૧ર મહિનાની યોજનાઓનો ફાટ્યો હતો રાફડો : અનેક પેઢીઓ ઉઠી જતા લોકોના નાણાં ડૂબ્યા હતા

 

 (બ્યુરો દ્વારા) ભુજ : પીળી ધાતુ એટલે કે સોનાની કિંમતમાં થઈ રહેલા ઉત્તરોત્તર વધારાના પગલે છેલ્લા ત્રણેક વર્ષથી સોની બજારમાં મંદીનું ગ્રહણ છવાયું છે. મંદીમાંથી બહાર આવવા તેમજ વેચાણ વધારવા અમુક ઝવેરીઓ અને શો-રૂમ દ્વારા હપ્તા સિસ્ટમથી દાગીનાનું વેચાણ શરૂ કરાયું હતું. કેન્દ્ર સરકારે એડવાન્સમાં હપ્તા લઈને ચલાવવામાં આવતી સ્કીમ પર પ્રતિબંધ મૂકતા ભુજમાં પણ હપ્તે સોનાની સ્કીમો પર બ્રેક લાગી છે.

વિગતે વાત કરીએ તો સરળ હપ્તેથી દાગીનાનું વેચાણનું પ્રમાણ વધતું હોઈ મંદીમાંથી ઉગરવા ભુજમાં પણ અનેક સોનીઓએ યોજના ચાલુ કરી હતી. ૧ર હપ્તાની સ્કીમમાં ૧૧ હપ્તા ગ્રાહક ભરતા અને ૧ હપ્તો શો-રૂમ માલિક ભરતા. ગ્રાહકો સોની બન્ને માટે આ પ્રકારની યોજના સાનુકૂળ બની રહી હતી. જો કે, કેટલીક પાર્ટીઓ રૂપિયા લઈ ઉઠી જવાની ઘટનાઓમાં દેશભરમાં થયેલા વધારા બાદ કેન્દ્ર સરકારે હપ્તેથી સોનાના દાગીનાની સ્કીમ પર પ્રતિબંધ મૂકી દેતા ભુજમાં પણ તેની અસર જોવા મળી રહી છે.

ભુજના કેટલાક સોની વેપારીઓએ વિગતો આપતા જણાવ્યું કે, કેન્દ્ર સરકારના પ્રતિબંધ બાદ હવે હપ્તે – હપ્તે એડવાન્સમાં રૂપિયા લઈ સોનુ આપવાની સિસ્ટમ શહેરમાં બંધ થઈ ગઈ છે. હવે માત્ર જૂના અને પ્રતિષ્ઠીત ગ્રાહકોને જ હપ્તા સિસ્ટમ કરી આપવામાં આવે છે, જેમાં સોનુ એડવાન્સમાં આપી તેની રકમ નિયત હપ્તામાં લેવામાં આવે છેે. જો કે, કેટલાક વેપારીઓ એડવાન્સમાં સોનુ આપી હપ્તે – હપ્તે તેની મૂળ રકમ કરતા વધુ કિંમત ગ્રાહકો પાસેથી વસૂલી શોષણ કરી રહ્યા હોવાનો ગણગણાટ પણ ઉઠ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here