કચ્છ જિ.પંચાયતના વિપક્ષી નેતા પર સર્વ સહમતી સંધાઈઃ ખેડોઈ બેઠકના લખીબેન ડાંગરની પસંદગી નિશ્ચિત

image description

ગાંધીધામ : ગુજરાતભરમાં થોડા સમય પહેલા જ સ્થાનિક સ્વરાજનો જંગ ખેલાયો હતો જેમા ભાજપનો ભગવો જ ઠેર ઠેર લહેરાઈ ગયો હતો અને અહી ભાજપ દ્વારા મુખ્ય હોદેદારોની વરણી કરી દેવામા આવી હતી. ત્યારે નગરપાલિકાઓથી માંડી અને ઠેર ઠેર સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં કચ્છમાં પણ જેઓને વિપક્ષમાં જ બેસવાનો વારો આવ્યો છે તે કોંગ્રેસ દ્વારા વિપક્ષી નેતાની વરણીઓ કરી શકાઈ ન હતી. તે વચ્ચે જ રાજયમાં કોરોનાનો પીક પણ આવી જતા આ વરણીઓ કદાચ કોરાણે મુકાઈ હતી પરંતુ હવે ફરીથી કોંગ્રેસ દ્વારા કેટલાક જિલ્લાઓની જિલ્લા પંચાયતોમાં વિપક્ષી નેતાઓની વરણી કરવાની હલચલ તેજ બની હોવાનું આંતરીક સુત્રો મારફતે જાણવા મળી રહ્યુ છે. દરમ્યાન જ કચ્છમાં પણ જિલ્લા પંચાયત વિપક્ષી નેતા પદે એક નામ પર સર્વસહમતી સંધાઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યુ છે. પ્રથમ જ વખત કોંગ્રેસ જે બેઠક પરથી વિજયી થઈ છે તે ખેડોઈ બેઠકના લખીબેન રમેશભાઈ ડાંગરને વિપક્ષી નેતાનુ પદ મળી શકે તેવી પુરેપુરી સંભાવનાઓ રાજકીય સુત્રો દર્શાવી રહ્યા છે. જો કે, આ બાબતે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિહને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, ચર્ચા પરામર્શ નિર્ણાયક તબક્કે ચાલી રહ્યા છે અને સત્તાવાર માહીતીઓ ટૂંકમાં જ આવી શકે છે.