કુકમા ગ્રા.પં.નું વર્ષ ર૦ર૧-રર માટે ૪ કરોડનું બજેટ મંજૂર કરાયું

પંચાયત ર૯ જેટલી ત્યક્તા મહિલાઓ – દિવ્યાંગોને સ્વભંડોળમાંથી ૧ હજાર પેન્શન આપશે

ભુજ : કુકમા ગ્રામ પંચાયત પોતાના વિશિષ્ટ કાર્યો માટે જાણીતી છે તથા દરેક કામો સામાજિક દ્રષ્ટિકોણ અને લોકભાગી સાથે કરવાનો પ્રયત્ન હંમેશા હોય છે. એ દિશામાં જ એક ડગલું આગળ વધતા ગ્રામ પંચાયત દ્વારા વર્ષ૨૦૨૧-૨રનું રૂા.૪ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું.
વર્ષ ૨૦૨૧-૨૨ માટે કુકમા ગ્રામ પંચાયતે ત્યક્તાઓ – નિરાધાર બહેનો માટે નારી ઉત્થાન યોજના અને દિવ્યાંગો માટે કલ્યાણકારી યોજના અમલમાં મુકી છે, જેમાં લગભગ ૨૯ જેટલા દિવ્યાંગો અને ત્યક્તા બહેનોને માસિક ૧૦૦૦ જેટલું પેન્શન ગ્રામ પંચાયત સ્વભંડોળમાંથી અપાશે. આ સિવાય આ બજેટમાં લાયબ્રેરી, શિક્ષણ, આરોગ્ય, ગ્રામ સફાઇ, સમાજ કલ્યાણ, ગ્રામ રક્ષક દળ, અસ્પૃશ્ય નિવારણ વગેરે જેવા કામો માટેનું પણ આયોજન કરી નાણાની ખાસ જાેગવાઇ કરવામાં આવી છે.
આ મિટીંગમાં સરપંચ કંકુબેને વણકર, ઉપસરપંચ હરેશભાઇ, અર્ચનાબેન, જમનાબેન,સોનીબેન, સલેમાનભાઇ, દક્ષાબેન, દેવજીભાઇ, હમીરભાઇ, નારસિંગભાઇ, ભાવનાબેન હાજર રહ્યા હતા. સંચાલન ગામના તલાટી – સહમંત્રી નરેન્દ્રભાઇ ચાસીયાએ કર્યું હતું.