કચ્છ જિલ્લા પંચાયતનું ૩૧મીએ રજુ થશે બજેટ

  • પાલિકા – પંચાયતોમાં વાર્ષિક બજેટ – કમિટીની રચનાનો ગોઠવાયો તખ્તો

ર૩ થી ૩૧ માર્ચ વચ્ચે નગરપાલિકા અને તાલુકા પંચાયતોમાં મળશે બેઠકો

(બ્યુરો દ્વારા)ભુજ : કચ્છ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં પ્રમુખ – ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોએ વિધિવત સત્તા સંભાળી લીધી છે ત્યારે હવે ત્રણેય સંસ્થાઓમાં વિવિધ કમિટીઓની રચના કરવાના ધમધમાટ સાથે વાર્ષિક બજેટની કામગીરી પણ શરૂ કરાઈ છે, જે માટે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ર૩ થી ૩૧ મી માર્ચ વચ્ચે બેઠક મળશે. આ અંગે વિગતે વાત કરીએ તો જિલ્લા પંચાયતમાં ભાજપના પારૂલબેન કારાએ મીનીસંસદના સુકાની તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ નિયમ મુજબ વાર્ષિક બજેટ તૈયાર કરી મંજૂર કરવાનું થતું હોઈ તે અંગેની કાર્યવાહી હાથ ધરાઈ છે. ૩૧મી માર્ચે જિલ્લા પંચાયત સભાખંડમાં વાર્ષિક બજેટ રજૂ કરવા બેઠક મળશે. આ બેઠકમાં બાકી રહેતી સમિતિઓના ચેરમેનોની વરણી પ્રક્રિયા હાથ ધરાઈ શકે છે. જો કે, હજુ બેઠક અંગેના જિલ્લા પંચાયત તરફથી સત્તાવાર એજન્ડા જાહેર કરાયા ન હોઈ તે જાહેર કરાયા બાદ બજેટ બેઠક સાથે અન્ય કઈ કઈ કામગીરી હાથ ધરાશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.જિલ્લાની પાંચ નગરપાલિકાઓના વાર્ષિક બજેટની વાત કરીએ તો મુંદરા-બારોઈ પાલિકાની ૩૦મીએ, અંજાર પાલિકાની ર૬મીએ, માંડવી પાલિકાની ૩૧મીએ વાર્ષિક બજેટ રજૂ કરવા માટેની બેઠક મળશે. તો વાર્ષિક બજેટની બેઠકમાં નગરપાલિકાઓમાં બાકી રહેલી કમિટીઓની રચના પણ થાય તેવું જાણવા મળી રહ્યું છે. જ્યારે ગાંધીધામ નગરપાલિકાની અને ભુજ પાલિકાના વાર્ષિક બજેટ રજુ કરવાની તારીખો અંગે હજુ સુધી કોઈ વિગતો સામે આવી નથી. તાલુકા પંચાયતોની વાત કરીએ તો ભુજ, મુંદરા, અબડાસા અને અંજાર તાલુકા પંચાયતની રપમીએ બેઠક મળશે. તો રાપર તાલુકા વી તાલુકા પંચાયતની ર૪મીએ વાર્ષિક બજેટ રજૂ કરવા અંગે બેઠક મળશે. અબડાસા, લખપત નખત્રાણા અને ગાંધીધામ તાલુકા પંચાયતની બેઠકોની તારીખો હજુ સુધી સત્તાવાર નક્કી કરાઈ ન હોવાનું જાણવા મળ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, સત્તાપક્ષના નેતા અને દંડકની વરણી પ્રક્રિયામાં વિસ્તાર અને સામાજીક સમીકરણોને ધ્યાનમાં રાખી હોદ્દેદારોની નિયુક્તિ કરાઈ છે. જો કે, જેઓ આ વરણીમાંથી બાકાત રહી ગયા છે તેવા સિનિયર સભ્યોને વિસ્તાર અને સમાજના સમીકરણોને ધ્યાનમાં રાખી બાકી રહી ગયેલી સમિતિઓમાં સમાવવામાં આવે તેવી પુરેપુરી સંભાવનાઓ છે.

અબડાસા તાલુકા પંચાયતની બજેટ બેઠકમાં નવાજૂનીના ભણકારા

ભુજ : અબડાસા તાલુકા પંચાયતના પરિણામો જાહેર થતાં જ કચ્છના રાજકારણમાં તરેહ તરેહની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. કુલ્લ ૧૮ બેઠકો પૈકી ૧૦ પર પંજાના ઉમેદવારોનો વિજય થતા રપ વર્ષ બાદ કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા તો આંચકી લીધી પરંતુ સત્તા ટકાવવી લોઢાના ચણા ચાવવા સમાન બની રહી છે. પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી પૂર્વે જ ભાજપે જોડતોડની રાજનીતિ શરૂ કરી દીધી હતી. જેના લીધે તાલુકાથી લઈને જિલ્લા કક્ષાના કોંગી આગેવાનો રીતસરના ફફડી ઉઠયા હતા. જો કે, ભાજપની યોજના તાલુકા પંચાયતની વરણી પ્રક્રિયામાં પાર ન પડતા પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદાઓ પર કોંગી સભ્યો બિરાજમાન થઈ ગયા હતા. અબડાસા તાલુકા પંચાયત હસ્તગત કરવી ભાજપ માટે પ્રતિષ્ઠા સમાન બની ગઈ હોઈ ભાજપના તાલુકા પંચાયતના સભ્યોથી લઈને પક્ષના મોભીઓ હાર માનવાના મુડમાં ન હોય તેમ હજુ પણ કાવા-દાવા અપનાવી રહ્યા છે. આગામી સમયમાં અબડાસા તાલુકા પંચાયતની બજેટ સંદર્ભેની બેઠક મળનારી છે ત્યારે આ બેઠકમાં ભાજપ નવાજૂની કરી સત્તા પરિવર્તન લાવે તેવી ચર્ચાઓએ ફરી જોર પકડયું છે.