સરકારી કોલેજમાં સસ્તામાં ભણવું છે પરંતુ સરકારી દવાખાનામાં ફરજ નથી બજાવવી..!

  • વિધાનસભામાં અપાયેલા જવાબમાં થયો ચોંકાવનારો ખુલાસો : રાજ્યમાં રર૬૯ ડોકટરોને નિમણૂંક અપાઈ તેમાંથી માત્ર ૩૭૩ થયા હાજર

(બ્યુરો દ્વારા)ભુજ : રાજ્યમાં જાહેર આરોગ્ય સેવાનું માળખું સુદ્રઢ બને અને ગ્રામ્ય કક્ષાએ પણ લોકોને સારી આરોગ્ય સેવા મળી રહે તે માટે સરકાર દ્વારા સરકારી મેડિકલ કોલેજોમાં અભ્યાસ કરી તબીબ બનનારાઓને નિયત સમય માટે સરકારી દવાખાનાઓમાં ફરજ બજાવવા આદેશ કરાતો હોય છે. જો આ તબીબો સરકારી દવાખાનામાં હાજર ન થાય તો તેમની પાસેથી બોન્ડની રકમ પણ વસુલાતી હોય છે. સરકારી કોલેજોમાં વિદ્યાર્થીઓને સસ્તામાં ભણવું તો છે પરંતુ સરકારી દવાખાનામાં ફરજ બજાવવી ન હોય તેમ એક રાજ્યની સાથોસાથ કચ્છમાં પણ નિમણૂંક પામેલા ૧પ૬ તબીબો ફરજ પર હાજર ન થયા હોવાની વિગતો સામે આવી છે. આ અંગેની વિગતે વાત કરીએ તો ગુજરાત વિધાનસભામાં પુછાયેલા એક પ્રશ્નના જવાબમાં આરોગ્ય વિભાગે લેખિતમાં આપેલા જવાબમાં જણાવેલ કે, છેલ્લા બે વર્ષમાં સરકારી કોલેજમાંથી એમબીબીએસ થયેલા રર૬૯ તબીબોને સરકારી હોસ્પિટલમાં નિમણૂંક અપાઈ હતી, જેમાંથી ફક્ત ૩૦૦ તબીબો જ હાજર થયા હતા. ૧૭૬૧ ડોકટરો ફરજ પર હાજર ન થતા તે પૈકી ર૪૪ ડોકટરો પાસેથી ૧ર કરોડ રૂપિયાના બોન્ડની રકમ વસુલવામાં આવી છે જ્યારે ૮૩.૬૦ કરોડની બોન્ડની રકમ હજુ વસુલવાની બાકી છે. કચ્છ જિલ્લાની વાત કરીએ તો અહીં ૧પ૬ ડોકટરો હાજર ન થતા તેઓ પાસેથી ૬.૭પ કરોડ વસુલવાના બાકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરી વિસ્તારોમાં ડોકટરો સરકારી હોસ્પિટલમાં સેવા બજાવવા જાય છે પરંતુ ગ્રામ્ય કે દૂરના વિસ્તારો અને છેવાડાઓના જિલ્લામાં તબીબો સેવા કરવા હાજર થતા નથી. સરકાર દ્વારા આ માટે અનેક પ્રયાસો કરવા છતાં લાખો રૂપિયાના બોન્ડની રકમ સરકારમાં જમા કરાવી તબીબો ખાનગી હોસ્પિટલોમાં ફરજ બજાવવામાં અને જાતે દવાખાના ચાલુ કરવામાં વધુ રસ દાખવી રહ્યા છે.