કચ્છમાં વેન્ટિલેટરની અછતને પહોંચી વળવા ૮૦ નવા વેન્ટિલેટર અપાશે : વિજય રૂપાણી

કચ્છ ભરમાં કોવિડની સારવાર માટે વધુ ર હજાર બેડ ઉભા કરવાની તૈયારીઓ શરૂ : આરટીપીસીઆર ટેસ્ટીંગ વધારવા માટે કચ્છમાં એક નવું મશીન કરાશે ઈન્સ્ટોલેશન

ભુજ : રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી કોરોના સંદર્ભેની સમીક્ષા માટે કચ્છમાં આવ્યા હતા. કોરોનાની બીજી લહેરને કારણે કચ્છ સહિત ગુજરાતમાં ચિંતા પ્રસરી છે અને કોરોનાનું સંક્રમણ પણ ઝડપથી થાય છે, ત્યારે તેને અટકાવવા માટે સરકાર પ્રતિબધ હોવાનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું. વહિવટીતંત્ર અને જનપ્રતિનિધિઓ સાથે બેઠક યોજ્યા બાદ તેમણે પત્રકારો સાથે કોન્ફરન્સ યોજીને માહિતી પુરી પાડી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકારો સાથે કરેલી પરામર્શમાં જણાવ્યું હતું કે, જિલ્લાના અધિકારી અને પદાધિકારીઓ સાથે કોરોના સંદર્ભે સમીક્ષા કરી છે. જેમાં કચ્છમાં આરટીપીઆર ટેસ્ટીંગ વધારવા માટે અને ર૪ કલાકમાં દર્દીઓને પોઝિટીવ અથવા નેગેટીવ રિપોર્ટ આપવા માટેની સ્પષ્ટ સૂચના અપાઈ છે. કોરોના અંગે આરટીપીસીઆર ટેસ્ટીંગ વધારવા નવું મશીન ઈન્સ્ટોલેશન કરવામાં આવશે. કાલથી જ તેની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. આ ઉપરાંત કચ્છમાં વેન્ટિલેટર ઓછા હોવાની ફરિયાદો ધારાસભ્યો અને અધિકારીઓ તરફથી મળી હતી. જેને કારણે કચ્છમાં નવા ૮૦ વેન્ટિલેટર આપવામાં આવશે તેવી જાહેરાત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરી હતી. આ ઉપરાંત કોરોના પોઝિટીવ દર્દીઓ દિન – પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે જિલ્લા મથક ઉપરાંત તમામ તાલુકા મથકોએ નવા ર૦૦૦ બેડની સુવિધા ઉભી કરવાનો નિર્ણય આજની બેઠકમાં કરાયો છે. આ બે હજાર બેડની સાથે આનુસંગીક સુવિધાઓ જેવી કે ઓક્સિજન લાઈન, તમામ બેડની સાથે ત્રણ સીફટમાં ડોકટરો, મેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફની વ્યવસ્થા સહિતની સુવિધાઓ ઉભી કરાશે. સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં હેલ્પ ડેસ્ક બોર્ડની સુવિધા કરવાની તાકીદ કરવામાં આવી છે, જેમાં કોવિડ દર્દીઓના સગાઓને તમામ પ્રકારની માહિતી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા સૂચના અપાઈ છે. સીએચસી – પીએચસીમાં ડોકટરો અને સ્ટાફની ઘટને ધ્યાને લઈને આજની બેઠકમાં સ્ટાફની ભરતી કરવા સંદર્ભે પણ ચર્ચા વિચારણ કરવામાં આવી છે અને માંગણા પત્રકોને આધારે દરખાસ્ત મોકલવા જણાવાયું છે. અને સત્વરે હ્યુમન રિસોર્સ ઉભો કરવા કામગીરી કરાશે. નવા તૈયાર થયેલા એમબીબીએસ તબીબોની સેવાનો ઉપયોગ લેવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રારંભે દેશ અને ગુજરાતની પરિસ્થિતિથી લોકોને વાકેફ કર્યા હતા. કોરોનાની બીજી લહેર વ્યાપક બની છે. સંક્રમણ ઝડપીથી વધી રહ્યું છે અને પોઝીટીવ કેસોની સંખ્યા પણ વધી રહી છે. માર્ચ પૂર્વે દેશ ભરમાં ૧ર હજારની આસપાસ પોઝિટીવ કેસો નોંધાઈ રહ્યા હતા. જયારે હાલના તબક્કે સવા બે લાખ જેટલા કેસો પ્રતિદિન નોંધાઈ રહ્યા છે. ગુજરાતમાં દૈનિક ૩૦૦ની સામે હવે ૯ હજાર પોઝિટીવ કેસો થઈ ગયા છે. ૧પમી માર્ચ બાદ મહામારીનું સંક્રમણ વધ્યું છે. ત્યારે રાજ્યમાં ૪૧ હજાર બેડની સામે છેલ્લા ૧ માસમાં ૭પ હજાર બેડ કરી દેવાયા છે અને હજુ એકાદ પખવાડિયા વધુ ૧૦ હજાર બેડની સુવિધા ઉભી કરાશે. બેડની સાથે તેની સાથેની આનુસંગીક સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે.

રેમડેસિવિર ઈન્જેકશન અને ઓક્સિજન વિષે સીએમએ શું કહ્યું

ભુજ : રાજ્યમાં કોરોનાની સારવાર માટે વપરાતા રેમડેસિવિર ઈન્જેકશન અને ઓક્સિજન વિશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, કોરોના કેસો ઘટયા બાદ ઈન્જેકશનના ઉત્પાદનમાં પણ ઘટાડો કરાયો હતો. કેમ કે ઈન્જેકશનની એક્સપાયરી ડેટ ૩ મહિના સુધીની હોય છે. અને બીજી લહેરમાં કેસો ઉચકાતા ઈન્જેકશનની શોર્ટેજ ઉભી થઈ છે, તેમ છતાં પહેલી એપ્રીલથી ૧પમી એપ્રીલ સુધી ગુજરાતના લોકોને ૩.પ૦ લાખ રેમડેસિવિર ઈન્જેકશન અપાયા છે. ઈન્જેકશનનું ઉત્પાદન પુનઃ પુરજોશમાં થઈ રહ્યું છે. હાલની થોડી શોર્ટેજ હોવાના કારણે પ્રાયોરીટી નક્કી કરીને અપાય છે અને હોસ્પિટલ મારફતે જ હાલ રેમડેસિવિર ઈન્જેકશન ઉપલબ્ધ કરાવાઈ રહ્યા છે. તો ઓક્સિજન અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે, એકાદ માસ પૂર્વે ઓક્સિજનનો વપરાશ રપ૦ ટન કન્જકશન હતો. જે વધીને ૮૦૦ ટન કન્જકશન થઈ ગયો છે. ઓક્સિજનની ઉત્પાદન વધારવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. એટલે ટૂંક સમયમાં ઓક્સિજનની કોઈ શોર્ટેજ ઉભી થશે નહીં.

લોકો માસ્ક પહેરે અને વેક્સિન ઝડપથી લે : સીએમ

ભુજ : જિલ્લાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રીએ પ્રચાર માધ્યમો મારફતે અપીલ કરી હતી કે, કોરોનાના સંક્રમણ અટકાવવા માટે લોકો માસ્ક અચુક પહેરે. સરકાર દ્વારા સંક્રમણને અટકાવવા માટે બનતા તમામ પ્રયાસ કરાયા છે. ર૦ શહેરોમાં નાઈટ કફ્ર્યુ અમલી બન્યો છે. વહિવટીતંત્ર અને પોલીસને કોરોનાની માર્ગદર્શિકાનું ચૂસ્ત પણે પાલન કરાવવા સૂચના અપાઈ છે. ધાર્મિક, સામાજિક, રાજકીય મેળાવડાઓ પર રોક લગાવાઈ છે અને વેક્સિનેશનની કામગીરી પૂર જોશમાં હાથ ધરાઈ ચુકી છે. ત્યારે સૌ લોકો વેક્સિન અપાવે અને સુરક્ષિત બનતા જાય તેવી અપીલ મુખ્યમંત્રીએ કરી હતી.

કોરોનાના પોઝિટીવ કેસ અને મોતના આંકડાઓ છૂપાવવાનો કોઈ પ્રશ્ન નથી

 ભુજ : પત્રકારો સાથે મુખ્યમંત્રીએ કરેલી ચર્ચામાં પોઝીટીવ કેસ અને મૃત્યુનો આંક છૂપાવવાના વેદ્યક સવાલો થયા હતા. જેના પ્રત્યુતરમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોનાના પોઝીટીવ કેસ અને મૃત્યુના આંકડાઓ છૂપાવવાનો કોઈ પ્રશ્ન જ નથી. કેમ કે મૃત્યુ માટે આઈસીએમઆરની ગાઈડલાઈન મુજબ ડેથ ઓડીટ કમિટી દ્વારા ઓડિટ કરીને કોરોનાથી મૃત્યુ અંગેની જાહેરાત કરાય છે. જેમાં કોરોનાની સાથે અન્ય જીવલેણ બિમારીઓ હોય તો તેનું મૃત્યુ કોરોના સાથે સાંકળવામાં આવતું નથી. જેથી આવું બને છે અને તેને લઈને કોઈ ભ્રામક પ્રચારમાં જનતા દોરાય નહીં તેવું મુખ્યમંત્રીએ કહ્યું હતું.

ખાનગી હોસ્પિટલ વધુ બિલ આપશે તો કરાશે કાર્યવાહી

ભુજ : કચ્છમાં કોરોનાની સારવાર માટે ખાનગી હોસ્પિટલો દ્વારા દર્દીઓને લાખોના બિલ આપવામાં આવે છે. આ અંગે મુખ્યમંત્રીને કરાયેલા સવાલના જવાબમાં સરકાર દ્વારા ગાઈડલાઈન નક્કી કરાઈ છે, તે મુજબ જ ખાનગી હોસ્પિટલોમાં કોવિડની સારવાર અંગેની મંજૂરી આપવામાં આવે છે. તેમ છતાં જો કોઈ ખાનગી હોસ્પિટલ દ્વારા દર્દીઓ પાસે વધુ નાણા વસૂલવામાં આવશે અને તે અંગેની કોઈ ફરિયાદ આવશે તો હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરાશે તેવું ખુદ મુખ્યમંત્રીએ ભુજ ખાતે પત્રકારો સાથેની બેઠકમાં જણાવ્યું હતું.