કેજરીવાલના નિવેદન પર સિંગાપુર ભડક્યુંઃ વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરવી પડી

ન્યુ દિલ્હી,તા.૧૯ ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે આ દરમિયાન સોશિયલ મીડિયા અને રાજકારણ પણ ગરમાયેલું રહ્યું છે. આવામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કરેલા ટિ્‌વટથી સિંગાપોર ભડક્યું હતું, આ પછી ભારત સરકારે સ્થિતિને સંભાળી લીધી હતી. સિંગાપુરમાં કોરોના વાયરસના કથિત નવા સ્ટ્રેનને લઈને કેજરીવાલે સિંગાપોર ફ્લાઈટ રદ્દ કરવાની માંગ કરીને ટ્‌વીટ કર્યું હતું. હવે સિંગાપોર સરકારે તેને લઈને વાંધો દર્શાવ્યો અને ભારત સરકારે સ્થિતિને પોતાના હાથમાં લઈ લીધી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્‌વીટ કરીને જણાવ્યં, “સિંગાપોર વેરિયન્ટ”વાળા દિલ્હીના મુખ્યમંત્રીની ટ્‌વીટ પર વાંધો વ્યક્ત કરવા માટે સિંગાપોર સરકારે અમારા હાઈ કમિશને બોલાવ્યા હતા. હાઈ કમિશને સ્પષ્ટ કર્યું કે દિલ્હી મુખ્યમંત્રી પાસે કોવિડ વેરિયન્ટ કે સિવિલ એવિએશન પોલિસી પર કશું બોલવાનો અધિકાર નથી.” અરવિંદ કેજરીવાલના ટ્‌વીટ સિંગાપોર સરકારે વાંધો ઉઠાવ્યા બાદ વિદેશમંત્રી એસ જયશંકરે સ્પષ્ટતા કરી છે. તેમણે ટ્‌વીટ કરીને જણાવ્યું, “સિંગાપોર અને ભારત કોવિડ-૧૯ સામે લડાઈમાં મજબૂત ભાગીદારી કરી રહ્યા છે. એક લોજિસ્ટિક્સ હબ અને ઓક્સિજન સપ્લાયર્સ તરીકે અમે સિંગાપોરની ભૂમિકાની પ્રશંસા કરીએ છીએ.” તેમણે આગળ લખ્યું, “જોકે, કેટલાકના બિન-જવાબદારી ભર્યા નિવેદનથી લાંબા સમયથી ચાલી રહેલી ભાગીદારીને નુકસાન પહોંચી શકે છે. માટે હું સ્પષ્ટતા કરું છું કે દિલ્હીના મુખ્યમંત્રીનું નિવેદન ભારતનું નિવેદન નથી.” અરવિંદ કેજરીવાલે મંગળવારે એક ટ્‌વીટમાં કહ્યું હતું, “સિંગાપોરમાં આવેલા કોરોનાનો નવો વેરિયન્ટ બાળકો માટે ખતરનાક કહેવાઈ રહ્યો છે, ભારતમાં તે ત્રીજી લહેરના સ્વરુપમાં આવી શકે છે. કેન્દ્ર સરકારને મારી અપીલઃ ૧. સિંગાપોર સાથે હવાઈ સેવા તાત્કાલિક અસરથી રદ્દ કરવામાં આવે. ૨. બાળકો માટે પણ રસીના વિકલ્પોને પ્રાથમિકતાના આધારે કામ કરવામાં આવે.