કચ્છ જિલ્લાના ગામડાઓને કોરોના મુક્ત બનાવવા વિલેજ વોરિયર કમિટીનું કરો ગઠન

  • તંત્રના ભરોસે રહેવાના બદલે બનો ‘આત્મનિર્ભર’
    જિલ્લામાં ૬૩ર જેટલી ગ્રામ પંચાયતોના સુકાનીઓ આ દિશામાં આદરે કવાયત : લોકડાઉનના બદલે ગામના બીમાર તેમજ કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિને સ્થાનિકે સારવાર મળે તેવી વ્યવસ્થા ગોઠવે : દરેક ગામોમાં ઉત્સાહી યુવાનોની છે ફોજ જરૂર છે માત્ર દિશા નિર્દેશની : સરપંચ, તલાટી, શિક્ષક, આંગણવાડી વર્કર, આરોગ્ય સ્ટાફ, પોલીસ આ દિશામાં આગળ આવી સામાજીક આગેવાનોને સાથે રાખી કરો પહેલ

(બ્યુરો દ્વારા)ભુજ : સરહદી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ બેકાબુ બન્યું છે તેવું ખુદ ગુજરાત સરકાર પણ માને છે, જેના કારણે સાત મહાનગરો બાદ આઠમાં કચ્છ જિલ્લામાં રસીકરણને અગ્રતા અપાઈ છે, પરંતુ સ્થાનિકના અધિકારીઓ અને ફોટો પડાવતા નેતાઓ સબ સલામતની આલબેલ પોકારે છે. આ સંજોગોમાં લોકોને સારી આરોગ્ય સેવા મળે ત્યારે સાચું પરંતુ હાલના તબક્કે લોકોએ આરોગ્ય સેવા મેળવવા તંત્રના ભરોસે રહેવાના બદલે આત્મ નિર્ભર બનવું પડશે તે સમયનો તકાજો છે. કચ્છ ગામડાઓથી બનેલો વિશાળ જિલ્લો છે. ગામડાઓમાં સંક્રમણ અટકશે તો જ જિલ્લામાં બીમારી પર અંકુશ મેળવી શકાય તેમ હોવાથી કચ્છ જિલ્લાના ગામડાઓને કોરોના મુક્ત બનાવવા વિલેજ વોરિયર કમિટીનું ગઠન કરવું જરૂરી છે.આ અંગેની જો વાત કરીએ તો રાજયમાં મહાનગરો બાદ મહેસાણા જિલ્લામાં સૌથી વધુ કેસો આવી રહ્યા છે. અહીંના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના અટકાવવા વિલેજ વોરીયર કમિટી બનાવાઈ છે. જે દિશામાં કચ્છના સરપંચો પણ આગળ આવે તો ગ્રામીણ વિસ્તારમાં વકરતી મહામારીને અટકાવી શકાશે. જિલ્લામાં કુલ્લ ૬૩ર જેટલી ગ્રામ પંચાયતો અસ્તિત્વ ધરાવે છે. અમુક ગ્રામ પંચાયતોમાં પાંચથી સાત ગામો અને વાંઢોનો પણ સમાવેશ થાય છે. દરેક ગામોમાં કોરોનાના કેસોએ માથું ઉંચકતા સ્થાનીકે નિર્ણય લઈ લોકડાઉન લગાવાયા છે. અલબત કોરોનાથી બચવા માટે લોકડાઉન એ ઉપાય નથી. કેટલા સમય સુધી બીમારીથી ડરીને ઘરમાં બેસી રહેશું. ઘરમાં બેસવાથી બીમારી જશે નહીં ઉલ્ટાની તિજોરી ખાલી થઈ જશે. આવા સંજોગોમાં ગ્રામ પંચાયતોએ બીમારીને ડામવા માટે આગળ આવવું પડશે. જો વાત કરીએ વિલેજ વોરીયર કમિટીની તો દરેક ગામમ સરળતાથી આ પ્રકારે કાર્ય થઈ શકે તેમ છે. જેમાં જોવા જઈએ તો ગામમાં જે વ્યક્તિ બિમાર હોય અથવા કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતો હોય તેને સ્થાનીકે જ સારવાર મળી રહે તે માટેની વ્યવસ્થા ગોઠવવાની છે. ગામમાં કોઈ પણ વ્યક્તિને તાવ, શરદી, ખાંસી જેવા પ્રાથમિક લક્ષણો જણાય તો તેવા વ્યક્તિઓની યાદી બનાવી ટીએચઓ અને સ્થાનીક પીએચસીમાં તબીબને જાણ કરવી, બાદમાં આ વ્યક્તિને હોમ આઈસોલેશનમાં રાખી તબીબી સુવિધાઓ ઘર બેઠા જ મળે એ માટે વ્યવસ્થા સુનિશ્ચિત કરવી. જો દર્દીને ઘરમાં કવોરેન્ટાઈન કરવો શકય ન બને તો ગામની શાળા કે જે હાલમાં બંધ છે, ત્યાં આઈસોલેશન બેડની વ્યવસ્થા કરી શકાય. દરેક ગામમાં ઉત્સાહી યુવાનોની ફોજ હોય છે, ત્યારે માત્ર દિશા નિર્દેશની જરૂરીયાત છે. ઉપરાંત ગ્રામ પંચાયતો પાસે ગ્રાન્ટ છે, દરેક ગામમાં સેવા ભાવી વ્યક્તિઓ પણ હોય જ છે ત્યારે દાતાઓના સહકારથી ગામમાં સેનીટાઈઝેશન પણ કરવું જોઈએ. આ કમિટીમાં સરપંચ, તલાટી, શિક્ષકો, આંગણવાડી વર્કર, આરોગ્ય સ્ટાફ સહિતનાઓને સાંકળી ગામના આગેવાનો અને સમાજના મોભીઓને પણ સાથે રાખવા જોઈએ. કવોરેન્ટાઈન વ્યક્તિ ઘરમાં જ રહે તે દિશામાં પ્રયાસો કરી તેના ઘરે તમામ વસ્તુઓ પહોંચતી થાય તેવી કામગીરી જોઈએ. જો કોઈ વ્યક્તિની સ્થિતિ ખરાબ થાય તો તેમને તાલુકા અથવા જિલ્લા મથકે સારવાર મળી રહે તે માટે ગામના આગેવાનોએ દોડવું જોઈએ. આ પરિસ્થિતિમાં સહકાર સિવાય કોઈનું ઉધ્ધાર નથી. દર્દીના સ્વજનો તો મહેનત કરશે પરંતુ ગ્રામજનો અને આગેવાનો પોતાની ફરજ સમજી ગામના વ્યક્તિને સારવાર મળે અને ઝડપથી કોરોના મુકત થાય તે માટે મહેનત કરવાનું શરૂ કરશે તો આપોઆપ જિલ્લામાં કેસો ઘટવા લાગશે. મુખ્યત્વે ગામમાં લોકો માસ્ક પહેરે અને રસી મુકાવે એ દિશામાં પણ કામગીરી કરવી પડશે.

ગ્રામીણ પંથકમાં બીમાર વ્યક્તિઓ ઉંટવૈદો પાસેથી દવા લેવાનું ટાળે

ભુજ : કચ્છ જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં પણ કોરોના પગ પેસારો કરી ચુકયો છે ત્યારે કોરોના મહામારીથી ગભરાતા લોકો નિષ્ણાંત તબીબો પાસેથી દવા લેવાના બદલે સ્થાનીકે નજીકના ઉંટવૈદ્યો પાસેથી સારવાર લેતા હોઈ કોરોનાની બિમારીનું નિદાન થઈ શકતું નથી. જેના લીધે આ ચેપ પરિવારના અન્ય સદસ્યોમાં પણ પ્રસરી જાય છે અને તેના સંપર્કમાં આવનારા લોકો પણ કયારેક કોરોનાનો ભોગ બને છે. બીજીતરફ ઉંટવૈદ્યો પાસે દરરોજ આવા અનેક બીમાર વ્યક્તિઓ દવા લેવા આવતા હોઈ ત્યાં પણ ચેપ લાગવાની શક્યતા રહે છે, જેથી બિમારીને છુપાવવાના બદલે તેનો વ્યાપ સતત વધતો જાય છે. કોરોના ફેલાવવામાં આ પરિબળ પણ કામ કરતું હોવાથી લોકોએ નિષ્ણાંત તબીબ પાસે અથવા સરકારી દવાખાનામાંથી જ કોઈ પણ પ્રકારના સંકોચ રાખ્યા વગર દવા લેવી જોઈએ. તો હાલમાં ગામોમાં ઘરો ઘર બિમારીના ખાટલા હોવાથી ડરના માર્યે લોકો ઉંટવૈદ્યો પાસે દવા લેવા જાય છે જેમાં આ બોગસ તબીબોને પણ લોટરી લાગી હોય તેમ તડાકો થઈ ગયો છે.