કચ્છમાં સરકારી બાબુઓ સત્તાની ઉપરવટ જઈ એસીની માણતા મોજ

Hand holding remote control directed on the air conditioner
  • ગરમીનું પ્રમાણ વધતા કચેરીઓમાં ઠંડા-ઠંડા કુલ-કુલ

અધિકારી – કર્મચારીને એસી કોઈ અગ્રણી કે સંસ્થા દ્વારા લગાવી દેવામાં આવે છે, પણ વીજળીનું બિલ કોના માથે…? : એસીબી સહિત વહિવટી તંત્ર તેમજ જે-તે ડિપાર્ટમેન્ટનો વિજીલન્સ તપાસ કરાવે તો બધું બહાર આવી જાય

સરકારી તિજોરી પર વધી રહ્યો છે બિનજરૂરી આર્થિક બોજ : અધિકાર ન હોવા છતાં વર્ગ-૩ના કર્મચારીઓની શાખાઓમાં પણ ચાલી રહ્યા છે એસી

ભુજ : સરકારી કચેરીઓમાં બિનજરૂરી ખર્ચાઓ પર કાપ મૂકાય તેમજ સરકારી તિજોરી પર આર્થિક ભારણ ઘટાડી શકાય તે માટે અનેક નિયમો અમલી બન્યા છે. ઉનાળા દરમ્યાન એસીનો બેફામ ઉપયોગ થતો હોઈ તોતીંગ બિલથી છૂટકારો મેળવવા એસીના ઉપયોગ સંદર્ભે પણ રાજ્ય સરકારે બે વર્ષ પૂર્વે નિયમ ઘડ્યો હતો. જોકે, આ નિયમથી અસર ચાર દિન કી ચાંદની સમાન જ સાબિત થઈ છે. ગરમીનું પ્રમાણ વધતા કચ્છની સરકારી કચેરીઓમાં બાબુઓ સત્તાથી ઉપરવટ જઈ એસીની ઠંડી હવાની મોજ માણી રહ્યા છે.આ અંગેની વિગતો મુજબ સરકારી કચેરીઓમાં અધિકારીઓથી લઈ કર્મચારીઓ સત્તાનો વ્યાપક ગેરૂપયોગ કરી તેમજ સત્તાથી ઉપરવટ જઈ મનમાની ચલાવી તંત્રની તિજોરી પર આર્થિક ભારણ વધારતા હોવાનું સામે આવ્યા બાદ સરકાર દ્વારા સત્તાઓ પર નિયંત્રણ મૂકવાની સાથો સાથ એસીના ઉપયોગ અંગે પણ કડક આદેશો કર્યા છે. ક્લાસ ૧-ર વર્ગના અધિકારીઓ પોતાની ચેમ્બરમાં એસી લગાવે તે સમજી શકાય, પરંતુ વર્ગ-૩ના કર્મચારીઓ પણ પોતાના રૂમોમાં એસી લગાવી ઉનાળા દરમ્યાન તેનો બેફામ
ઉપયોગ કરતા હોવાનું જણાયા બાદ એસીના ઉપયોગ અંગે સરકારે માર્ગદર્શિકા બહાર પડી હતી. સરકારના સૂચન બાદ કચ્છમાં પણ વિવિધ સરકારી કચેરીઓમાંથી ગેરકાયદે એસી દૂર કરાયા હતા. જોકે, સરકારના આદેશને અભેરાઈએ ચડાવી પુનઃ કચ્છમાં સરકારી બાબુઓ સત્તાથી ઉપરવટ જઈ એસીનો ઉપયોગ કરી રહ્યા છે. હાલે ગરમી વધી હોઈ જિલ્લા મથક ભુજ સહિત અન્ય શહેરો તેમજ તાલુકા મથકની સરકારી કચેરીઓમાં એસીનો દુરૂપયોગ શરૂ થઈ ગયો છે.