કચ્છમાં વેક્સિન રજીસ્ટ્રેશન માટેના સ્લોટ ખુલતાની સાથે જ ફુલ થવા પાછળ ભેદભરમ

સાંજે છ વાગ્યે સાઈટ ખુલે બે – પાંચ મિનીટમાં તમામ સેશન બુક થઈ હોવાના મળે છે મેસેજ : શહેર તો ઠીક ગામડાઓમાં પણ સેશન ગણતરીની મિનીટોમાં પેક થઈ જતા લોકોએ સેવી શંકા – કુશંકા : ચાર – પાંચ દિવસથી પ્રયાસો કરવા છતાં સ્લોટ બુક ન થતી હોવાની ફરિયાદો વધી

ભુજ : સરકારે કોરોના વેક્સિનેશન અભિયાન છેડી લોકોને રસી લેવા માટે પ્રેર્યા છે. જાે કે, રસીની અછતના કારણે યુવાઓ પરેશાન બન્યા છે. કચ્છમાં વેક્સિન રજીસ્ટ્રેશન માટેની સાઈટમાં સ્લોટ ઓપન થાય તેની ગણતરીની મિનીટોમાં જ ફુલ થઈ જાય છે. પરિણામે રસીથી વંચિત રહેલા લોકો શંકા – કુશંકા સેવી રહ્યા છે.

આ અંગેની જાે વાત કરીએ તો ભુજ શહેરમાં ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન કરવામાં આવે છે. ડીડીઓ દ્વારા દર પાંચ દિવસના સ્લોટ એક સાથે ઓપન કરવામાં આવે છે. જાે કે, પાંચ દિવસના સ્લોટ ઓપન થતાની સાથે ફુલ થઈ જાય છે. જેના કારણે પાંચ દિવસ સુધી લોકોને રસીના લાભથી વંચિત રહેવાનો વારો આવે છે. શુક્રવારે ભુજ માટે સાજે છ વાગ્યે સેશન ઓપન થઈ પાંચ – દસ મિનીટમાં પાંચે પાંચ દિવસની સેશન બુક થઈ ગઈ હતી, જેથી રસી માટે ઉત્સાહ સેવતા યુવાનોને વધુ પાંચ દિવસ ધીરજ રાખવાનો વારો આવ્યો છે. આ એક દિવસ નહીં પરંતુ એક મેથી આવું થતું આવે છે. દરેક તાલુકામાં એક જ સેશન રખાય છે. ભુજમાં રખાયેલી ડ્રાઈવ થ્રુ સેશન થોડીવારમાં ફુલ થઈ જતા શહેરના યુવાનોએ નોંધણી કરી લીધી હતી, પણ ગામડાના યુવાનો નોંધણી કરાવે તે પૂર્વે તો પાંચ દિવસનો સ્લોટ પેક થઈ ગયા. આવામાં તમામ લોકોને રસી કેમ મળે ? ખરેખર શહેર અને ગામડા માટે અલગ અલગ સ્લોટ ઓપન થવા જાેઈએ. આતો માત્ર ભુજની વાત થઈ, પણ સરહદી લેખાતા અબડાસા, લખપત, ભચાઉ, રાપર જેવા વિસ્તારોમાં પણ પાંચથી દસ મિનીટમાં સેશન ફુલ થઈ જાય છે. રસીથી વંચિત રહેલા અને રોજ ઓનલાઈન છ વાગ્યે નોંધણી માટે પ્રયાસ કરવા છતાં રસી ન મેળવી શકનારા યુવાનોએ રોષ ભેર જણાવ્યું કે, છેલ્લા સપ્તાહથી વેક્સિન લેવા માટે નોંધણી કરાવી છે. છ વાગ્યે સાઈટ ખુલે તેમાં લોગઈન કરીએ એમાં બે – પાંચ મિનીટ નિકળી આવે. જયારે સ્લોટ બુક કરાવવા જઈએ ત્યારે સાઈટ ફુલનો મેસેજ આવી જાય છે. દરરોજ આ જ રામાયણ જાેવા મળે છે. ભુજ તો ઠીક લખપતની સેશન ખોલીએ તે પણ ફુલ બતાવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રક્રિયા પણ અનેક સવાલો ઉભા થયા છે. સ્લોટ ખુલે અને સ્લોટ પેક થાય તેના સ્ક્રીન શોટ લોકો સમક્ષ મુકવામાં આવે તેમજ જવાબદાર અધિકારીઓની હાજરીમાં સ્લોટ ખુલે તો જ પડદા પાછળ રમાતી રમત પરથી પડદો ઉંચકાય તેમ છે.