કચ્છમાં ૬પ હજાર મેટ્રીક ટનથી વધુ કેરીનું ઉત્પાદન થવાની ધારણા

આગામી વર્ષોમાં કચ્છી કેસર કેરીની માંગમાં થશે વધારો

ભુજ : કચ્છમાં દિન પ્રતદિન કેરીનું વાવેતર અને ઉત્પાદન વધી રહ્યું છે. પરંતુ ક્યાંકને ક્યાંક કચ્છના ખેડૂતોને ચિંતા હતી કે, લોકડાઉનની અસર કેરીના ભાવ પર થશે. પરંતુ હાલ ખેડૂતોની આ ચિંતા દૂર થઈ છે. કારણકે હાલ બજારમાં કચ્છની કેસર કેરીની ખૂબ માંગ છે. સામાન્ય રીતે કચ્છની કેસર કેરી જૂન મહિનાની શરૂઆતમાં આવતી હોય છે  ત્યારે ચાલુ વર્ષે કચ્છમાં ૧૦ હજારથી વધુ હેક્ટરમાં કેરીનું વાવેતર થયું છે. ૬૫ હજાર મેટ્રિક ટનથી વધુ કેરીનું ઉત્પાદન થશે તેવી ખેડૂતોને આશા છે.

ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે કેરીનું સારૂં ઉત્પાદન થયું છે. અને ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીની સીઝન કચ્છના ખેડૂતો માટે ખૂબ સારી રહેશે. આ ઉપરાંત તોક્તે વાવાઝોડાંને પગલે સૌરાષ્ટ્રમાં કેરીના પાકમાં ભારે નુકસાની થઈ હોવાથી કચ્છની કેસર કેરીની માંગ વધી ગઈ છે. તેમજ કચ્છની કેરીના ભાવ સૌરાષ્ટ્રની કેરી કરતા સસ્તા છે. ત્યારે આગામી સમયમાં કચ્છની કેસર કેરીની માંગ હજુ પણ વધી શકે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. આ ઉપરાંત ખેડૂતોને એવું અનુમાન છે કે, વાવાઝોડાંએ સૌરાષ્ટ્રમાં કેરીના ઘણા વર્ષો જૂના વૃક્ષો ઉખેડી નાખ્યા છે. આવનારા વર્ષોમાં પણ કચ્છની કેરીની માંગ વધશે. આમ તો સૌરાષ્ટ્રમાં કેરીના પાકને નુકસાન થયું છે તે કચ્છ માટે સારી વાત નથી. કારણ કે સૌરાષ્ટ્ર દ્વારા કચ્છમાં કેરીનું વાવેતરની શરૂઆત થઇ હતી.

ઉપરાંત ગત વર્ષે કેરીના ભાવ ૩૫થી ૬૦ રૂપિયે કિલો હતા. જે ચાલુ વર્ષે ૮૦થી ૧૫૦ રૂપિયા જેટલો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે. આ ઉપરાંત વિદેશમાં પણ કચ્છની કેસર કેરીની સારી એવી માંગ છે. પરંતુ કોરોનાને કારણે વિમાનના ભાડા પણ વધી ગયા છે. છતાં પણ આ વખતે સારી માંગ હોવાથી કચ્છના ખેડૂતો દેશની બહાર કેરીઓ મોકલી રહ્યા છે.