કાળઝાળ ગરમી વચ્ચે શિકારપુરમાં ન્હાવા પડેલા ત્રણ બાળકોના ડૂબી જવાથી મોત

બપોરના ભાગે નદીમાં ન્હાવા ગયેલા કિશોરવયના બાળકોના બુઝાયા જીવનદીપ : ગામ અને સમગ્ર વાગડ પંથકમાં અરેરાટી

ભચાઉ : કાળઝાળ ગરમી વચ્ચે ઠંડક મેળવવા માટે નાના ભુલકાઓ સહિત સૌકોઈ બપોરના સમયે ન્હાવાનું પસંદ કરે છે. જો કે ઘડીભરની રાહત એક પરિવાર માટે શોકમાં ફેરવાઈ ગઈ છે. ભચાઉ તાલુકાના શિકારપુરમાં આવેલી નદીમાં આજે બપોરે ત્રણ બાળકો ન્હાવા કુદ્યા હતા. જો કે ન્હાવા ગયેલા આ બાળકોની ખુશીની કિલકારીઓ થોડીવારમાં પરિવાર માટે મોતની ચીચીયારીઓ સમાન બની ગઈ હતી. કારણ કે નદીના પાણીમાં ડૂબી જવાથી ત્રણ બાળકો મોતને ભેટ્યા હતા. આ ઘટનાએ સમગ્ર ગામ તેમજ વાગડ પંથકમાં ભારે અરેરાટી જગાવી હતી. સામખિયાળી પોલીસમાંથી મળતી વિગતો મુજબ આજે બપોરે અઢી વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. ગામના બાળકો શિકારપુર પાસે આવેલી નદીમાં ન્હાવા પડ્યા હતા. જો કે આ માસૂમ બાળકો પાણીમાં વધુ સમય ન રહી શકતા ડૂબી જવાથી મોતને ભેટ્યા હતા. બનાવની જાણ થતા ગામના લોકો અને પરિવારજનો પણ સ્થળ પર દોડી ગયા હતા. હતભાગીના મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢી લાકડીયા પીએએચસીમાં લઈ જવાયા હતા. સામખિયાળી પોલીસે જણાવ્યુ હતું કે, ડૂબી જવાથી 13 વર્ષિય મુકેશ પ્રેમજી મ્યાત્રા, પ્રકાશ લધા ગોહિલ અને 15 વર્ષિય કમલેશ લધા વાઘેલા નામના બાળકોના મોત નિપજ્યા હતા. નોંધનીય છે કે, આ પૂર્વે ભચાઉમાં કેનાલમાં ડૂબી જવાથી કોલી પરિવાર મોતને ભેટ્યો હતો. તો તાજેતરમાં જ પરિણિતા પણ ડૂબી ગઈ હતી. અવારનવાર વાગડ પંથકમાં પાણીમાં ડૂબી જવાની ઘટનાઓ બની રહી છે જે ખરેખર ચિંતાજનક છે.