કચ્છમાં શરણાર્થીઓને મળશે ભારતીય નાગરિકત્વ

ઝુરા કેમ્પમાં વસતા શરણાર્થીઓ ૨૦૦૯માં પાકિસ્તાનથી આવ્યા હતા ગુજરાતમાં : શરણાર્થીઓને હવે સીએએથી નાગરિકત્વ મળશે તેની ખુશી વ્યક્ત કરી

ભુજ :  કેન્દ્ર સરકાર દ્વારા સીએએ હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી આવેલા હિન્દુ, જૈન, શીખ, પારસી, ઈસાઈ સહિતના અલ્પ સંખ્યકોને નાગરિકતા આપવા માટે એક સેન્ટર ઉભું કરવામાં આવશે. જે અંતર્ગત કચ્છમાં પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓને પણ અહીંની નાગરિકતા મળશે.

વર્ષ ૨૦૦૯માં પાકિસ્તાનથી ગુજરાતના પાટણમાં પાકિસ્તાની શરણાર્થીઓ અહીં આવ્યા હતા અને ત્યારબાદ ૨૦૧૧માં આ શરણાર્થીઓ કચ્છમાં આવ્યા હતા. હાલમાં તેઓ ભુજ તાલુકાના ઝુરા કેમ્પમાં રહે છે પરંતુ તેમને કોઈ જાતની સવલત મળતી નથી કારણ કે એમના પાસે ભારતનું નાગરિકત્વ નથી. ૨૦૧૮માં તેઓએ કલેકટરને અરજી કરી હતી પરંતુ અત્યાર સુધી તેઓને નાગરીકત્વ મળ્યું નથી. સુરાજી સોઢા (શરણાર્થી) એ જણાવ્યું હતું કે ઝુરા કેમ્પમાં પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓના બે પરિવાર રહે છે. ૧૯૭૧માં પાકિસ્તાનમાંથી ભારતમાં આવેલા શરણાર્થીઓના ઘણા પરિવારો અહીં આવ્યા અને એમને અહીંનું નાગરિકત્વ મળ્યું છે. આ શરણાર્થીઓના સગા સંબંધીઓ પણ અહીં રહે છે. પરંતુ પાછળથી જે લોકો આવેલા છે એમને હજુ સુધી નાગરિકત્વ મળ્યું નથી. શિવસેનાના અગ્રણી માધુભા સોઢાએ જણાવ્યું હતું કે પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓ પાસે એમના કોઈ ઓળખ પત્ર કે જન્મના દાખલા વગેરે કોઈ આધાર પણ નથી. જેથી તેમના પરીવારજનોને કોઈ નોકરી કે કમ્પનીઓમાં કામ મળતું નથી. પરિણામે તેઓ છૂટક મજૂરી કરી ને પોતાનું ગુજરાન ચલાવે છે.

હવે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા સીએએ હેઠળ તેમને ભારતની નાગરિકતા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે તેમને તમામ સુવિધાઓ તેમજ સરકારી યોજનાઓનો લાભ પણ મળશે અને તેમની ઓળખ પણ થશે. પરિણામે આ શરણાર્થીઓમાં ખુશી છવાઈ જશે.