કચ્છ યુનિ.નો છબરડા મુદ્દે છાનો એકરાર

0
27

ફી ભર્યા વગર ડિગ્રીની સર્ટી આપવાના કિસ્સામાં યુનિએ ભૂલનું ઠીકરૂં ટેકનિકલ વ્યવસ્થા પર ફોડ્યું

કચ્છ યુનિ.માં ફી ન ભરનારા ૬પથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટી આવી પહોંચતા જવાબદારો સામે સેવાઈ હતી શંકાની
સોય : કુલસચિવે કહ્યું ટેકનિકલ કારણોથી ફી ક્લિયર થઈ નથી, પરંતુ ફોર્મ ભરાયા હોવાથી પરિણામ આવ્યા છે

ભુજ : ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીમાં અવાર નવાર વિવાદો સામે આવતા હોય છે ત્યારે તાજેતરમાં પદવીદાન સમારોહ યોજાયા બાદ યુનિવર્સિટી દ્વારા ડિગ્રી પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે જે વિદ્યાર્થીઓ ફી ભરે તેઓને ડિગ્રી અપાય છે, પરંતુ આ કિસ્સામાં તો જે છાત્રોએ ફી ભરી નથી તેવા ૬પ જેટલા વિદ્યાર્થીઓને માર્કશીટ યુનિવર્સિટીમાં આવી પહોંચતા છબરડાએ વિવાદ સર્જયો હતો. ઓનલાઈન ફી ભરીને ડિગ્રી મેળવવાની હોય તેમ છતાં ફીનું વેરીફિકેશન કરવામાં આવ્યું ન હતું, જેથી જવાબદારોની ચૂકના કારણે આ ક્ષતિ સર્જાવા પામી હતી.આ બાબતે કુલસચિવ ડૉ. જી.એમ. બુટાણીએ જણાવ્યું કે, યુનિવર્સિટીમાં ડિગ્રી માટે ઓનલાઈન વ્યવસ્થા છે. આ વર્ષે ૬પ૦૦ વિદ્યાર્થીઓએ ડિગ્રી માટે ફોર્મ ભર્યા હતા. મોટા ભાગે વિદ્યાર્થીઓની ફી ભરાઈ ગઈ છે, પરંતુ ઈન્ટરનેટ બેન્કિંગ કે અન્ય કોઈ ટેકનિકલ કારણોથી પ૦ થી પપ વિદ્યાર્થીઓના ડિગ્રી ફોર્મ ભરાઈ ગયા, પરંતુ ફી ક્લિયર થઈ ન હતી. આ કોઈ છબરડો નથી. વિદ્યાર્થીઓનું ફોર્મ જમા થયું હોય તો ડિગ્રી પ્રમાણપત્ર તૈયાર થવાનું જ છે, જેથી એ લોકોને ડિગ્રી આવી ગઈ છે. ટેકનિકલ કારણોથી જે ફી જમા થઈ નથી તે ફી પ્રમાણપત્ર લેવા આવનાર વિદ્યાર્થી પાસેથી વસૂલ કરવામાં આવશે.