કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ જી.કે. જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી

  • દર્દીઓને પડતી હાલાકી દૂર કરવા આરોગ્ય તંત્ર સાથે બેઠક યોજી
    લો કરલો બાત : કોરોનાથી કણશતા દર્દીઓની ખબર અંતર પૂછવા – સેવા કરવાના નામે સદંતર મીંડુ , પણ પ્રદેશ નેતાઓ આવતા જ વાગડનો વેચાઉ માલ ફરી ડોકાયો : જોઈ લ્યો, કેટલો સ્વાર્થી, મતલબી, તકસાધુ અને તાયફાબાઝ છે આ વાગડનો વેચાઉ માલ

ભુજ : કોવિડ-૧૯ મહામારી કચ્છમાં બેકાબુ બની છે ત્યારે જી.કે. જનરલ હોસ્પિટલમાં કોવિડ દર્દીઓને પડતી હાલાકી મુદ્દે ગુજરાત વિધાનસભા વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ જી.કે. જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ દરમ્યાન કોવિડ વોર્ડમાં દાખલ દર્દીઓના હાલચાલ જાણ્યા હતા. બાદમાં દર્દીઓને પડતી હાલાકી સંદર્ભે સ્થાનીકે હોસ્પિટલ મેનેજમેન્ટ સાથે બેઠક યોજી હતી. લોકોને યોગ્ય સારવાર મળે તે અંગે આરોગ્ય વિભાગ સાથે ચર્ચા કરી હતી.ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ આજે બપોરે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. હોસ્પિટલમાં કોવિડના દર્દીઓ રેમડેસીવીર ઈન્જેક્શન લેવા માટે સ્વજનોની લાંબી લાઈનો લાગવા છતાં ઈન્જેક્શન નથી મળતા, ઈન્જેક્શનનું નિઃશુલ્ક વિતરણ હોસ્પિટલમાં ઓક્સિજન મુદ્દે દર્દીઓને પડતી હાલાકી, બાયપેપ, વેન્ટીલેટરની ઘટ, ડેડબોડી બદલી જવી, મા કાર્ડ તથા આયુષ્યમાન કાર્ડ ધારકોને ખાનગી હોસ્પિટલોમાં પણ વિનામુલ્યે સારવાર મળે વિગેરે મુદ્દે આરોગ્ય તંત્ર સાથે બેઠક કરી ચર્ચા કરી હતી. દર્દીઓને પડતી મુશ્કેલી દૂર કરવા તંત્રનું ધ્યાન દોર્યું હતું. મેડીકલ સુપ્રી. ડો. નરેન્દ્ર હિરાણી તેમજ હોસ્પિટલના ડો. શાર્દુલ ચોરસીયા, સીવીલ સર્જન સહિતનાઓ સાથે મિટીંગ યોજી ચર્ચા કરી હતી. કોંગ્રેસ દ્વારા અવારનવાર જી.કે.માં થતી પોલમપોલનો પર્દાફાશ કરાય છે ત્યારે જિલ્લાની મુખ્ય કોવિડ હોસ્પિટલની પરેશ ધાનાણીએ મુલાકાત લઈ દર્દીઓના પ્રશ્નોને વાચા આપવાનો પ્રયાસ કર્યો હતો. મુલાકાત બાદ પત્રકારો સાથે ચર્ચા પણ કરાઈ હતી. આ મુલાકાતમાં જિલ્લા કોંગ્રેસના આગેવાનો સાથે રહ્યા હતા.આ મુલાકાત વેળાએ કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, અરજણ ભુડિયા, આદમ ચાકી, રવિ ત્રવાડી, રફીક મારા, ગની કુંભાર, ઘનશ્યામ ભાટી, મુસ્તાક હિંગોરજા, અંજલિ ગોર સહિતના હાજર રહ્યા હતા.