કસ્ટોડિયલ કાંડના ભાગેડુ આરોપીઓ ૧૦ દિવસના રિમાન્ડ પર ધકેલાયા

image description

૧૪ દિવસના રિમાન્ડની માંગ સાથે આરોપીઓને કરાયા હતા રજૂ : બનાવ પાછળ જમીન પ્રકરણ કે ચોરીનો બનાવ કારણભૂત તે દિશામાં તપાસ વેગવાન બનાવાઈ : રપથી ૩૦ લાખના હવાલાકાંડની પણ થશે તપાસ : બે ગઢવી યુવાનોના મોત કેસમાં પીઆઈ, જીઆરડી સહિત ૮ મળી કુલ ૧૦ વ્યક્તિઓની અત્યાર સુધી કરાઈ છે ધરપકડ

ભુજ : કચ્છના ચકચારી મુંદરા કસ્ટોડીયલ ડેથના બનાવમાં પશ્ચિમ કચ્છ પોલીસે છેલ્લા બે મહિનાથી પોલીસને હાથ તાળી આપી નાસતા ફરતા મુંદરા પોલીસ સ્ટેશનના તત્કાલીન કર્મચારીઓને ભાવનગરમાંથી દબોચી લીધા હતા. જેઓને આજે ૧૪ દિવસના રિમાન્ડની માંગણી સાથે ગાંધીધામમાં જજના ઘરે રજૂ કરવામાં આવ્યા હતા. જયાં ન્યાયાધિશે બનાવની ગંભીરતાને ધ્યાને રાખી આરોપીઓના ૧૦ દિવસના એટલે કે પમી એપ્રીલ સુધીના રિમાન્ડ મંજુર કર્યા હોવાનું તપાસનીસ અધિકારી ભુજ ડીવાયએસપી જે.એન. પંચાલે જણાવ્યું છે. અગાઉ આરોપીઓને મુંદરા કોર્ટમાં રજૂ કરવાના હતા, જો કે જજ રજા પર હોવાથી ભુજ કોર્ટમાં રજૂ કરવાનું નક્કી કરાયું, પરંતુ કોરોનાના કારણે દસ દિવસ સુધી ભુજના ધારાશાસ્ત્રીઓએ કામથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે, જેથી ગાંધીધામમાં આરોપીઓને રજૂ કરાયા હતા. પોલીસ કસ્ટડીમાં ગઢવી યુવાનનું મોત નિપજતા ૨૦મી જાન્યુઆરીના મુંદરા પોલીસ સ્ટેશનના શક્તિસિંહ ગોહિલ, અશોક કનાદ અને જયદેવસિંહ અજીતસિંહ ઝાલા વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જેઓની ધરપકડ થતા દસ દિવસના રિમાન્ડ પર મુકાયા છે. આ દરમિયાન ગુનાને લગતી વિવિધ તપાસો તેમજ અત્યાર સુધી કયાં કયાં નાસ્તા ફરતા હતા તે સહિતની વિગતો પરથી પડદો ઉચકાશે. ગત રોજ યોજાયેલી પત્રકાર પરિષદમાં પોલીસ વડા સૌરભસિંગે માહિતી આપતા જણાવ્યું કે, આ કેસમાં મુખ્ય ત્રણ ભાગેડુ પોલીસ કર્મચારીને ભાવનગરમાંથી પકડી લેવાયા છે. એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે આરોપીઓ સેલવાસમાં હોવાની હકિકત મળી હતી. જેથી તપાસ માટે ટીમ સેલવાસ પહોચી ત્યારે આરોપીઓ ભાવનગર નાસી ગયા હતા. જેથી ભાવનગર એલસીબીની મદદ મેળવી ત્રણ પોલીસ કર્મચારીની ધરપકડ કરાઈ છે. જેમાં ભાવનગરની હોટલમાંથી જયદેવસિંહ અને અશોકને ઝડપી લેવાયા હતા. જયારે શક્તિસિંહને સંબધીના ઘરેથી દબોચી લેવાયો હતો. બે મહિના સુધી પોલીસ કર્મચારી કયાં કયાં ફરતા હતા. તેવો સવાલ પુછતા એસપીએ જણાવ્યું કે, ગુનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ વાહન મારફતે મુંબઈ ભાગી ગયા હતા. જયાંથી ગોવા, હેદરાબાદ, આંધ્રપ્રદેશમાં તેઓ છુપાતા ફરતા હતા. બાદમાં દાદરાનગર હવેલી અને સેલવાસમાં આવ્યા હતા. થોડા દિવસો પૂર્વે ભાવનગરમાં આવતા ઝડપી લેવાયા છે. આરોપીઓ હોટલોમાં રહેતા કોઈને શક ન પડે તે માટે મિત્ર કે ખોટા નામ પર હોટલમાં રહેતા હતા. એલસીબીને શરૂઆતમાં એક નકકર ક઼ડી પણ મળી હતી. જેમાં
આરોપીઓ હોટલના સીસીટીવીમાં કેદ થયા હતા. જો કે, તે સપ્તાહ પૂર્વના હોવાથી અંતિમ પગલાં સુધી પહોચી શકાયું ન હતું.આ ગુનામાં મુંદરાના તત્કાલિન પીઆઈ જયેન્દ્રસિંહ અનોપસિંહ પઢિયાર, જીઆરડી સભ્ય વિરલ ઉર્ફે મારાજ જીતેન્દ્રભાઈ જોષી, શંભુ દેવરાજ જરૂ, પોલીસ કર્મચારી ગફુરજી પીરાજી ઠાકોર, કપીલ અમૃતભાઈ દેસાઈ અને આરોપીને છુપાવવામાં મદદગારી કરનાર નરવિરસિંહ ગણપતસિંહ સરવૈયા તેમજ સમાઘોઘાના માજી સરપંચ જયવીરસિંહ વિક્રમસિંહ જાડેજાની ધરપકડ થઈ ચુકી છે. આરોપીઓ હાલમાં જેલ હવાલે છે. ગઢવી યુવાનોની ચોરીના શકમંદ બનાવમાં કે જમીન પ્રકરણમાં અટકાયત થઈ હતી. તે સહિતના પ્રશ્નો પરથી હવે પડદો ઉંચકાશે.

એસપીએ એલસીબીની પીઠ થપથપાવી
ભુજ : આ ગુનાનો ભેદ ઉકેલવા માટે શરૂઆતમાં નખત્રાણા બાદમાં ભુજ ડીવાયએસપીને તપાસ
સોંપાઈ હતી. આ કેસમાં એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો સ્કવોર્ડ, ભુજ એ ડિવિઝન, બી ડિવિઝન, માંડવી તેમજ મુંદરા પોલીસની અલગ અલગ ટીમો બનાવાઈ હતી. જેમાં એલસીબીને સફળતા મળી છે. ગુનો બન્યો ત્યારથી પશ્ચિમ કચ્છ ભુજ એલસીબી પોલીસ વડા સૌરભસિંગના સીધા માર્ગદર્શન હેઠળ ગુનાનો ભેદ ઉકેલવા પ્રયત્નશીલ હતી. બે મહિનાથી એલસીબીના અધિકારી અને કર્મચારીઓએ ૯૦ ટકા ફોકસ આ ગુનાનો ભેદ ઉકેલવા માટે રાખ્યો હતો. જેના પરિણામ સ્વરૂપે આ સફળતા મળતા પોલીસ વડાએ એલસીબીના વખાણ કર્યા છે. તેમજ આ ગુનાનો ભેદ ઉકેલવામાં જે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. તેઓને ફરજ નિષ્ઠાને પણ બિરદાવી હતી. સાથે ભાવનગર પોલીસનો પણ આભાર માન્યો છે.

મુંદરા કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં પોલીસતંત્રની કામગીરીથી સંપૂર્ણ સંતોષ : વિજયભાઈ ગઢવી
મૃતક યુવાનોના પરિવારને વળતર મળે તે માટે હજુ સુધી પ્રજાકીય પ્રતિનિધિઓ આગળ આવ્યા ન હોઈ તે બાબતે શ્રી ગઢવીએ વ્યકત કરી નારાજગી

ભુજ : મુંદરા તાલુકાના સમાઘોઘા ગામના ચારણ સમાજના યુવાનો પર મુંદરા પોલીસે ગુજારેલ દમનમાં બે આશાસ્પદ યુવાનના મૃત્યુ થયા હતા. કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં પોલીસ કર્મીઓથી લઈને અન્ય વ્યક્તિઓની સામેલ ગીરી હોતા આ ચકચારી પ્રકરણના કચ્છ સહિત રાજયભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. આ પ્રકરણમાં ફરાર ત્રણ પોલીસકર્મીઓ પણ ઝડપાઈ જતા તમામ આરોપીઓ હવે પોલીસના સકંજામાં આવી ગયા છે. ચારણ સમાજના પ્રમુખ વિજયભાઈ ગઢવીએ જણાવ્યું કે, મુંદરા કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં પોલીસ તંત્રની કામગીરીથી સંપૂર્ણ પણે સંતોષ છે. જો કે, મૃત્યુ પામેલ યુવાનોના પરિવારજનોને વળતર મળે તે માટે પ્રજાકીય પ્રતિનિધિઓ હજુ આગળ આવ્યા ન હોઈ તે બાબતે નારાજગી છે. રાજકોટ જેતલસરમાં બનેલ ઘટના બાદ પ્રજાકીય પ્રતિનિધિઓની સાથોસાથ પ્રદેશ ભાજપ પ્રમુખ પણ ત્યાં દોડી ગયા હતા, પરંતુ અહીં તો પોલીસની દમનભરી નીતિના કારણે યુવાન મૃત્યુના મુખમાં ધકેલાયા છે તેમ છતાં પ્રજાકીય પ્રતિનિધિઓ હજુ સુધી આગળ આવ્યા ન હોઈ તે દુઃખદ ઘટના છે તેવું પણ તેમણે ઉમેર્યું હતું.