એન્જિનિયરીંગ કોલેજ ખાતે સવારે ૮ વાગ્યાથી હાથ ધરાશે મત ગણતરી : ૭ વિધાનસભા બેઠકોનું અલગ અલગ કાઉન્ટિંગ કરવામાં આવશે : મત ગણતરી માટેના સ્ટાફને તંત્ર દ્વારા તાલીમ આપવાનો પ્રારંભ

 

 

દરેક વિધાનસભાના પાંચ – પાંચ બૂથના વીવીપેટ સ્લીપની કરાશે ગણતરી

ભુજ : કચ્છ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ કુલ ર૧૪૩ બૂથ પર આગામી ર૩મી મેના મત ગણતરી હાથ ધરાશે, ત્યારે ચૂંટણીપંચની ગાઈડ લાઈન મુજબ દરેક વિધાનસભાના પાંચ – પાંચ બૂથના ઈવીએમની સાથે  વીવીપેટ મશીનની સ્લીપોની મત ગણતરી પણ કરવામાં આવશે અને તેની સરખામણી ઈવીએમના કાઉન્ટિંગ સાથે કરવામાં આવશે. આ પાંચ બૂથો ચૂંટણી અધિકારી દ્વારા ડ્રો પદ્ધતિથી નક્કી કરવામાં આવશે, ત્યારે કચ્છ સહિત એક મોરબીની મળીને કુલ ૭ વિધાનસભા બેઠકનો ૩પ વીવીપેટ મશીનની સ્લીપોનું કાઉન્ટિંગ કરવામાં આવશે તેવું જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી એમ.બી. પ્રજાપતિએ જણાવ્યું હતું.

 

 

 

કાઉન્ટિંગ સ્ટેશન પર મોબાઈલ કલેકશન સેન્ટર ઉભું કરાશે

ભુજ : આગામી ર૩મીએ ભુજની એન્જિનિયર કોલેજ ખાતે હાથ ધરાનાર મત ગણતરી દરમ્યાન કોઈને પણ કાઉન્ટિંગ સ્ટેશન પર મોબાઈલ લઈ જવા નહીં દેવાય. ર૦૧૭ની વિધાનસભા ચૂંટણીના કાઉન્ટિંગથી પ્રથમવાર આ નિયમનો અમલ શરૂ કરાયો હતો, ત્યારે ઉમેદવારના એજન્ટો તેમજ મીડિયા કર્મીઓ સાથે તંત્રના અધિકારીઓ અને પોલીસ વચ્ચે ગરમા ગરમી પણ થઈ હતી. જો કે આ વખતે કાઉન્ટિંગ સ્ટેશન પર મોબાઈલ કલેકશન સેન્ટર ઉભું કરાશે, જેમાં તંત્રના અધિકારીઓ દ્વારા મોબાઈલ કલેકટ કરીને કાઉન્ટિંગ સ્થળે લઈ જવા પર પ્રતિબંધ મુકાશે.

 

સૌથી વધુ અબડાસા વિધાનસભા બેઠકના ર૭ રાઉન્ડ

ભુજ : લોકસભા ચૂંટણીનું કાઉન્ટિંગ રાઉન્ડ વાઈઝ થવાનું છે, ત્યારે સૌથી વધુ રાઉન્ડ અબડાસા વિધાનસભા બેઠકના થશે. આ વિધાનસભા વિસ્તારમાં ૩૭૬ બૂથ સમાવિષ્ટ છે ત્યારે ર૭ રાઉન્ડમાં અબડાસા વિધાનસભા બેઠકની ગણતરી થવાની છે. ત્યારબાદ માંડવીમાં ર૧ રાઉન્ડ, ભુજમાં રર રાઉન્ડ, અંજારમાં ર૧ રાઉન્ડ, ગાંધીધામ રર રાઉન્ડ તેમજ રાપર અને મોરબી વિધાનસભા બેઠકની મત ગણતરી ર૧ રાઉન્ડમાં સંપન્ન થશે.

 

 

 

ભુજ : લોકસભા ચૂંટણી ર૦૧૯માં હજુ સાતમા તબક્કાનું મતદાન થવાનું બાકી છે, પરંતુ કચ્છ અને ગુજરાતમાં ગત ર૩મી એપ્રિલે મતદાના થઈ ગયા બાદ પરિણામની આતુરતા પૂર્વક ઈન્તેજારી થઈ રહી છે. ત્યારે આગામી ર૩મી મેના રોજ ભુજની સરકારી એન્જિનિયરીંગ કોલેજમાં મત ગણતરી હાથ ધરાશે. તંત્ર દ્વારા મત ગણતરી માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી એમ.બી. પ્રજાપતિએ આપેલી માહિતી મુજબ આગામી ર૩મીએ હાથ ધરાનાર મત ગણતરી માટે તંત્ર દ્વારા તાડામાર તૈયારીઓ ચાલી રહી છે. મત ગણતરીના દિવસે સવારે ૮ વાગ્યાથી પ્રથમ અડધા કલાક દરમિયાન પોસ્ટલ બેલેટથી કરાયેલા મતદાનની ગણતરી કરવામાં આવશે. અત્યાર સુધી તંત્રને ૮૬૦૦ ટપાલ મત મળ્યા છે અને આગામી ર૩મીએ સવારે ૮ વાગ્યા સુધી ટપાલ મારફતે જે પણ મત મળશે તેને ગણતરીમાં લેવામાં આવશે. ૮ઃ૩૦ કલાકથી ઈવીએમ મશીનનું કાઉન્ટિંગ શરૂ કરવામાં આવશે. કચ્છની છ ઉપરાંત મોરબી વિધાનસભા બેઠક મળીને કુલ ૭ વિધાનસભા બેઠકો વાઈઝ અલગ અલગ કાઉન્ટિંગ શરૂ કરાશે. રાઉન્ડ વાઈઝ હાથ ધરાનાર મત ગણતરીમાં એક રાઉન્ડમાં ૧૪ ઈવીએમની ગણતરી કરવામાં આવશે અને રાઉન્ડ વાઈઝ પરિણામ જાહેર કરાશે. મદદનીશ ચૂંટણી અધિકારીઓ પોત પોતાની વિધાનસભા બેઠકનું પરિણામ રાઉન્ડ વાઈઝ જાહેર કરશે, જેમાં મીડિયા રૂમમાં તેમજ કાઉન્ટિંગ સ્ટેશનની બહાર ડિસપ્લે પરથી પરિણામની જાહેરાત કરવામાં આવશે. સમગ્ર લોકસભા બેઠકનું પરિણામ જાહેર થઈ ગયા બાદ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા વિધિવત પરિણામ જાહેર કરવામાં આવશે.

લોકસભા ચૂંટણીની મત ગણતરી માટે કાઉન્ટિંગ સ્ટાફ, માઈક્રોઓબર્ઝવર, મદદનીશ ચૂંટણી અધિકારી સહિતના સ્ટાફને તાલીમ પણ અપાઈ રહી છે. કાઉન્ટિંગ સ્ટેશન પર પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ઉમેદવારો ઉપરાંત તેમના એજન્ટો અને મીડિયાના મિત્રો કાઉન્ટિંગ સ્ટાફ, પોલીસ સ્ટાફને જરૂરી આઈકાર્ડ ઈસ્યુ કરવામાં આવશે. બિનજરૂરી લોકો તેમજ જાહેર જનતાને કાઉન્ટિંગ સ્ટેશનની અંદર પ્રવેશ નિષેધ રહેશે. મત ગણતરીના સ્થળે જરૂરી સુવિધાઓમાં પાણી, ચા- નાસ્તા, શૌચાલય સહિતની સુવિધાઓ પણ ઉભી કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here