કાસેઝ દ્વારા ૨૦૦ બેડની કોવીડ હોસ્પિટલ નિર્માણ થશે

સ્થાનિક વહીવટી તંત્ર સાથે રહી કંપનીઓને કોવીડ-૧૯ ડામવાની સુવિધા ઉપલબ્ધ કરાવવા અનુરોધ કરતા રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર

કંડલા સ્પેશિયલ ઈકોનોમીક ઝોન કાસેઝ દ્વારા તાત્કાલિક ધોરણે ૨૦૦ બેડની કોવીડ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે. વૈશ્વિક મહામારી કોરોના કોવીડ-૧૯ના સંક્રમણને રોકવા, નાથવા રાજય સરકારે જનસહયોગથી કોરાનાને મ્હાત આપવા કમરકસી છે. જેના ભાગરૂપે આજે ગાંધીધામ ખાતે રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે કાસેઝ ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. કાસેઝના અધિકારીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ જનપ્રતિનિધિઓ સાથે કોરાનાને અટકાવવાની તકેદારીના પગલાંના ભાગરૂપે યોજાયેલી આ બેઠકમાં રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે, સ્થાનિક વહીવટી તંત્ર સાથે રહી કંપનીઓએ કોવીડ-૧૯ ડામવા સુવિધાઓ ઉપલબ્ધ કરવાની રહેશે. ઓકિસજન સીલીન્ડર બનાવતી કંપનીઓને ઉત્પાદન ચાલુ રાખવા અને પ્રશ્ન ઉદભવે વહીવટી તંત્રની મદદ લેવા જણાવ્યું હતું. કાસેઝ ખાતે કામ કરતા ૨૮૦૦ જેટલા લેબર કર્મચારીઓને તાત્કાલિક ધોરણે કોરાના વેકસીનેશન કરાય તે માટે તત્કાળ વ્યવસ્થા કરવા પણ મંત્રીશ્રીએ સબંધિતોને જણાવ્યું હતું. આ બેઠકમાં જોઇન્ટ ડેપ્યુટી કમિશનરશ્રી મહાપાત્ર, કાસેઝ ખાતે ઓકિસજન સીલીન્ડર બનાવતી કંપની ઈ.કે.સી. રામા, યુરો તેમજ અન્ય એકમોના પ્રતિનિધિઓ જોડાયા હતા. આ બેઠકમાં ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, નગરપાલિકા પ્રમુખ ઈશિતાબેન ટીલવાણી, મંત્રીશ્રીના અંગત સચિવ વિજય પટેલ, અગ્રણીશ્રી વિજયસિંહ જાડેજા, પુનિત દુધરેજીયા, હરેશ મુલચંદાણી, સરિતાબેન બધર તેમજ પ્રાંત અધિકારીશ્રી જોશી, મામલતદારશ્રી સી.પી.હિરવાણીયા, તાલુકા હેલ્થ ઓફિસર ડો.સુતરીયા, તેમજ ડીપીટી  અને કેપીટી હોસ્પિટલ તેમજ કાસેઝના કર્મયોગીઓ ઉપસ્થિત રહયા હતા.