કીડિયાનગરમાં કૌટુંબીક ભત્રીજાએ કાકાનું કાસળ કાઢી નાખ્યું

0
14

કીડિયાનગરમાં આવેલી લંબરીયા વાડી વિસ્તારમાં બન્યો બનાવ : ધોકાના ફટકા મારી કાકાનું મોત નિપજાવનારા ભત્રીજા સામે આડેસરમાં પોલીસ ફરિયાદ

(ક્રાઈમ પ્રતિનિધિ)રાપર : વાગડ પંથકમાં વધુ એક હત્યાનો ગુનો સામે આવ્યો છે. રાપર તાલુકાના કીડિયાનગરમાં આવેલી લંબરીયા વાડી વિસ્તારમાં કૌટુંબીક ભત્રીજાએ ધોકાના ફટકા મારી કાકાને મોતને ઘાટ ઉતારતા કાકીએ આડેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ હત્યાના ગુનાની પોલીસમાંથી મળતી વિગતો મુજબ કીડિયાનગરમાં આવેલી લંબરીયા વાડી વિસ્તારમાં પ્રવીણભાઈ વેરશી કોલી પત્ની મીરા સાથે રામાભાઈ બાયડની વાડીમાં કામ કરે છે. ગઈકાલે સાંજે સાડા પાંચથી છ વાગ્યાના અરસામાં આ દંપત્તિ વચ્ચે ઝઘડો થયો હતો જેમાં ઉશ્કેરાયેલા પ્રવીણે પત્નિ મીરાને માર મારવાનું શરૂ કર્યું હતું. તે દરમ્યાન બાજુમાં રહેતો કૌટુંબીક ભત્રીજો નરશી ઉર્ફે હચુ કોલીએ વચ્ચે પડી કાકીને માર ન મારવા કહ્યું હતું જેથી ઉશ્કેરાયેલા કાકાએ ઠપકો દેતા મનમાં લાગી આવતા નરશી ધોકો લઈને આવ્યો હતો અને પ્રવીણના માથામાં ધોકાના ફટકા મારતા ગંભીર ઈજાઓ થવાથી મોતને ભેટ્યો હતો. બનાવ અંગે આડેસર પોલીસ સ્ટેશનમાં મીરાબેન પ્રવીણ વેરશી કોલી (ઉ.વ.૩૩)એ પોતાના પતિ પ્રવીણની હત્યા સબબ કૌટુંબીક નરશી કોલી સામે ફરિયાદ નોંધાવી છે. તપાસ આડેસર પીએસઆઈ વાય. કે. ગોહિલ સંભાળી રહ્યા છે.