કાળમુખો કોરોનાઃ કોઇના ઘરમાં ૨ જ સભ્ય બચ્યા, ૬ બહેને એકનો એક ભાઈ ખોયો,

0
25

(જી.એન.એસ)રાજકોટ,કોરોનાની બીજી લહેરમાં કેસની સંખ્યાની સાથોસાથ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. નવી લહેરના વાયરસમાં ફેમિલી બન્ચિંગના અનેક કિસ્સા સામે આવ્યા છે. બીજી તરફ, ફેમિલી બન્ચિંગમાં મૃત્યુના કિસ્સા પણ રાજકોટ જિલ્લામાં જોવા મળ્યા છે. કાળમુખા કોરોનાએ રાજકોટ જિલ્લામાં અનેકના પરિવારનો માળો વીંખી નાખ્યો છે. કોઈએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી તો કોઇના ઘરમાં બે સભ્ય બચ્યા છે. અન્ય એક કિસ્સામાં ૬ બહેનોએ એકનો એક ભાઇ ગુમાવતાં પરિવાર આઘાતમાં સરી પડ્યો છે તેમજ એકસાથે પિતા-પુત્ર અને પુત્રીને કોરોના ભરખી જતાં પરિવાર વેરવિખેર બની ગયો છે.૬ બહેને એકનો એક ભાઈ અને ૨ વર્ષની દીકરીએ પિતા ગુમાવ્યા
રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં પોઝિટિવ કેસની સાથે સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. રાજકોટમાં રોજેરોજ ૫૦થી વધુ દર્દીનાં મૃત્યુ થઇ રહ્યાં છે, જે પણ એક ચિંતાજનક બાબત છે. કાળમુખો કોરોના કેટકેટલાના પરિવાર પર હાવી બન્યો છે. રાજકોટમાં મંગળવારે મોડી રાત્રિના ૨ વર્ષની માસૂમ પુત્રીના પિતા અને ૬ બહેનોના એકના એક ભાઇનું કોરોનામાં મૃત્યુ થતાં પરિવારનો માળો વીંખાઈ ગયો છે. રાજકોટ જિલ્લાના બાલસર ગામના યુવાન સંજય લોખીલનું કોરોનાની ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજતાં પરિવારમાં માતમ છવાયો છે. સંજય લોખીલ પરિવારમાં ૬ બહેનોનો એકનો એક ભાઇ હતો. થોડાં વર્ષ પહેલાં સંજયના લગ્ન થયા હતા અને તેને ૨ વર્ષની પુત્રી છે. સંજય લોખીલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં મેટોડા ખાતે સંજીવની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે અચાનક તબિયત બગડતાં મંગળવારે મોડી રાત્રિના ૨.૩૦ વાગ્યે મોત નીપજ્યું હતું. કોરોનાએ ૩ જ દિવસમાં ૨ વર્ષની પુત્રીના પિતા અને ૬ બહેનોનો ભાઇ છીનવી લેતાં પરિવારમાં માતમ છવાયો છે.
ગોંડલમાં દંપતીને એક દિવસના અંતરે કોરોના ભરખી ગયો, પુત્ર-પુત્રીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી
ગોંડલ શહેરના જેતપુર રોડ પર મેલડી માતાજીના મંદિર પાસે પાર્થ સ્કૂલ નજીક રહેતા અને સરદાર પાન નામે દુકાન ધરાવતા જિતેન્દ્રભાઈ જેરામભાઇ ઠુંમર (ઉં.વ.૪૫) અને તેમનાં પત્ની વસંતબેન છેલ્લા એક સપ્તાહથી કોરોનાની ઝપટે ચડી ગયાં હતાં. બંનેએ સરકારી-ખાનગી હોસ્પિટલોમાં સારવાર લીધી હતી, પરંતુ તબિયતમાં સુધારો ન થતાં જામનગર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયાં હતાં. અહીં શનિવારે વસંતબેનનું નિધન થયું હતું અને જિતેન્દ્રભાઇનું રવિવારના નિધન થતાં પુત્ર-પુત્રીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવતાં ઠુંમર પરિવાર શોકમગ્ન બન્યો હતો.કોરોના પિતા, પુત્ર અને પુત્રીને ભરખી ગયો કાળમુખો અને કાતિલ બનેલો કોરોના અનેક પરિવારોને વેરવિખેર કરી નાખ્યા છે. રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરના એસ.આર.પી. કોન્સ્ટેબલ જિતેન્દ્ર સૂર્યવંશી, તેનાં પિતા તથા બહેનનાં કોરોનાને કારણે એક જ દિવસે મોત થયાં છે, જેને પગલે એસઆરપી કેમ્પમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પિતા-પુત્રી અને પુત્રનાં અલગ અલગ રાજ્યમાં મોત થયાં છે. જિતેન્દ્ર સૂર્યવંશીનું તામિલનાડુમાં, જ્યારે તેના પિતા અને બહેનનું મહારાષ્ટ્રમાં મોત થયાં છે. ગોંડલ એસઆરપી ગ્રુપ ૮ના કોન્સ્ટેબલ જિતેન્દ્રભાઇ દોલતભાઇ સૂર્યવંશી તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીને લઈ ત્યાં ફરજ પર હતા. આ દરમિયાન તેમની તબિયત લથડતાં અને કોરોના પોઝિટિવ આવતાં તામિલનાડુની હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં વહેલી સવારે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.માતા-પુત્રનો ભોગ લીધો, સારવારમાં રહેલી ૯ વર્ષની દીકરીને ખબર નથી કે પપ્પા અને દાદી આ દુનિયામાં નથી!કોરોનાની બીજી લહેરે કેટલાય પરિવારના માળા વીંખી નાખ્યા છે. કોરોનાના અજગર ભરડામાં અનેક પરિવાર આવ્યા છે. ત્યારે રાજકોટના રાયચુરા પરિવારમાં કોરોના કાળ બની ત્રાટક્યો અને માતા-પુત્રનો ભોગ લઇ લીધો છે. ૯ વર્ષની દીકરી પણ કોરોનાની સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ છે, પરંતુ આ દીકરીને ખબર નથી કે મારા પપ્પા અને દાદી આ દુનિયામાં નથી. ચાર સભ્યોના ખુશખુશાલ પરિવાર પર કોરોનારૂપી રાક્ષસે કાળચક્ર ફેરવ્યું અને બે સભ્યોનો ભોગ લઇ લીધો છે. આ કરુણ ઘટના રાજકોટના મનીષભાઇ રાયચુરા પરિવારમાં બની ગઇ છે, જેમાં મનીષભાઇ ખુદ અને તેમનાં માતા મીનાબેનનું કોરોનાને કારણે અવસાન થયાં છે. મનીષભાઇની દીકરી ક્રિના ૯ વર્ષની છે અને કોરોનાની સારવાર હેઠળ તેને ખબર નથી કે પપ્પા અને દાદી દુનિયામાં નથી.