કચ્છ આવતો ર૩ લાખનો શરાબ સાંતલપુર પોલીસે ઝડપ્યો

બોર્ડર સીલ હોવા છતાં રાજસ્થાનથી ગુજરાતમાં ટેન્કર ભરીને આવ્યો દારૂ

(ક્રાઈમ પ્રતિનિધિ)ભુજ : વર્તમાને કોરોનાની સ્થિતિને પગલે રાજસ્થાન અને ગુજરાત વચ્ચેની બોર્ડર સીલ કરી દેવાઈ છે, તેમ છતાં સુરક્ષાની ઢીલને કારણે રાજસ્થાનથી કચ્છમાં ઘૂસાડવામાં આવતો શરાબ બોર્ડર ક્રોસ કરીને સાંતલપુર સુધી પહોંચી આવ્યો હતો, ત્યારે પાટણ એલસીબીએ અંદાજે ર૩ લાખના શરાબનો વિક્રમી જથ્થો ઝડપી
પાડયો હતો.રાજસ્થાનથી કચ્છ તરફ આવતા ટેન્કરને સીધાડા ગામ પાસે પોલીસે પકડી પાડ્યું હતું. કોરોનાના કહેરને કારણે રાજસ્થાનની બોર્ડર બંધ હોવા છતાં દારૂ ભરેલું ટેન્કર બોર્ડર ક્રોસ કરીને રાજસ્થાનથી છેક સાંતલપુર સુધી પહોંચી આવ્યું હતું. ત્યારે પાટણ એલસીબીએ બાતમીના આધારે વોચ ગોઠવીને આ ટેન્કર ઝડપી પાડયું હતું, જેમાં પોલીસે તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી શરાબની અલગ અલગ બ્રાન્ડની પ૩૭ પેટીઓ મળી આવી હતી. પોલીસે કરેલી કાર્યવાહી દરમ્યાન ટેન્કર ચાલક વાહન છોડીને ફરાર થઈ ગયો હતો. પોલીસે દારૂ ભરેલ ટેન્કરને સાંતલપુર પોલીસ સ્ટેશને લઈ જઈને તપાસ આદરી હતી, જેમાં મુદ્દામાલની ગણતરી કરતા પોલીસે ટેન્કર સહિત ૩૩ લાખ ૨૯ હજાર ૮૦૦ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. સવાલ એ છે કે, હાલ રાજસ્થાન ગુજરાતની બોર્ડર બંધ છે. કોરોના સંક્રમણ વધવાને કારણે બંને રાજ્યો વચ્ચે અવરજવર બંધ કરાઈ છે.
ચેકપોસ્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તેમ છતાં ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરાયો છે. બંને રાજયો વચ્ચેની બોર્ડર બંધ હોવા છતા દારૂનો જથ્થો આવ્યો કેવી રીતે? સીધાડા પછી અનેક નાના કાચા રસ્તા ખુલ્લા છે, જ્યાંથી રાજસ્થાન ગુજરાતમા બેરોકટોક અવરજવર થતી રહે છે. મુખ્ય હાઈવે સીલ હોવાથી હાલ આ માર્ગનો વપરાશ કરવામાં આવી રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.