કચ્છ જિ.પં.ના વિપક્ષી નેતા પદે ખેડોઈના લખીબેન રમેશભાઈ ડાંગરની વરણી

ઉપનેતા પદે વાયોર બેઠકના તકીશાબાપુ સૈયદ તથા દંડક પદે કેરા અ.જા. બેઠકના નારાણભાઈ મહેશ્વરી વરાયા

ભુજ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા દ્વારા કચ્છ જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા તરીકે લખીબેન રમેશ ડાંગર, ઉપનેતા પદે સૈયદ તકીશા બાપુ તથા દંડક તરીકે નારાણભાઈ પચાણભાઈ મહેશ્વરીની વરણી કરાઈ છે. કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ આ નિમણૂંકને આવકારી અને શુભેચ્છા વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા. શ્રી જાડેજાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષની આ અનુભવી અને સક્ષમ ટીમ પ્રજાકીય પ્રશ્નોને વાચા આપી વિરોધ પક્ષ તરીકે ગ્રામીણ પ્રજાનો અવાજ જિલ્લા પંચાયતમાં ઉઠાવશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
આ નિમણૂંકોને પૂર્વ વિપક્ષી નેતા વી.કે. હુંબલ, રાપરના ધારાસભ્ય ભચુભાઈ આરેઠિયા, હાજી જુમાભાઈ રાયમા, શૈલેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ ભુડિયા, ભરતલાલ સી. ઠક્કર, રફીકભાઈ મારા, ગનીભાઈ કુંભાર, શામજીભાઈ ભુરાભાઈ આહિર, પી.સી. ગઢવી, રામદેવસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા તથા તાલુકા – શહેર પ્રમુખોએ આવકારી હતી તેવું જિલ્લા પ્રવક્તા દિપક ડાંગર દ્વારા જણાવાયું હતું.