કપુરાઇ પાસે દબાણો દૂર કરવા ગયેલા અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ

(જી.એન.એસ.)વડોદરા,શહેરના ડભોઇ રોડ કપુરાઇ ચાર રસ્તા પાસે દબાણો દૂર કરવા ગયેલાં શાખાના અધિકારીઓ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. સ્થાનિક લોકોએ કોર્પોરેશનની દબાણ શાખા અને અધિકારીઓ સામે બિલ્ડરોના ઇશારે દબાણો તોડવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો હતો.વડોદરા મહાનગર સેવા સદન દ્વારા છેલ્લા કેટલાક સમયથી રસ્તા રેષામાં આવતાં દબાણો દૂર કરવાની ઘનિષ્ઠ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે દબાણ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ડભોઇ રોડ ઉપર આવેલ કપુરાઇ ચાર રસ્તા પાસેના ગેરકાયદે દબાણો દૂર કરવા માટે પહોંચી હતી. દબાણ શાખાની સાથે ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા. તે સાથે પોલીસ કાફલો પણ જોડાયો હતો.દબાણ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે કપુરાઈ ચાર રસ્તા પહોંચતાની સાથે સ્થાનિક લોકો આવી પહોંચ્યા હતા અને દબાણો તોડવા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. જોકે દબાણ શાખાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ રાખી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે કોર્પોરેશન દ્વારા દબાણો તોડવા અંગેની કોઈ પણ જાતની નોટીસ આપવામાં આવી નથી. છતાં, આજે દબાણ શાખા દબાણો દૂર કરવા આવી પહોંચી હતી.