કચ્છમાં મોંઘી બ્રાન્ડની નકલી ચીજવસ્તુઓનું બેરોકટોક વેચાણ

  • દરેક પીળી ધાતુ સોનું નથી હોતી….

શહેરી વિસ્તારોમાં બિલાડીના ટોપની જેમ ધમધમતી અનેક દુકાનના સંચાલકો પાસે લાયસન્સ પણ ન હોવાની ઉઠતી બૂમરાડ : બ્રાન્ડેડ વસ્તુઓના નામે પધરાવાતો ડુપ્લીકેટ માલ : પોલીસે લાંબા સમયથી આ દિશામાં નથી કરી કોઈ નક્કર કાર્યવાહી : કંપનીનો માલ બતાવી ગ્રાહકોને છેતરવાની પ્રવૃતિ જારી : મોટા શહેરોમાં અનેકવાર સીઆઈડી ક્રાઈમના સપાટા : પ. કચ્છના પૂર્વ એસપી અને વર્તમાને સીઆઈડી ક્રાઈમના એસપી સૌરભ તોલંબીયા કચ્છમાં વક્રદ્રષ્ટી કરે તો અનેક ભોપાળા થાય છતાં

(બ્યુરો દ્વારા) ભુજ : આજકાલ યુવાધનને બ્રાન્ડેડ ચીજ વસ્તુઓનું ઘેલું લાગ્યું છે. મોબાઈલથી લઈ સ્માર્ટ વોચ, પગરખા, ફેશન વેર, મોબાઇલ એસેસરીજ, ટીવી, ચશ્મા, પરફ્યુમ, ઘર વપરાશની વસ્તુઓ સહિતની ચીજવસ્તુઓમાં બ્રાન્ડને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે છે. બજારમાં મળતી લોકલ વસ્તુઓની સરખામણીએ બ્રાન્ડેડ ચીજવસ્તુઓ ઘણી મોંઘી હોય છે, પરંતુ આજકાલ ડુપ્લીકેટ માલ સર્વત્ર વેચાતો હોવાથી બ્રાન્ડેડ ચીજવસ્તુઓ પણ ઠેર ઠેર દુકાનોમાં ઓરીજનલના નામે વેચાય છે. જે વસ્તુની માર્કેટ વેલ્યુ રપ૦૦ હોય અને તે વસ્તુ તમને ૧ર૦૦ થી ૧પ૦૦ માં મળે તો ગ્રાહક લેવાનો જ છે. બ્રાન્ડેડ ચીજવસ્તુઓમાં પણ આજકાલ આવું જ થઈ રહ્યું છે, જેના કારણે ગ્રાહકો છેતરાઈ રહ્યા છે. જેમ દરેક પીળી ધાતુ સોનું નથી હોતી તેમ દરેક વસ્તુ પર બ્રાન્ડેડના લેબલ લગાવી દેવાથી તે વસ્તુ ઓરીજનલ નથી બની જતી, તેમ છતાં લોકોની ગેલછા અને અમુક લેભાગુ વેપારીઓની કમાઈ લેવાની વૃતિના લીધે કચ્છમાં મોંઘી બ્રાન્ડની નકલી ચીજવસ્તુઓનું બેરોકટોક વેચાણ થઈ રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ અંગેની વિગતો મુજબ જિલ્લા મથક ભુજ તેમજ ગાંધીધામ, અંજાર, આદિપુર, માંડવી સહિતના વિકસીત શહેરી વિસ્તારોમાં બિલાડીના ટોપની જેમ અનેક બ્રાન્ડની દુકાનો ધમધમી રહી ેછે. ઉપરાંત મોલમાં પણ બ્રાન્ડેડ વસ્તુઓના શો-રૂમ ખુલ્યા છે. બ્રાન્ડેડ વસ્તુઓના વેચાણથી કોઈ વાંધો નથી પરંતુ બ્રાન્ડના ઓથા તળે ગ્રાહકને નકલી વસ્તુ પધરાવી છેતરવાની પ્રવૃતિ બેરોકટોક ચાલી રહી છે જે યોગ્ય નથી. આવી અનેક દુકાનના સંચાલકો પાસે લાયસન્સ પણ ન હોવાની બૂમરાડ પણ ઉઠી રહી છે. ગ્રાહકોને બ્રાન્ડેડ વસ્તુઓના નામે ડુપ્લીકેટ માલ પધરાવાઈ રહ્યો છે. જો કે, પૂર્વ કે પશ્ચિમ કચ્છ
પોલીસે લાંબા સમયથી આ દિશામાં કોઈ નક્કર કાર્યવાહી કરી હોય તેવો કોઈ દાખલો નથી. પોલીસ રૂટીન વસ્તુઓ દારૂ, જુગાર, ખનિજ ચોરી પકડી સંતોષ માની લે છે. પરંતુ આજના ટેકનોલોજી અને દેખાડાના યુગમાં બ્રાન્ડેડ વસ્તુઓના નામે કઈ રીતે વેપલો થઈ રહ્યો છે તેની પણ તપાસ થવી જરૂરી છે. દરિયાઈ માર્ગે કચ્છમાં નકલી બ્રાન્ડેડ વસ્તુઓ ઠલવાતી હોય તેવી શક્યતાઓ આ તકે નજર અંદાજ કરી શકાય નહીં. ગુજરાતના મોટા શહેરોમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા અનેક વખત સપાટા બોલાવી બ્રાન્ડના નામે નકલી પગરખા, ઘડીયાળ, ટી-શર્ટ, ટ્રેક તેમજ ઘર વપરાશની વસ્તુઓ ઝડપી પાડવામાં આવી છે. પશ્ચિમ કચ્છમાં એસપી તરીકે સેવા આપી ચુકેલા સૌરભ તોલંબીયા હાલમાં સીઆઈડી ક્રાઈમના એસપી છે તેઓએ ખુદ નકલી વસ્તુઓના વેચાણ સામે મુહીમ ઉપાડી સુરત સહિતના સ્થળોએ દરોડા પાડી ડુપ્લીકેટ વસ્તુઓનો જથ્થો બરામદ કરાયો છે ત્યારે કચ્છમાં પણ ખાસ કરીને ભુજ અને ગાંધીધામમાં આ પ્રકારે સપાટો બોલાવાય તો નકલી વસ્તુઓ વેચતા તત્વો દુકાનના શટર પાડી છુ થઈ જાય તો પણ નવાઈ નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે, દુકાનોમાંથી ગર્વની સાથે મોંઘી બ્રાન્ડના વસ્તુઓ ખરીદનાર ગ્રાહકોને જ્યારે આ બાબતની જાણ થાય છે ત્યારે તેઓ આબાદ છેતરાયા હોવાનો વસવસો કરી રહ્યા છે. પરંતુ ગંભીર બાબત એ છે કે શહેરમાં મોંઘી બ્રાન્ડની નકલી ચીજવસ્તુઓ વેચતા વેપારીઓ આજે પણ સક્રિય છે. જેઓની સામે કાર્યવાહી કરવામાં તંત્ર નિષ્ફળ નિવડી રહ્યુ છે.ઓરિજિનલ અને ફસ્ટ કોપી વચ્ચેનું અંતર નહીં જાણતા ગ્રાહકો સરેઆમ આવા દુકાનદારો પાસે છેતરાઇ રહ્યા છે. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે તંત્ર આ બાબતે જાણકાર હોવા છતાં આંખ આડા કાન કરી રહ્યું છે, અને આજદિન સુધી ફર્સ્ટ કોપીના નામે ડુપ્લિકેટ ચીજવસ્તુઓનું વેચાણ કરતા કોઇ વેપારી સામે નામ પુરતી પણ કાર્યવાહી કરવામાં આવી નથી. આ દુકાનોમાં વેચાતી ચીજવસ્તુઓમાંથી ૯૦ ટકા જેટલી ચીજવસ્તુઓ ચાઇના બનાવટની અથવા તો દિલ્હી મેડની બનેલી હોય છે. આ ચીજવસ્તુઓ બ્રાન્ડેડ કંપનીની ફસ્ટ કોપીના નામે શહેરમાં વેચાય છે, પરંતુ હકીકત એ છેકે દુકાનદારો ફસ્ટ કોપીના નામે નકલી ચીજવસ્તુઓ ગ્રાહકોને પધરાવી ખુલ્લેઆમ છેતરપીંડી કરી રહ્યા છે. દિલ્હીમાં રૂ.૨૦ના ભાવે મળતો બ્રાન્ડેડ કંપનીનો નકલી ઇયરફોન રૂ.૧૨૦ના ભાવે મળી રહ્યો છે. બ્રાન્ડેડ કંપનીના નકલી ઇયર બર્ડ રૂ.૫૦૦માં મળે છે, જે શહેરમાં રૂ.૧૨૦૦ થી ૧૫૦૦ના ભાવે વેચાઇ રહ્યા છે. રૂ.૫૦ થી ૭૦ ના ભાવે મળતા ચશ્મા ફાસ્ટટ્રેક, પ્યુમા, રેબન, જેવી કંપનીઓની ફસ્ટ કોપીના નામે રૂ.૪૦૦ થી ૫૦૦માં વેચાઇ રહ્યા છે. જ્યારે કપડાંમાં ચડ્ડા, ટી શર્ટ, જીન્સ, ફેન્સી ડ્રેસ, લેડીઝ-જેન્ટસ કપડાં પર જુદી જુદી કંપનીના માર્કા લગાવી કંપની ના નામે નકલી ચીજવસ્તુઓનં વેચાણ કરી ગ્રાહકો સાથે ખુલ્લેઆમ છેતરપીંડી થઇ રહી છે.

ગ્રાહકોએ જાગૃત બનવાની જરૂર

ભુજ : બજારોમાં વેચાતી નકલી ચીજવસ્તુઓનો કારોબાર વર્ષ-દિવસે કરોડો રૂપિયાનો છે. આજદીન સુધી આવા કોઇ દુકાનદાર વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી નથી થઇ તે સ્પષ્ટ કરે છે કે તંત્રને પણ આવા વેપારીઓ પાસેથી ટેબલ નીચેનો હિસ્સો મળી રહ્યો છે. ત્યારે ગ્રાહકે ખુદ હવે જાગૃ્રૃત થવાની જરૂર છે. આ માટે ગ્રાહકે કોઇ પહાડ ખોદવાના નથી. પરંતુ જે દુકાન પરથી ખરીદી કરી છે, તેની પાસે બ્રાન્ડેડ ચીજવસ્તુનું પાકું બિલ માગવાનું છે. જે ગ્રાહકનો અધિકાર છે, અને જો દુકાનદાર પાકું એટલે કે જીએસટીવાળુ બિલ ના આપે તો તે ચીજ નકલી છે તે સમજી લેવું.સરકારની જીએસટી આવકને મોટો ફટકો ભુજ : શહેરમાં વર્ષ-દિવસે નકલી વસ્તુઓનો કરોડોનો વેપાર થઇ રહ્યો છે. પરંતુ અમુક વેપારી દિલ્હી કે અન્ય મોટા શહેરોમાંથી લવાતા માલનો જીએસટી ભરી રહ્યા નથી. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ વર્ષે કરોડો રૂપિયાનો ધિકતો ધંધો કરતા આ દુકાનદારો તો જીએસટી નંબર પણ મેળવવાની તસ્દી લઇ રહ્યા નથી. ત્યારે જીએસટી વિભાગ સફાળુ જાગે અને આવી દુકાનો પર તપાસ હાથ ધરે તે જરૂરી છે.