કોંગ્રેસના ૧૧ આગેવાનોને પ્રદેશ શિસ્ત સમિતિનું સુનાવણી માટે તેડું

શિસ્તભંગની ફરિયાદ કરનાર અને જેમની સામે ફરિયાદ થઈ છે તેવા આગેવાનોના નિવેદનો લઈ ફરિયાદોનો કરાશે નિકાલ

ભુજ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રચિત શિસ્ત સમિતિની બેઠક ગત ૩૦મી મેના રોજ મળી હતી, જેમાં શિસ્તભંગ અંગેની આવેલી ફરિયાદો પર ચર્ચા વિચારણા કરી કેટલાક કેસોમાં ફરિયાદી અને જેમની વિરૂદ્ધ ફરિયાદ થઈ છે તેવા આગેવાનોને સાંભળવાની જરૂરીયાત જણાતા કચ્છના ૧૧ આગેવાનોને પ્રદેશ શિસ્ત સમિતિ દ્વારા તેડું મોકલાયું છે, જેમાં મુખ્યત્વે મુંદરા તાલુકા સંગઠનના આગેવાનોનો સમાવેશ થાય છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા શિસ્ત સમિતિની રચના કરાઈ છે. આ સમિતિ દ્વારા પક્ષમાં શિસ્ત જળવાઈ રહે તે માટેની કાર્યવાહી કરે છે, જેમાં કચ્છમાંથી શિસ્ત ભંગની આવેલી ફરિયાદો અંગે કેટલાક કેસોમાં બન્ને પક્ષોને સાંભળવાની જરૂરીયાત જણાતા કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખની ઉપસ્થિતિમાં ૧૧ આગેવાનોને સુનાવણી માટે બોલાવાયા છે. જેમાં ફરિયાદ કરનાર મુંદરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચંદુભા એ. જાડેજા તેમજ જેમની સામે ફરિયાદ થઈ છે તેવા ગુંદાલાના હરેશ માલશી સોધમ, રમેશ ખીમજી દાફડા, નવીનાળના ગજેન્દ્રસિંહ ભીમાજી જાડેજા, સાડાઉના કમલેશ ખીમરાજ ગઢવી, સમાઘોઘાના આઈ. પી. જાડેજા, મુંદરા યુથ કોંગ્રેસ પ્રમુખ વિપુલસિંહ ટી. જાડેજા, ગેલડાના વનરાજસિંહ શીવુભા સોઢા, મહેન્દ્રસિંહ ગગુભા જાડેજા, મુંદરા તાલુકા કોંગ્રેસ મંત્રી રણછોડ ધનજી આહીર તેમજ કચ્છ જિલ્લા કોંગ્રેસ મંત્રી ભીખુભાઈ એમ. સોલંકીને પ્રદેશ શિસ્ત સમિતિ દ્વારા રૂબરૂ સુનાવણી માટે બોલાવાયા છે.