ક્રાઈમ કોર્નર

ક્રાઈમ કોર્નર

રાપરમાં બંધ મકાનમાંથી ૧.૦પ લાખની ચોરી

રાપર : રાપરમાં એક બંધ મકાનને નિશાન બનાવીને ચોરોએ રોકડ, સોના-ચાંદીના દાગીના સહિત કુલ ૧.૦પ લાખની માલમતાની ચોરી કરી હતી. રાપર બ્રહ્માણી માતાજીના મંદિરની બાજુમાં નવાપરા વિસ્તારમાં તસ્કરોએ ચોરી કરી હતી. ચોરોએ ખેતીકામ સાથે સંકળાયેલા ફરિયાદી પ્રેમજીભાઈ મનજીભાઈ ચાંબરિયા (પટેલ)ના મકાનનું તાળું તોડીને ખેતીના રોકડા રપ હજાર તથા દોઢ તોલાની સોનાની ચેઈન કિં.રૂા.પપ,૦૦૦, સોનાની ગળામાં પહેરવાની પાંચ ગ્રામની કંઠી કિં.રૂા. પાંચ હજાર, નાકનું પહેરવાનું બે ગ્રામનું સોનાનું કુલ રૂા.૧પ૦૦, ચાંદીના કંડાની એક જોડ કિં.રૂા. છ હજાર, ચાંદીના ઝાંઝર બે જોડી ૩૦૦ ગ્રામ કિં.રૂા.૧ર હજાર સહિત ૮૦ હજારના દાગીના સાથે ૧,૦પ,૦૦૦ની માલમતાની ચોરી કરવામાં આવી હતી. ધોળા દિવસે બનેલા ઘરફોડ ચોરીના બનાવના પગલે પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

સામખિયાળી પોલીસે બે વર્ષથી નાસતો-ફરતો આરોપી ઝડપ્યો

સામખિયાળી : સામખિયાળી પોલીસ દ્વારા ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતો-ફરતો આરોપી મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. બોર્ડર રેન્જ આઈજી જે.આર. મોથલિયા ભુજ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામ મયૂર પાટીલ તરફથી જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલ સૂચના તથા કે.જી. ઝાલા નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ તથા સર્કલ પો.ઈન્સ. રાપર તરફથી મળેલ સૂચના અને માર્ગદર્શન અન્વયે તેમજ હાલમાં નાસતા ફરતા આરોપી પકડી પાડવા અંગેની ડ્રાઈવ સબબ સામખિયાળી પોલીસ સ્ટેશનના પો.સબ. ઈન્સ. વી.જી. લાંબરીયાનાઓ તથા તાબા હેઠળના પોલીસ કર્મચારીઓ સામખિયાળી પો.સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે પોલીસ સ્ટાફને મળેલ બાતમી હકિકતને આધારે ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી રણમલ ઉર્ફે રાણો હાજી ત્રાયા (ઉ.વ.ર૧) (રહે. શિકારપુર કોલીવાસ, ભચાઉ)ને ૧૩,૧પ૦ રૂપિયાના મુદ્દામાલ સાથે રાઉન્ડઅપ કર્યો હતો.

સામખિયાળીમાં જાહેરમાં જુગાર રમતી છ મહિલા ઝડપાઈ

સામખિયાળી : સામખિયાળીમાં જાહેરમાં જુગાર રમતી મહિલાઓ સહિત ૬ ખેલીઓને પોલીસે દબોચી લીધા હતા. આ ખેલીઓ પાસેથી રોકડ રૂા.ર૦,૬૦૦ મળી આવ્યા હતા. પ્રજાપતિ સમાજવાડી પાસે ભરત રાઘવજી પ્રજાપતિના ઘરના ફળિયામાં જાહેરમાં ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમાતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. દરમ્યાન ભરતભાઈ રાઘવજીભાઈ પ્રજાપતિ, ગૌરીબેન વીરજીભાઈ પ્રજાપતિ, મણીબેન રવજી પ્રજાપતિ, પાર્વતીબેન જીવરાભાઈ પ્રજાપતિ, નીમુબેન રઘુભાઈ પ્રજાપતિ, નર્મદાબેન જયંતીલાલ પ્રજાપતિ જુગાર રમવાના આરોપસર પકડાયા હતા. પોલીસે પકડાયેલા ખેલીઓ પાસેથી રોકડ રૂા.ર૦,૬૦૦, ૩ મોબાઈલ ફોન કિ.રૂા.સાત હજાર સાથે કુલ રૂા.ર૭,૬૦૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.