના પત્ર કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાને પાઠવતા જિલ્લા પ્રમુખે તમામ નિમણૂંકોને આવકારી અભિનંદન પાઠવ્યા હતા અને ભેદભાવ, ભ્રષ્ટાચાર, સ્ટાફની ઘટ વિગેરે બાબતે લડત ચલાવશે તેવો આશાવાદ વ્યક્ત કરી શુભેચ્છા પાઠવી હતી.

આ નિમણૂંકને ધારાસભ્ય સંતોકબેન આરેઠિયા, કચ્છ જિ.પં. વિપક્ષી નેતા લખીબેન રમેશ ડાંગર, પૂર્વ વિપક્ષી નેતા વી.કે. હુંબલ, બહાદુરસિંહ પરમાર, બળવંતસિંહ જાડેજા, આદમભાઈ ચાકી, જુમાભાઈ રાયમા, શૈલેન્દ્રસિંહ જાડેજા, શામજીભાઈ આહિર, ગનીભાઈ કુંભાર, રામદેવસિંહ જાડેજા, પી.સી. ગઢવી, ઘનશ્યામસિંહ ભાટી, ધીરજ રૂપાણી વગેરેએ આવકારી હતી તેવું જિલ્લા પ્રવક્તા દિપક ડાંગરે જણાવ્યું હતું.