કચ્છમાં સંભવતઃ દિવાળી બાદ પ્રથમવાર 30 પોઝિટીવ કેસનો રેકોર્ડ

ભુજના પૂર્વ ચીફ ઓફિસર ચેતન ડુડીયાના પિતાશ્રીનું કોરોનાને કારણે નિધન : ગુજરાતમાં કોરોનાનો હાહાકાર, તોડ્યા તમામ રેકોર્ડ : પ્રથમ વખત પોઝિટિવ કેસની સંખ્યા 3 હજારની પાર

ભુજ : ગુજરાત સહિત કચ્છમાં કોરોનાના ફૂંફાડાના કારણે હાહાકાર મચી ગયો છે. કચ્છમાં સંભવતઃ દિવાળી બાદ પ્રથમવાર એક દિવસમાં 30 પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે ભુજના પૂર્વ ચીફ ઓફિસર ચેતન ડુડીયાના પિતાશ્રીનું કોરોનાને કારણે નિધન થયાનું જાણવા મળ્યુ છે. તો ગુજરાતભરમાં કોરોના પોઝિટિવ કેસે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડતા પ્રથમ વખત આંક 3 હજારની પાર પહોંચ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3160 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે 15 લોકોએ આ મહામારીને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.
કચ્છ સહિત ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોનાની બીજી લહેર પહેલા કરતા પણ વધારે ભયાનક હોય તે પ્રકારે રોજે રોજ પોઝિટીવ કેસના આંકડાઓ કુદકેને ભૂસકે વધી રહ્યા છે. લોકોની લાપરવાહી કહો કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે સરકાર અને તંત્રએ ગાયબ કરેલો કોરોના હવે વિફર્યો હોય તેમ રોજ નવા રેકોર્ડ નોંધાઈ રહ્યા છે. તેવામાં કચ્છમાં દિવાળી બાદ સંભવતઃ પ્રથમવાર એક દિવસમાં 30 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. તો ભુજના પૂર્વ ચીફ ઓફિસર ચેતન ડુડીયાના પિતાશ્રીનું કોરોનાને કારણે મોત નીપજ્યુ હોવાનું જાણવા મળ્યુ છે. જો કે, તંત્રના ચોપડે કોરોનાનો મૃત્યું આંક છેલ્લા કેટલાય મહિનાઓથી સ્થિર થઈ ગયો છે. તો રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક 3160 પોઝિટિવ કેસ નોંધાયા હતા

ક્યાં કેટલા પોઝિટીવ કેસ નોંધાયા

ભુજ : અમદાવાદમાં કોરોનાના 773 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે સુરત શહેરમાં 603, રાજકોટમાં 283, વડોદરામાં 216, સુરત ગ્રામ્યમાં 185, વડોદરા ગ્રામ્યમાં 114, મહેસાણામાં 88, જામનગર શહેરમા 70, પાટણમાં 65, ભાવનગર શહેરમાં 60, જામનગરમાં 54, મહીસાગરમાં 39, પંચમહાલમાં 39 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ગાંધીનગર ગ્રામ્ય અને ગાંધીનગર શહેરમાં 66, મોરબીમાં 33, ભરૂચમાં 32, ખેડામાં 32, દાહોદમાં 31, કચ્છમાં 30, રાજકોટ ગ્રામ્યમાં 28, આણંદમાં 25, દેવભૂમિ દ્વારકામાં 23 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.